શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By તેજસ વૈદ્ય|
Last Updated : શનિવાર, 24 સપ્ટેમ્બર 2022 (18:33 IST)

Gujarat Assembly Elections : કૉંગ્રેસની એ પાંચ બેઠકો જેને જીતવી ભાજપ માટે મુશ્કેલ છે

narendra modi
1967થી બોરસદમાં કૉંગ્રેસ અવિરતપણે જીતતી આવી છે ખેડા જિલ્લાની મહુધા બેઠક પરથી કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે, ભાજપ કે જનતાદળ અહીં ક્યારેય ખાતું ખોલાવી શક્યા નથી બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પર પણ કૉંગ્રેસ સિવાય કોઈ બીજી પાર્ટી જીતી શકી નથી, અલબત્ત, 1990 અને 1995માં અપક્ષ ઉમેદવારો વિજેતા થયા હતા પણ ભાજપ કે જનતાદળ જેવી પાર્ટી ક્યારેય વિજય નોંધાવી શકી નથી દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભામાં દાયકાઓથી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે, અહીં 2002માં માત્ર એક વખત ભાજપનાં ઉમેદવાર વિજેતા થયા હતા. એ સિવાય ક્યારેય ભાજપ અહીં વિજયનો વાવટો ફરકાવી શક્યો નથી ઉના બેઠક પરથી ભાજપ 2007માં માત્ર એ એક વખત જ જીતી શક્યો છે
 
નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે પણ ભાજપ માટે આ બેઠકો પર જીતને વેંત છેટૂ રહ્યુ છે અને મોદી વડા પ્રધાન બન્યા તે પછી પણ ભાજપને આ બેઠકો પર જીતનો સ્વાદ  
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે માંડ ચાર મહિના બાકી રહ્યા છે. રાજકીય પક્ષો બેઠકો પ્રમાણે સક્ષમ ઉમેદવારની આકારણી કરવામાં વ્યસ્ત હશે. ભાજપ જે બેઠકો પર હારતી હોય છે ત્યાં ખૂબ મંથન અને મહેનત કરે છે.
SOLANKI
ગુજરાતમાં ૩૩ જિલ્લામાં વિધાનસભાની કુલ 182 બેઠકો છે.
 
ગુજરાતમાં વર્ષ 1995થી ભાજપની સરકાર છે અને કૉંગ્રેસ છેલ્લાં 27 વર્ષથી વિપક્ષની ભૂમિકામાં છે.
 
આટલાં લાંબા વખતથી શાસનમાં ન હોવા છતાં ગુજરાતમાં એવી કેટલીક બેઠકો છે જ્યાં કૉંગ્રેસ મજબૂત છે અને સતત ચૂંટાતી આવી છે.
 
નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્ય મંત્રી હતા ત્યારે પણ ભાજપ માટે આ બેઠકો પર જીતને વેંત છેટૂ રહ્યું છે અને મોદી વડા પ્રધાન બન્યા તે પછી પણ ભાજપને આ બેઠકો પર જીતનો સ્વાદ ચાખવા નથી મળ્યો.
 
હવે જોવાનું એ રહે છે કે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં કૉંગ્રેસ પોતાનું વર્ચસ્વ અકબંધ રાખે છે કે નહીં?
 
કેમકે આ વખતે આમ આદમી પાર્ટી પણ રંગેચંગે મેદાનમાં છે ત્યારે એ બેઠકો પર કૉંગ્રેસનો દબદબો રહેશે કે આ અજેય દૂર્ગો ગુમાવવા પડશે? જોઈએ કૉંગ્રેસના દબદબાવાળી એ પાંચ બેઠકો.
 
બોરસદ
 
પૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકી 1990માં બોરસદ બેઠક પરથી ચૂંટાયા હતા
 
1967થી બોરસદમાં કૉંગ્રેસ અવિરતપણે જીતતી આવી છે.
 
1960માં બૉમ્બે સ્ટેટમાંથી અલગ થઇને ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભાજપ કે અન્ય કોઈ પક્ષ અહીં વિજયનું ખાતું ખોલાવી શક્યો નથી.
 
પૂર્વ મુખ્ય મંત્રી માધવસિંહ સોલંકી 1990માં આ બેઠક પરથી ચૂંટાયા હતા.
 
