દારૂબંધી : વિજય રૂપાણીએ કહ્યું ગહેલોત માફી માગે પણ ગુજરાતીઓએ શું કહ્યું? - સોશિયલ

Last Modified મંગળવાર, 8 ઑક્ટોબર 2019 (09:49 IST)
રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહેલોત ગુજરાતમાં દારૂબંધી પર નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે તો આની સામે વિજય રૂપાણીએ તેમની માફીની માગણી કરી છે.
અશોક ગહેલોતે કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી છતાં સૌથી વધારે દારૂ પીવાય છે. આ નિવેદન બાદ ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી તેમજ અન્ય નેતાઓએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
અશોક ગહેલોતે કહ્યું હતું કે, ''આઝાદી બાદથી ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ સૌથી વધારે દારૂ ગુજરાતમાં જ પીવાય છે અને ઘરેઘરે લોકો દારૂ પીવે છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ ગહેલોતના આ નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી કહ્યું, ''અશોક ગહેલોતે આ નિવેદન આપી સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે.''
તેમણે વધુમાં કહ્યું, ''ગુજરાતની કૉંગ્રેસ પાર્ટીએ આનો જવાબ આપવો પડે અને ગહેલોતે ગુજરાતીઓની માફી માગવી પડે.''
''રાજસ્થાનના મુખ્ય મંત્રી ગુજરાતની ચૂંટણી જીતાડી ન શક્યા એટલે ગુજરાતીઓ પર ગમે તેવા આક્ષેપો કરે તે શોભતું નથી અને ગુજરાત કદી તેમને માફ નહીં કરે.''
આ સિવાય ગુજરાતના ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કહ્યું, ''આ નિવેદનથી કૉંગ્રેસે ગુજરાતનું ઘોર અપમાન કર્યું છે. હું ગહેલોતજીને વિનંતી કરું છું કે તમે સચિન પાયલટને સાચવવાનો પ્રયત્ન કરો. ગુજરાતની ચિંતા ન કરો.''
ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ એ કહ્યું ''ગુજરાતમાં મહેફિલકાંડ એ વિજયભાઈની સરકારની ઓળખ બની ગઈ છે. વિજયભાઈને મહેફિલકાંડમાં શરમ નથી આવતી. વિજયભાઈએ અશોકભાઈની વાતને ગંભીરતાથી લઈને પગલાં લેવા જોઈએ અને જવાબદારી લેવી જોઈએ.''
એમણે મુખ્ય મંત્રીના મતવિસ્તાર રાજકોટમાં વેચાતા દારૂની વાત પણ કરી.
વડગામના ધારસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે સોશિયલ મીડિયામાં પ્રતિક્રિયા આપતા કહ્યું કે ''વિજય રૂપાણીમાં જો હિંમત હોય તો આ મામલે વિધાનસભાનું ખાસ સત્ર બોલાવે. હું વિધાનસભામાં ગુજરાતમાં ચાલતા દારૂના અડ્ડાઓની માહિતી રજૂ કરીશ.''
એમણે કહ્યું કે ''બેશરમરીતે ગુજરાતમાં ખૂણેખૂણામાં દારૂ વેચાવા દઈને સરકાર ગુજરાતીઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે. આવા ગુજરાતનું સપનું ગાંધી અને સરદારે નહોતુ જોયું. અશોક ગહેલોતની ટીકા કરવાને બદલે વિજય રૂપાણીએ શરમાવું જોઈએ.''
એમણે શ્રેણીબદ્ધ ટ્વીટ કરતા એમ પણ કહ્યું કે ''આ નિવેદન બદલ સરકાર સીબીઆઈ, ઇડી, ઇન્કમટૅક્સ કે જે પણ અધિકારીને મોકલવા માગે તેમને મોકલે, એમને આવકાર છે. મારે કોઈ ફાઇલો ક્લિયર કરાવવાની નથી.''

આ પ્રયાસમાં 6 કલાકના ગાળામાં 1000 વધારે લોકોએ આ અંગે પ્રતિક્રિયા વ્યક્ત કરી.
ગુજરાતના મુખ્ય મંત્રી અશોક ગહેલોતના નિવેદનને ગુજરાતીઓનું અપમાન ગણાવી માફીની માગ કરે છએ ત્યારે મોટાભાગના લોકોએ બીબીસી ગુજરાતીની કહાસુનીમાં આ નિવેદનને યોગ્ય ઠેરવ્યું.
કેટલાક વાચકોએ તો દારૂબંધીને પોલીસ અને રાજકારણીઓની સાંઠગાંઠ સાથે પણ રજૂ કરી.
વળી કેટલાકે આની સાથે હેલ્મેટ અને જૂનાગઢમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ પણ યાદ કરાવી.
કેટલાક ગુજરાતીઓએ અશોક ગહેલોતની વાત સાચી છે અને દારૂબંધીનો અમલ ન કરવા પર વિજય રૂપાણીએ માફી માગવી જોઈએ એમ પણ કહ્યું.
દર્શકોએ આપેલા કેટલાક મંતવ્ય આ મુજબ છે :


આ પણ વાંચો :