શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 1 મે 2019 (10:40 IST)

ગુજરાતમાં આટલી ગરમી કેમ પડી રહી છે?

ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી હિટવેવની અસર વર્તાઈ રહી છે અને આગામી 24 કલાક દરમિયાન પણ આ અસર ચાલુ રહેશે. રવિવારે હવામાન વિભાગે રાજ્યમાં 48 કલાક માટે હિટવેવની ચેતવણી જાહેર કરી હતી. હિટવેવને પગલે સ્વાસ્થ્ય વિભાગે રાજ્યમાં 'ઑરેન્જ ઍલર્ટ' જાહેર કર્યું છે અને રાજ્યમાં 45 ડિગ્રી સુધી ગરમી પડવાની શક્યતા વ્યક્ત કરી છે.
 
ગુજરાત હવામાન કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડૉ. મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં કચ્છ, દીવ, વેરાવળ, સુરેન્દ્રનગર, વડોદરા, સાબરકાંઠા, બનાસકાંઠા, ભાવનગર જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં હિટવેવની અસર અનુભવાશે. હિટવેવને પગલે ગુજરાતમાં સરેરાશ 43થી 45 ડિગ્રી સુધીની ગરમી અનુભવાઈ રહી છે.
રવિવારે કંડલામાં 46.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું. જોકે, આગામી 24 કલાક બાદ રાજ્યમાં હિટવેવની અસર ઘટ્યા બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે એવું ડૉ. મોહંતીએ જણાવ્યું છે.
 
ગુજરાતમાં હિટવેવ સર્જાવાનું કારણ
 
ઉત્તર અને વાયવ્ય દિશામાંથી ફૂંકાતા પવન ગુજરાતમાં હિટવેવ સર્જતા હોવાનું ડૉ. મનોરમા મોહંતી જણાવે છે. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ડૉ. મોહંતીએ જણાવ્યું, "ઉત્તર ભારત અને વાયવ્ય દિશામાંથી ગુજરાતમાં પ્રવેશતા સૂકા અને ગરમ પવનો હિટવેવ સર્જે છે."
 
ગુજરાત ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવે છે. આમ છતાં ઉનાળામાં રાજ્યમાં હિટવેવના સમાચારો છાશવારે અખબારી માધ્યમોમાં છપાતા જ રહે છે. આ અંગે વાત કરતા ડૉ. મોહંતી જણાવે છે, "ઉનાળા દરમિયાન ગુજરાતમાં ફૂંકાતા ઉત્તર અને વાયવ્ય દિશાના પવનો અરબી સમુદ્રની ઠંડકને બેઅસર કરી દે છે."
ભારતીય હવામાન ખાતાના જણાવ્યા અનુસાર, હિટવેવ દરમિયાન મેદાની વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40° સે. જેટલું વધી જતું હોય છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 37° સે. સુધી કે પર્વતીય વિસ્તારોમાં 30° સે. સુધી વધી જતું હોય છે. હિટવેવ દરમિયાન સરેરાશ તાપમાનમાં સામાન્ય કરતાં 4.5°થી 6.4° સે. જેટલો વધારો જોવા મળતો હોય છે, જ્યારે ભયાનક હિટવેવ દરમિયાન તાપમાનમાં 6.4° સે. કરતાં વધુનો વધારો નોંધાય છે.
 
હિટવેવ કેમ સર્જાય છે?
 
હવામાનમાં આવેલા આ પરિવર્તનને પગલે હિટવેવનું પ્રમાણ, હિટવેટની પુનરાવર્તી કે તીવ્રતા પણ વધી છે. હિટવેવની સ્વાસ્થ્ય તેમજ ઊર્જા, જળ કે વાહનવ્યવહાર પર ભારે અસર વર્તાય છે. વિશ્વ હવામાન સંગઠનના જણાવ્યા અનુસાર, છેલ્લાં 50 વર્ષ દરમિયાન વિશ્વની ગરમીમાં વધારો નોંધાયો છે અને એ રીતે હિટવેવનું પ્રમાણ વધ્યું છે.
 
ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર, હિટવેવ એક પ્રકારની હાઈ-પ્રેશર સિસ્ટમ છે, જેનો વ્યાપ સામાન્ય રીતે વધુ હોય છે.
હિટવેવ દરમિયાન સર્જાયેલું દબાણ ગરમ પવનને જમીન તરફ ધકેલે છે અને વાતાવરણમાં જમીનને અડીને રહેલી હવાને ઉપર ચડતા અટકાવે છે. હવામાનમાં ગરમીનું પ્રમાણ અતિશય વધી જાય છે.
 
ગત વર્ષે બ્રિટને હિટવેટનો અનુભવ કર્યો હતો. બ્રિટનના હવામાન વિભાગના પ્રોફેસર પીટર સ્કૉટન જણાવ્યા અનુસાર ઔદ્યોગિક ક્રાંતિ પહેલાં ભાગ્યે જ યુરોપમાં હિટવેવની ઘટના બનતી. જોકે, ઉદ્યોગોના વિસ્તારને કારણે સર્જાયેલી ગ્રીનહાઉસ ઇફેક્ટને કારણે આવી ઘટનાઓ વધી હોવાનું પ્રોફેસરનું માનવું છે. વર્લ્ડ વેધર ઍન્ટિબ્યુશન ગ્રૂપ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જળવાયુ પરિવર્તનને પગલે વિશ્વમાં ઉનાળો બે ગણો ગરમ થયો છે.
 
હિટવેવની અસર
 
ગત વર્ષે માર્ચ મહિના દરમિયાન ઉત્તર અને વાયવ્ય ભારતમાં હિટવેવની અસર વર્તાઈ હતી. જેને કારણે પ્રભાવિત વિસ્તારોમાં ધૂળિયાં તોફાનો અને વીજળી પડવાની ઘટનાઓ બની હતી, તો આ જ વિસ્તારોમાં શિયાળો પણ આકરો અનુભવાયો હતો. વીજળી પડવાને લીધે કે ભૂંકપને લીધે થતાં મૃત્યુ બાદ ભારતમાં હિટવેવને કારણે સૌથી વધુ મૃત્યુ નોંધાયાં છે. જોકે, સરકાર તેને કુદરતી હોનારત ગણતી નથી.
 
'ડાઉનટુઅર્થ' વેસબાઇટના જણાવ્યા અનુસાર, 140 વર્ષના ઇતિહાસમાં ભારતના હવામાન વિભાગે પ્રથમ વખત 1916માં હિટવેવની ઍડવાઇઝરી બહાર પાડી હતી. વેબસાઇટ એવું પણ જણાવે છે કે વર્ષ 2015માં હિટવેવને કારણે 2,040 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે 2016માં 1,111 લોકોનાં મૃત્યુ નીપજ્યાં હતાં. ગત દસ વર્ષમાંથી નવ વર્ષ (2017 સુધીમાં) દરમિયાન ભારતમાં હિટવેવથી લગભગ આઠ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.