1995થી 2002 સુધીની ત્રણ વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહના પુત્ર તેમજ ગુજરાત કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અહીંથી ચૂંટાયા હતા.
 
કૉંગ્રેસના અન્ય પૂર્વ પ્રમુખ અમીત ચાવડા બે વખત(2004ની પેટાચૂંટણી અને 2007ની ચૂંટણીમાં) આ બેઠક પરથી ચૂંટાયા હતા.
 
કૉંગ્રેસના ઉમેદવાર ઉમેદ ગોહેલ સૌથી વધુ 4 વખત આ બેઠક પરથી ચૂંટાયા છે.
 
 
મહુધા
બોરસદની જેમ ખેડા જિલ્લાની મહુધા પણ એવી બેઠક છે જ્યાં કૉંગ્રેસ 1975થી સતત જીતતી આવી છે.
 
ભાજપ કે જનતાદળ અહીં ક્યારેય ખાતું ખોલાવી શક્યાં નથી.
 
1967માં અહીં સમાજવાદી પાર્ટીના વી.બી. વાઘેલા અને 1975ની ચૂંટણીમાં એનસીઓ પાર્ટીનાં હરમન પટેલનો વિજય થયો હતો. ઇન્ડિયન નેશનલ કૉંગ્રેસ ઑર્ગનાઇઝેશનું ટૂંકું નામ એનસીઓ હતું, જેને કૉંગ્રેસ-ઓ પણ કહેતા હતા.
 
આ બે અપવાદોને બાદ કરીએ તો એ પછી કૉંગ્રેસ જ અહીંથી જીતતી આવી છે.
 
કૉંગ્રેસના નટવરસિંહ ઠાકોર આ બેઠક પરથી 6 વખત ચૂંટાયા હતા.
 
એ અગાઉ કૉંગ્રેસના બળવંતસિંહ સોઢા 3 વખત આ બેઠક પરથી ચૂંટાયા હતા.
 
2017માં કૉંગ્રેસના ઈન્દ્રજીતસિંહ પરમાર આ બેઠક પરથી ચૂંટાયા હતા.
 
 
વ્યારા
હાલમાં નદીઓને જોડવાનો કેન્દ્ર સરકારનો પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો અને આ વિરોધનું કેન્દ્રબિંદુ વ્યારા હતું
 
હાલમાં નદીઓને જોડવાનો કેન્દ્ર સરકારનો પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો અને આ વિરોધનું કેન્દ્રબિંદુ વ્યારા હતું
 
બારડોલી જિલ્લાની વ્યારા બેઠક પર પણ કૉંગ્રેસ સિવાય કોઈ બીજી પાર્ટી જીતી શકી નથી.
 
અલબત્ત, 1990 અને 1995માં અપક્ષ ઉમેદવારો વિજેતા થયા પણ ભાજપ કે જનતાદળ જેવી પાર્ટી ક્યારેય વિજય નોંધાવી શકી નથી.
 
પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી આ બેઠક પરથી સતત 4 વખત ચૂંટાયા હતા. 2002માં તેમના પુત્ર તુષાર ચૌધરી પણ આ બેઠક પરથી ચૂંટાયા હતા.
 
2017માં કૉંગ્રેસના પુનાભાઈ ગામીત આ બેઠક પરથી ચૂંટાયા હતા. તેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે.
 
હાલમાં નદીઓને જોડવાનો કેન્દ્ર સરકારનો પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો ગુજરાતમાં ભારે વિરોધ થયો હતો અને આ વિરોધનું કેન્દ્રબિંદુ વ્યારા હતું.
 
વ્યારામાં આદિવાસીઓની વસતી વધારે છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, વિધાનસભામાં નેતા વિપક્ષ સુખરામ રાઠવા તેમજ તુષાર ચૌધરી સહિતના કૉંગી નેતાઓએ પાર તાપી-નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો.
 
વ્યાપક વિરોધને પગલે કેન્દ્ર સરકારે યોજનાને મોકૂફ રાખવી પડી હતી, તેથી આ વખતે પણ ભાજપ માટે વ્યારા એ કપરાં ચઢાણ છે.
 
 
દાહોદ જિલ્લાની ઝાલોદ વિધાનસભામાં પણ દાયકાઓથી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે.
 
