મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 23 ઑક્ટોબર 2019 (18:39 IST)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ : અલ્પેશ ઠાકોરના રાજકીય ભાવિનો થશે ફેંસલો

bypolls

21 ઑક્ટોબરના રોજ યોજાયેલી ગુજરાતની વિધાનસભાની 6 બેઠકો પરની પેટાચૂંટણીનું 24 ઑક્ટોબરના રોજ પરિણામ આવશે.

આ પરિણામની પળેપળની ખબર તમને અહીં જાણવા મળશે.

સૌની નજર કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા પર છે.

ગુજરાતની આ છ બેઠકોમાં રાધનપુર, બાયડ, થરાદ, ખેરાલુ, અમરાઈવાડી અને લુણાવાડાનો સમાવેશ થાય છે.

આ રાધનપુર અને બાયડમાં અલ્પેશ અને ધવલસિંહ કૉંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા એટલે પેટાચૂંટણી યોજવી પડી હતી.

જ્યારે અન્ય ચાર બેઠકો પર તત્કાલિન ધારાસભ્યોને લોકસભાની ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ લોકસભાની ચૂંટણી જીતી ગયા એટલે ત્યાં પેટાચૂંટણી કરાવવી પડી હતી.

6 બેઠકોમાંથી સૌથી ઓછું મતદાન અમરાઇવાડીમાં થયું હતું અને સૌથી વધારે મતદાન થરાદમાં થયું હતું.

કઈ બેઠક પર કેટલું મતદાન થયું?

 



નજર રાધનપુર અને બાયડની પેટાચૂંટણી પર


રાધનપુરની બેઠક ઉપરથી ભાજપે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી છે, જેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે કૉંગ્રેસની ટિકિટ ઉપર અહીંથી વિજેતા થયા હતા.

બાયડની બેઠક ઉપરથી ભાજપે ધવલસિંહ ઝાલાને ટિકિટ આપી છે.

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી સમયે ઝાલા આ બેઠક ઉપરથી કૉંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા હતા.

દારૂબંધીના આંદોલનથી જાણીતા બનેલા અલ્પેશ ઠાકોર 2017 અગાઉ પોતે કદી રાજકારણમાં નહીં આવે એમ કહેતા હતા.

જોકે 2017ની વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઠાકોરસેના સાથે સંકળાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કૉંગ્રેસમાં જોડાયા હતા અને ધારાસભ્ય બન્યા.

2019ની લોકસભાની ચૂંટણી પૂર્વે ઠાકોરે કૉંગ્રેસથી અંતર રાખવાનું શરૂ કર્યું હતું અને પ્રચારથી અળગા થઈ ગયા હતા.

તેમણે અને ધવલસિંહ ઝાલાએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રૉસ વોટિંગ કર્યું હતું.

મે-2019માં લોકસભા ચૂંટણી પરિણામો બાદ જુલાઈ મહિનામાં બંને ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.

અલ્પેશ ઠાકોરનું ધારાસભ્યપદ રદ કરવાની માગણી પણ કૉંગ્રેસે કરી હતી.

ઠાકોર તથા ઝાલાએ તેમની વિધાનસભા બેઠકો ઉપરથી રાજીનામાં આપી દીધાં હતાં, જેથી ખાલી પડેલી બેઠકો ઉપર પેટાચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ હતી.

કૉંગ્રેસે રાધનપુરની બેઠક ઉપરથી રઘુભાઈ દેસાઈ અને બાયડમાંથી જસુભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે.

2017ની ચૂંટણીમાં રાધનપુર બેઠક પર 68 ટકા મતદાન થયું હતું. એ ચૂંટણીમાં કૉંગ્રેસની ટિકિટ પરથી અલ્પેશ ઠાકોરનો અંદાજે 15,000 મતથી વિજય થયો હતો.

કૉંગ્રેસને 48.33 ટકા મત મળ્યા હતા અને ભાજપને 39.96 ટકા મત મળ્યા હતા.
 

અમરાઈવાડી, ખેરાલુ, થરાદ અને પંચમહાલ


ડિસેમ્બર-2017માં પંચમહાલ જિલ્લાની લુણાવાડા બેઠક ઉપરથી રતનસિંહ રાઠોડ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને લોકસભાની ચૂંટણીમાં પંચમહાલની બેઠક પર ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા પણ હતા.

મે-2019ની લોકસભા ચૂંટણી દરમિયાન અમદાવાદની અમરાઈવાડી બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય હસમુખ પટેલ અમદાવાદ (પૂર્વ)ની લોકસભા બેઠક ઉપરથી વિજેતા થયા હતા.

મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક ઉપરથી ધારાસભ્ય ભાજપના ભરતસિંહ ડાભી પાર્ટીની ટિકિટ ઉપર પાટણની બેઠકથી સંસદસભ્ય બન્યા છે.

બનાસકાંઠા જિલ્લાની થરાદ વિધાનસભા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય પરબતભાઈ પટેલ મે મહિનામાં બનાસકાંઠાના સંસદસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આમ, સંસદસભ્ય બન્યા બાદ હસમુખ પટેલ, ભરતસિંહ ડાભી, રતનસિંહ રાઠોડ તથા પરબતભાઈ પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામાં આપ્યાં હતાં.

આ ચારેય બેઠક ઉપર મહદ્અંશે ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે સીધી ટક્કર છે.