શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. લોકસભા ચૂંટણી 2024
  3. લોકસભા 2024 વિશેષ
Last Updated : શનિવાર, 17 ફેબ્રુઆરી 2024 (15:13 IST)

ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત પછી પણ ભાજપ હવે ગામગામે કેમ ફરી રહ્યો છે?

bhupendra patel
bhupendra patel
ગુજરાતમાં ભાજપ વિધાનસભામાં ભૂતકાળના તમામ રેકૉર્ડ તોડીને જીત્યા પછી પણ લોકસભાની ચૂંટણીની પૂરજોશ તૈયારીમાં લાગી ગયો છે.
 
હવે ભાજપે ગુજરાતનાં ગામડાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને ગામેગામ જઈને પ્રચાર કરવાનું અભિયાન આદર્યું છે.
 
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાથી ભાજપના 'ગાંવ ચલો' અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. તેમણે જિલ્લાના જલોત્રા ગામની મુલાકાત લીધી હતી અને ગામના ખેડૂતો, યુવાઓ, મહિલા અને વિવિધ આગેવાનો સાથે બેઠકો યોજી હતી.
 
રાજકીય વિશ્લેષકો ભાજપના આ અભિયાનને નોખી રણનીતિના રૂપમાં જોઈ રહ્યા છે. તેમનું માનવું છે કે શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ જળવાઈ રહેલું છે અને ગ્રામીણ વિસ્તારોની તેની વોટબૅન્ક ઓછી હોવાથી હવે ગામડાં તરફ નજર દોડાવી છે.
 
આ અભિયાન પાછળનું મુખ્ય કારણ કૉંગ્રેસની હજુ પણ ગામડાં અને સેમી અર્બન વિસ્તારોમાં દેખાઈ રહેલી કમિટેડ વોટબૅન્કને અંકે કરવાની રણનીતિ છે એવું રાજકીય પંડિતો માની રહ્યા છે.
 
તો કૉંગ્રેસનો આરોપો છે કે ભાજપ ગામડાના લોકોને ગુમરાહ કરી રહ્યો છે. બીજી તરફ ભાજપનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ ગામડાંના લોકોની સમસ્યાને નિવારવાનો છે.
 
ભાજપે ગામડાં તરફ કેમ નજર દોડાવી?
 
 
ગુજરાતના રાજકારણને નજીકથી સમજનાર રાજકીય વિશ્લેષક ઘનશ્યામ શાહ કહે છે કે "વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મોટો વોટ શેર રૂરલ અને સેમી અર્બન એરિયામાંથી લઈ ગઈ હતી. ભાજપ શહેરી વિસ્તારોમાં મજબૂત છે, પણ સેમી અર્બન અને રૂરલ વિસ્તારમાં ભાજપ વિરોધી વોટની સંખ્યામાં ઘટાડો નથી થયો, જે 2022ના વિધાનસભાનાં પરિણામોમાં જોવા મળે છે."
 
"ભાજપ વિરોધી કૉંગ્રેસ અને આપના મતોનો સરવાળો કરીએ તો ભાજપ વિરોધી મતોમાં મોટો ફર્ક નથી પડ્યો. એનું મુખ્ય કારણ છે ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારમાં અપૂરતી સગવડોની નારાજગી. અહીં વિકાસ માટે ઉદ્યોગોને જમીન અપાઈ રહી છે પણ સ્થાનિક રોજગાર નથી વધ્યો. બીજી તરફ ખેડૂતો માટે ખાતર અને બિયારણના ભાવોમાં વધારો થયો છે પણ ખેતપેદાશની કિંમતો નથી મળતી, આથી ગ્રામીણ વિસ્તારનો ખેડૂત ધીમે ધીમે ખેતીથી વિમુખ થઈ અન્ય વ્યવસાય તરફ વળી રહ્યો છે."
 