અહીં 2002માં માત્ર એક વખત ભાજપના ઉમેદવાર વિજેતા થયા હતા. એ સિવાય ક્યારેય ભાજપ અહીં વિજયનો વાવટો ફરકાવી શક્યો નથી.
 
1962થી અહીં કૉંગ્રેસ સતત જીતતી આવી છે. 1972થી 1990 સુધી એટલે કે સતત પાંચ ટર્મ કૉંગ્રેસના વિરજીભાઈ મુનિયા અહીંથી જીત્યા હતા.
 
જે આદિવાસી પટ્ટામાં કૉંગ્રેસનું વર્ચસ્વ છે તેમાં દાહોદના ઝાલોદનો સમાવેશ થાય છે. ભાજપે પણ આ વિસ્તારમાં વિજય માટેની કવાયત આદરી દીધી છે.
 
ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2022માં દાહોદમાં આદીજાતિ સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, "દાહોદ હવે મેક ઈન ઈન્ડિયાનું મોટું કેન્દ્ર બનવા જઈ રહ્યું છું."
 
વડા પ્રધાને એમ પણ કહ્યું હતું કે જીવનનો લાંબો સમયગાળો તેમણે આ વિસ્તારમાં વિતાવ્યો છે.
 
જોકે અત્યાર સુધી તો ઝાલોદમાં ભાજપને અપેક્ષા મુજબ સફળતા મળી નથી. આ ચૂંટણીમાં જોઈએ શું થાય છે?
 
ઊના
 
ઝાલોદની જેમ જ ઊના પણ કૉંગ્રેસની મજબૂત બેઠક ગણાય છે.
 
2007ને બાદ કરીએ તો આ બેઠક પરથી કૉંગ્રેસના પૂંજાભાઈ વંશ 1990થી સતત જીતતા આવ્યા છે.
 
અલબત, 1990માં પૂંજાભાઈ જનતાદળ તરફથી લડ્યા હતા.
 
એ પછી સતત કૉંગ્રેસ તરફથી લડતા આવ્યા છે. 2007માં અહી ભાજપના કાળુભાઈ રાઠોડ જીત્યા હતા. ભાજપ માત્ર એ એક વખત જ જીતી શક્યો છે.
 
પૂંજાભાઈ વંશ અગાઉ રતુભાઈ અદાણી અને ઉકાભાઈ ઝાલા જેવા કૉંગી ઉમેદવારો પણ બે-બે વખત ઊના બેઠક પરથી જીત્યા હતા.
 
ઉનાની સૌ પ્રથમ ચૂંટણી જે 1962માં યોજાઈ હતી તેમાં રતુભાઈ અદાણી કૉંગ્રેસ તરફથી લડ્યા હતા અને જીત્યા હતા.
 
રતુભાઈ અદાણી આરઝી હકુમતથી જાણીતા છે.
 
જૂનાગઢની આઝાદી માટે પાકિસ્તાન સામે જે જંગ થયો હતો એના આરઝી હકુમત સંગ્રામના સરસેનાપતિ રતુભાઈ અદાણી હતા. રતુભાઈ એ પછી બીજી વખત 1972માં ઊના બેઠક પરથી ચૂંટાયા હતા.
 
સરવૈયુ
2022ની વિધાનસભાની ચૂંટણીમાં જો આ બેઠકો ભાજપ જીતી શકે તો એ ભાજપ માટે એ મોટી ઉપલબ્ધિ ગણાશે. સવાલ એ છે કે નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા ત્યારે પણ આ બેઠકો ભાજપ અંકે કરી શક્યો નહોતો.
 
શું ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અહી જીતનું કૌવત બતાવી શકશે? આ સવાલ કદાચ પાર્ટીના મોવડીમંડળમાં પણ ચર્ચાતો હોય તો નવાઈ નહીં.
 
અઢી દાયકાથી શાસનમાં ન હોવા છતાં કૉંગ્રેસે આ બેઠકો જાળવી રાખી છે એનું કારણ શું છે?
 
