બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 20 નવેમ્બર 2019 (11:35 IST)

મહારાષ્ટ્ર : મુસ્લિમ સંગઠને શિવસેનાને સમર્થન ન આપવા સોનિયા ગાંધીને પત્ર લખ્યો? - ફૅક્ટચેક

મહારાષ્ટ્રમાં સરકારને લઈને હજુ પણ સસ્પેન્સ જોવા મળી રહ્યું છે. શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવા માટે કૉંગ્રેસ અને એનસીપીએ હજુ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. સરકારને લઈને ચાલી રહેલી ચહલપહલ વચ્ચે 'જમિયત ઉલેમા-એ-હિંદ'નો એક પત્ર વાઇરલ થયો છે, જેમાં કહેવાયું છે કે શિવસેનાના નેતૃત્વમાં સરકારને સમર્થન આપવું કૉંગ્રેસ માટે હાનિકારક હશે.
 
એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સંગઠને કૉંગ્રેસનાં વડાં સોનિયા ગાંધીને પોતાની ભાવનાથી અવગત કરાવી દીધાં છે. સોનિયા ગાંધીને સંબોધિત આ પત્રમાં કથિત રીતે 'જમિયત ઉલેમા-એ-હિંદના અધ્યક્ષ અરશદ મદનીએ લખ્યું,
"હું આપનું ધ્યાન મહારાષ્ટ્રમાં રમાઈ રહેલાં ગંદા રાજકારણ તરફ દોરવા માગું છું. એ બાબત દુર્ભાગ્યપૂર્ણ છે કે આપ શિવસેનાને સમર્થન આપવા અંગે વિચારી રહ્યાં છો. આ નિર્ણય કૉંગ્રેસ પક્ષ માટે ખતરનાક હશે."
 
જ્યારે બીબીસીએ અરશદ મદનીનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે તેમણે કૉંગ્રેસને આવો કોઈ પત્ર લખ્યો નથી.
 
મદનીએ બીબીસીને કહ્યું, "સરકાર કોણ બનાવે છે તેનાથી અમને કંઈ લાગતું વળગતું નથી. અમે કોઈને આવી સલાહ આપતા નથી."
 
"અમે ક્યારેય કૉંગ્રેસ કે તેમના નેતાને કોઈ પત્ર લખ્યો નથી. રાજકારણ સાથે અમારે કોઈ સંબંધ નથી."
 
મહારાષ્ટ્રમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ 24 ઑક્ટોબરે આવ્યાં હતાં, જેમાં ભાજપને 105 બેઠક મળી હતી.
 
શિવસેનાને 56, એનસીપીને 54 અને કૉંગ્રેસને 44 બેઠક મળી. શિવસેના અને ભાજપે સાથે મળીને ચૂંટણી લડી હતી અને તેમના ગઠબંધનને બહુમતી પણ મળી હતી. એવું લાગી પણ રહ્યું હતું કે મહારાષ્ટ્રમાં સરળતાથી ભાજપ-શિવસેનાની સરકાર બની જશે. જોકે, મુખ્ય મંત્રીના પદને લઈને વાંધો એવો પડ્યો કે બન્ને પક્ષ અલગ-અલગ થઈ ગયા.
 
સંસદમાં શિવસેનાનો દાવો છે કે એનસીપી અને કૉંગ્રેસનાં સમર્થનથી તે રાજ્યમાં સરકાર બનાવી લેશે. જોકે, હજુ સુધી આ મામલે ચિત્ર સ્પષ્ટ થઈ શક્યું નથી. મુલાકાતનો ક્રમ ચાલી રહ્યો છે.
આ દરમિયાન સોમવારે શરદ પવારે સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેમણે કહ્યું કે શિવસેના મુદ્દે કોઈ વાત થઈ નથી. હાલમાં મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિનું શાસન લાગુ છે અને સરકાર બનાવવા માટેનું સસ્પેન્સ પણ જોવા મળી રહ્યું છે.