તેઓ વધુમાં કહે છે, "એટલું જ નહીં ગ્રામીણ વિસ્તારોના લોકો સેમી અર્બન એરિયામાં અને અર્બન એરિયામાં આવી રહ્યા છે એનું મુખ્ય કારણ અપૂરતી આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થા છે. ઔદ્યોગિકીકરણ વધુ થવાથી ખેતીની ઉપેક્ષા થઈ રહી છે. આધુનિક ખેતીથી ખેડૂતને પાક સારો મળે છે પણ ખેતપેદાશના ભાવ મળતાં નથી, જેના કારણે આ વિસ્તારોમાં નારાજગી છે."
 
તેમનું કહેવું છે કે "આપે વિધાનસભાની ચૂંટણીમાં વોટ કાપ્યા હતા એવું લોકસભાની ચૂંટણીમાં થવાની સંભાવના નથી, કારણ કે વિધાનસભામાં એમના સંખ્યાબંધ ઉમેદવારોની ડિપૉઝિટ પણ ગઈ હતી. અલબત્ત, આદિવાસી, પાટીદાર અને સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં એમણે પ્રભાવ ઊભો કર્યો હતો, પણ લોકસભાનું ગણિત જુદું છે એટલે ગ્રામીણ વિસ્તારમાં નારાજ મતદારોને માનવવા ભાજપે 'ગામડેગામડે' જવાનો પ્લાન કર્યો છે એ એમનું લોકસભા પહેલાનું માઇક્રો મૅનેજમૅન્ટ દેખાઈ રહ્યું છે."
 
ભાજપ 'કૉંગ્રેસની વોટબૅન્ક' તોડી શકશે?
 
 
ગુજરાતમાં છેલ્લી બે ટર્મથી લોકસભામાં ભાજપ તમામ 26 સીટ જીતી રહ્યો છે અને આ વખતે પણ એવું જ થશે એવો ભાજપનો દાવો છે.
 
તાલીમ રિસર્ચ ફાઉન્ડેશનના ડિરેક્ટર અને જાણીતા સેફોલૉજિસ્ટ ડૉ. એમ.આઈ. ખાને બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતમાં મતદારોની વોટિંગ પૅટર્ન બદલાઈ છે, 2012 પછી મતદાન વધ્યું છે, ભાજપની પકડ પણ વધી છે, પરંતુ રૂરલ અને સેમી અર્બન એરિયામાં હજુ કૉંગ્રેસની કમિટેડ વોટબૅન્ક જળવાયેલી રહી છે."
 
"2017માં ભાજપ 99 બેઠકો પર સમેટાઈ ગયો હતો અને કૉંગ્રેસ લાંબા સમય પછી 77 બેઠકો પર જીતી હતી, પણ એ બેઠકોમાં મોટા ભાગની બેઠકો રૂરલ અને સેમી અર્બન એરિયાની હતી. પછી ભાજપે આગવી રણનીતિ અપનાવી, ફૂટબૉલની રમતની ભાષામાં કહીએ તો મૅન ટુ મૅન માર્કિંગ કરીને રૂરલ અને સેમી અર્બન એરિયાના કૉંગ્રેસના એવા 21 મહત્ત્વના લોકોને પોતાના પક્ષમાં લીધા, જેમની રૂરલ અને સેમી અર્બન એરિયામાં પકડ મજબૂત હોય. એમાંથી ભાજપે 19 લોકોને ટિકિટ આપી. ઉદાહરણ તરીકે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર કે કુંવરજી બાવળિયા જેવા નેતાઓને લડાવવામાં આ રણનીતિ વાપરવામાં આવી હતી."
 
તો ફૂલછાબના ભૂતપૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગ્રામીણ વિસ્તારોમાં કૉંગ્રેસના સમયમાં બનેલી સહકારી મંડળી અને એનું રાજકારણ હજુ જીવિત છે, શહેરી વિસ્તારોમાં એ નહીં દેખાય, પણ ભાજપ દ્વારા અત્યારથી માઇક્રો મૅનેજમૅન્ટ થઈ રહ્યું છે."
 