લાંબા સમયથી ગુજરાતના રાજકીય પ્રવાહનો અભ્યાસ કરનારા સરદાર પટેલ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક ડૉ. બળદેવ આગજા બીબીસીને જણાવે છે :
 
"મધ્ય ગુજરાતની કેટલીક બેઠકો કૉંગ્રેસ માટે પ્રસ્થાપિત થઈ ચૂકી છે. તેનો યશ પરંપરાગત રીતે કૉંગ્રેસના જે વફાદાર કાર્યકરો રહ્યા તેમની સૂઝ, કુનેહ અને મહેનતને જાય છે. "
 
"સામાજિક અને શૈક્ષણિક પછાત જાતિઓનો સમૂહ મધ્ય ગુજરાતમાં સવિશેષ છે. તેના મતદારો દાયકાઓથી કૉંગ્રેસ તરફ ઝુકાવ ધરાવે છે. આમાં કોઈ જ્ઞાતિ નહીં પણ વિવિધ
 
જ્ઞાતિઓના સમૂહ માટે કૉંગ્રેસે કામ કર્યું છે. તેથી સામૂહિક રીતે તેમને મત મળે છે."
 
જોકે, કૉંગ્રેસની પકડ ભલે મજબૂત હોય પણ ભાજપે પણ ત્યાં પોતાનો પ્રવેશ બનાવ્યો છે એવું બળદેવભાઈને લાગે છે. તેઓ જણાવે છે કે,
 
"કૉંગ્રેસ ભલે મધ્ય ગુજરાતની આ બેઠકો પર વર્ચસ્વ ધરાવતી હોય પણ આ વિસ્તારોમાં ભાજપે 2002થી પકડ તો બનાવી જ છે. ખાસ કરીને ભાજપની જે ભગિની સંસ્થાઓ છે તેણે આ વિસ્તારમાં છેલ્લા દાયકામાં પોતાનો પ્રવેશ બનાવ્યો છે. આ સંસ્થાઓ સીધી રીતે રાજકીય ઢબે ભાજપ માટે કામ નથી કરતી હોતી પણ સરવાળે એક ચોક્કસ ગાળે ભાજપ માટેની દીશા તૈયાર કરતી જાય છે."
 
ચાર દાયકાથી સક્રિય અને ચીમનભાઈ પટેલના મંત્રીમંડળમાં નર્મદાનો હવાલો સંભાળી ચૂકેલા હસમુખ પટેલ બીબીસીને કહે છે, "કૉંગ્રેસનો પરંપરાગત મતદાર આ વિસ્તારોમાં છે. જેમાં આદિવાસી, ઓબીસી- અધર બૅકવર્ડ ક્લાસનો સમાવેશ થાય છે. એક સમયે એ વિસ્તારમાં તેમના પ્રતિનિધિઓ પણ પ્રજાનો ધબકાર ઝીલનારા હતા."
 
બીજી એક બાબત એ પણ હોઈ શકે કે ભાજપ શહેરી મતદારોને લીધે ઘણી બેઠકો જીતે છે જ્યારે કૉંગ્રેસના ધ્યાને ગ્રામીણ વિસ્તારો રહ્યા છે. ઉપર દર્શાવી એ પાંચ બેઠકોમાંની તમામ ગ્રામીણ બહુમતીવાળી છે.
 
હસમુખ પટેલ કહે છે કે, "ગ્રામીણ લોકોના મગજમાં એક વખત બેસી જાય કે આ પાર્ટી તેમના ભલા માટે છે એટલે તેમને જ મત આપતા રહે છે. પેઢી દર પેઢી તેમનો મિજાજ જળવાઈ રહ્યો છે કે આપણી પાર્ટી એટલે કૉંગ્રેસ."
 
"આમ તેઓ પરંપરાગત રીતે તેને જ મત આપતા રહે છે. કૉંગ્રેસના મૂળ કેટલાંક વિસ્તારોમાં મજબૂત છે એનાં બે કારણ છે એક તો જ્ઞાતિવાદ અને બીજું ઇન્દિરા ગાંધી. 1980ના દાયકામાં મેં જોયું હતું કે સરદાર સરોવર ડૅમથી લઈને મધ્ય પ્રદેશની હદ સુધીના ગુજરાતનાં ગામોમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે કે જેમાં ઈન્દિરા ગાંધીનો ફોટો ન હોય. આજે પણ એવાં ઘર છે."
 
શું આમ આદમી પાર્ટીને લીધે કૉંગ્રેસની આ પરંપરાગત બેઠકો જળવાઈ રહેશે? આ પ્રશ્નના જવાબમાં હસમુખભાઈ કહે છે કે, "2022ની ચૂંટણીનો વાયરો જોતાં એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આ બેઠકો પર કૉંગ્રેસને નુકસાન પહોંચાડી શકે છે."