રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 16 સપ્ટેમ્બર 2019 (12:41 IST)

ગુજરાતમાં આવનારા ત્રણ દિવસમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા ત્રણ દિવસ માટે કેટલાક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
આ વર્ષે ગુજરાતમાં 100 ટકા કરતાં પણ વધારે વરસાદ થઈ ચૂક્યો છે અને હજી કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે.
રાજ્યમાં મોટા ભાગે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે.
રવિવારે ગુજરાતમાં 49 તાલુકાઓ અને 16 જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. તેમાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધારે 118 મિલીમિટર વરસાદ નોંધાયો હતો.
અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં 22 ટકા વધારે વરસાદ થઈ ગયો છે.
 
ક્યા વિસ્તારોમાં પડશે વરસાદ?
ગુજરાતમાં આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડ, તાપી જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લાઓમાં વરસાદની કોઈ આગાહી નથી.
14 સપ્ટેમ્બર સુધીના આંકડા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તેની વાર્ષિક સરેરાશ કરતાં 43 ટકા વધારે વરસાદ પડ્યો છે.
ગત ઉનાળે સૌરાષ્ટ્ર અને કચ્છે પાણીની તંગીનો સામનો કરવો પડ્યો હતો.
ઉપરાંત ગુજરાતનાં પાડોશી રાજ્યો મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
 
ગુજરાતમાં આ વર્ષે પાણીની તંગી રહેશે?
ગુજરાતમાં આ વખતે વરસાદ મોડો શરૂ થયો હતો, પરંતુ તે બાદ સતત વરસાદ ચાલુ રહેતાં રાજ્યના મોટા ભાગના ડૅમોમાં પાણીની સારી આવક થઈ છે.
હાલ ઉત્તર ગુજરાતના ડૅમોમાં કુલ 55.83 ટકા પાણી છે, જ્યારે મધ્ય ગુજરાતના ડૅમોમાં 95.41 ટકા, દક્ષિણ ગુજરાતના ડૅમોમાં 88.15 ટકા, કચ્છના ડૅમોમાં 75.94 ટકા તથા સૌરાષ્ટ્રના ડૅમોમાં 84.08 ટકા પાણી છે.
ગુજરાતનો સૌથી મોટો ડૅમ સરદાર સરોવર તેની કૅપેસિટીના 99.30 ટકા સુધી ભરાઈ ગયો છે. આ આંકડા 15 સપ્ટેમ્બર સુધીના છે.
ઇતિહાસમાં પ્રથમ વખત સરદાર સરોવરની જળસપાટી 138.68 મીટરે પહોંચી છે.
ગુજરાતમાં આવેલા કુલ 204માંથી 100થી વધુ ડૅમોને હાઈઍલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
આ ડૅમોમાં 90 ટકાથી વધારે પાણીની આવક થઈ ગઈ છે.