તેઓ કહે છે, "આપનું લોકસભામાં બહુ મહત્ત્વ નહીં રહે એટલે ભાજપે કૉંગ્રેસની ગ્રામીણ અને સેમી અર્બન વિસ્તારની વોટબૅન્કને અંકે કરવા માટે કાર્યકર્તાઓની ફોજ ગામડાંમાં ઉતારવાની શરૂ કર્યું છે. જો કૉંગ્રેસ પાસેની રહીસહી સહકારી ક્ષેત્રની વોટબૅન્કમાં ગાબડું પાડી શકાય તો ભાજપ માટે કોઈ પડકાર નહીં રહે."
 
ગુજરાતની છેલ્લી ચૂંટણીઓ અને લોકસભાનું ગણિત
 
 
ખાન કહે છે કે આ રણનીતિથી ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં રેકૉર્ડ બ્રૅક જીત મળી છે, પણ ભાજપ વિરોધી વોટ રૂરલ અને સેમી અર્બન એરિયામાં વધુ જોવા મળ્યા છે. તેઓ આંકડાનું ગણિત સમજાવતા કહે છે, "2022ની ચૂંટણીના મતદાનને જોઈએ તો ભાજપને અર્બન એરિયામાં 64 ટકા વોટ મળ્યા છે જેમાં 4.47 ટકાનો વધારો થયો છે. જ્યારે કૉંગ્રેસને અર્બન એરિયામાં 22.27 ટકા વોટ મળ્યા છે અને 12.8 ટકાનો ઘટાડો થયો ટકા વોટ મળ્યા છે જ્યારે આપ પાર્ટીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના સેમી અર્બન અને રૂરલ એરિયામાંથી સારા વોટ મળ્યા છે."
 
"આપ પાર્ટીને રૂરલ એરિયામાંથી 14.6 ટકા અને સેમી અર્બન એરિયામાં 10.7 ટકા વોટ મળ્યા છે, એનો સરવાળો કરીએ તો ભાજપ વિરોધી વોટ થાય એમાં મોટો ફર્ક નથી પડ્યો. 2022 પછી આપની પકડ ગુજરાતમાં ઢીલી થઈ છે ત્યારે સેમી અર્બન અને રૂરલમાં કૉંગ્રેસ ટક્કર આપી શકે એ સંભાવનાને જોતા ભાજપે ચાલો ગામડાંનું અભિયાન ચાલુ કર્યું છે."
 
ડૉ. એમ.આઈ. ખાન કહે છે, "આમ થવાથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના રૂરલ અને સેમી અર્બન વિસ્તારમાં ભાજપને કૉંગ્રેસ કોઈ ટક્કર ના આપી શકે. આ પટ્ટો મજબૂત થાય તો શહેરી વિસ્તારો જેવી ભાજપની પક્કડ આવી જાય અને વધુ લીડથી ભાજપ લોકસભામાં જીતી શકે અને કૉંગ્રેસનું મનોબળ તોડી શકે."
 
તો કૌશિક મહેતા કહે છે, "આ મનોવૈજ્ઞાનિક લડાઈ પણ છે. દરેક જ્ઞાતિના પ્રભુત્વ ધરાવતા જ્ઞાતિના કાર્યકર્તાઓને પોતાની સાથે લઈ કૉંગ્રેસ સામે ચોતરફી હલ્લો બોલવાનું શરૂ કર્યું છે, કૉંગ્રેસ પોતાના નારાજ કાર્યકર્તાઓને સાંભળે અને બીજી તરફ ગામેગામ જવાની ભાજપની રણનીતિને ખાળવા મહેનત કરે એટલે લોકસભાની ચૂંટણી લડવા માટેની એમની શક્તિ અને સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત ના કરી શકે અને આસાનીથી જીતી શકાય."
 
કૉંગ્રેસ અને ભાજપનું શું કહેવું છે?
 
ભાજપની આ રણનીતિ અંગે કૉંગ્રેસ 'ગુજરાત સરકાર ગામડાં તોડી રહી હોવાની' વાત કરી ભાજપ પર હલ્લો બોલવાનો પ્રયાસ કરી રહી છે.
 
વિધાનસભા કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ગુજરાતમાં ભાજપ વિકાસના નામે ગ્રામીણ વિસ્તારોને અન્યાય કરી રહ્યું છે, ગામેગામ જઈને ગ્રામસભા યોજી સરકારની રૂપાળી યોજનાની વાતો કરી ગામડાંના લોકોને ભરમાવી રહ્યા છે."
 
તેમણે ભાજપ સરકાર પર આરોપ મૂક્યા કે "ગુજરાતમાં ઓબીસીની વસ્તી 52 ટકાની આસપાસ હોવા છતાં એમના વિકાસ માટે બજેટમાં માત્ર 1 ટકાની ફાળવણી કરી. ખેતી અને ખેડૂતો માટે કુલ બજેટના માત્ર 5 ટકા પૈસા ફાળવ્યા છે. બજેટમાં ગ્રામીણ વિસ્તારને ઓછા પૈસા ફાળવી અન્યાય કરાય છે, એનાથી વધુ ચિંતાજનક એ છે કે પૈસાની ફાળવણી કરવાની જાહેરાતો કર્યા પછી એ પૈસા ગ્રામીણ વિકાસ માટે વપરાતા નથી. ગામડાંની કરોડરજ્જુ સમાન પશુપાલન માટેની યોજનાના 124 કરોડથી વધુ રૂપિયા વપરાયા વગર પડી રહ્યા છે. સર્વાંગી વિકાસ માટેના 3223 કરોડથી વધુ રૂપિયા વપરાયા નથી."
 
અમિત ચાવડા આરોપ મૂકે છે કે પૈસા વપરાયા ન હોવાથી ગ્રામીણ વિસ્તારમાં શાળા, આરોગ્ય અને જીઆઈડીસી જેવી રોજગાર યોજનાઓ ખોરંભે પડી છે. એટલે ગ્રામીણ વિસ્તારમાંથી લોકો ખેતી અને પશુપાલનનો ધંધો છોડી અન્ય વ્યવસાય માટે શહેરો તરફ આવી રહ્યા છે."
 
તો બીજી તરફ ભાજપના પ્રવક્તા ડૉ. યજ્ઞેશ દવે કૉંગ્રેસના આ આરોપો અને દાવાઓને પોકળ ગણાવતા કહે છે કે, "ગામડેગામડે જવાની ભાજપની યોજનાનું મુખ્ય કારણ ગુજરાત અને કેન્દ્ર સરકારની લોકાભિમુખ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાની છે. ભાજપ બે વખતથી લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો પર જીતે છે અને હવે ત્રીજી વખત પણ જીતશે એટલે મૂંઝાઈ ગયેલી કૉંગ્રેસ આવો ખોટો પ્રચાર કરી ગ્રામીણ અને ભોળી જનતાને ભરમાવે છે."
 
તેઓ વધુમાં કહે છે, "ક્યાંય છેવાડાના ગામ સુધી વિકાસની નાનામાં નાની યોજનામાં કોઈ ઊણપ રહી ગઈ હોય તો અમે સમસ્યાનું નિરાકરણ કરી શકીએ. ભાજપ માત્ર ચૂંટણી જીતવા માટે કામ નથી કરતો ભાજપ પ્રજાલક્ષી કામ કરે છે, એટલે ગામેગામ જઈ લોકોની સમસ્યાનું નિવારણ કરવાનું વડા પ્રધાને આહવાન કર્યું એટલે શરૂઆત ખુદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે જેથી કાર્યકર્તાઓ જોમમાં આવી કામ કરે."