1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: દીપ્તિ બાથિની, , બુધવાર, 4 ડિસેમ્બર 2019 (09:55 IST)

હૈદરાબાદ દુષ્કર્મ કેસ: 'જો આ કામ મારા દીકરાએ દુષ્કર્મ કર્યું હોય, તો ફાંસી આપો' - ગ્રાઉન્ડ રિપોર્ટ

દુષ્કર્મ વિરોધી કાયદામાં ઘણા બધા સુધારા છતાં ભારતમાં મહિલાઓ સુરક્ષિત છે કે કેમ તેની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે હૈદ્રાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓના પરિવારના સભ્યોનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો.
 
હૈદરાબાદમાં 27 વર્ષની ડૉક્ટરની દુષ્કર્મ અને હત્યા થઈ તેમાં પકડાયેલા ચાર આરોપીમાંથી ત્રણના પરિવાર સાથે બીબીસી તેલુગુના સંવાદદાતા દીપ્તિ બાથિનીએ વાતચીત કરી હતી.
 
ચારમાંથી ત્રણ આરોપીઓ એક જ ગામના છે. હૈદરાબાદથી 160 કિમી દૂર આ ગામ આવેલું છે. ચોથો આરોપી બાજુના ગામનો છે.
 
આરોપી સામે હજી કેસ ચાલવાનો બાકી હોવાથી અમે તેમના પરિવારોની ઓળખ જાહેર કરી નથી રહ્યા.
 
આ કિસ્સો જાહેરમાં આવ્યો અને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી તે પછી આ ગામમાં પત્રકારોના ધાડાં ઉમટી રહ્યાં છે.
 
આરોપીઓના પરિવારના લોકો સાથે પત્રકારો વાતચીત કરી રહ્યા છે.
 
આ ગામના ત્રણમાંથી એક આરોપીના પરિવારને ઘરે અમે પહોંચ્યા, ત્યારે ગામના જ કેટલાકે અમને બીજા આરોપીઓના ઘર સુધી જવામાં મદદ કરી હતી.
 
પોતાના ગામમાંથી કોઈ આવું ઘૃણાસ્પદ કૃત્ય કરે તે વાતનો હજીય ગામના લોકોને આઘાત છે.
અમને મદદ કરનારે કહ્યું, "અમારામાંથી મોટા ભાગના ખેતમજૂર તરીકે કામ કરે છે. નાની-મોટી મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ."
 
એક આરોપીનું ઘર અમને દેખાડવામાં આવ્યું, ત્યાં જવાની ગલીમાં ખુલ્લામાં ગટર વહી રહી હતી.
 
આરોપીની માતા બે ઓરડાના કાચા છાપરાવાળા મકાનમાં આરામ કરી રહ્યાં હતાં.
 
વૃદ્ધા ઊભા થઈને વાત કરી શકે તેમ પણ નહોતાં, એટલે તેમણે પોતાના પતિ, આરોપીના પિતા તરફ ઇશારો કર્યો.
 
ખેતમજૂરી કરતાં તેમના પતિએ કહ્યું કે શું થયું તેમને કશી ખબર નથી. "મારે બે દીકરા અને એક દીકરી છે."
 
"કાલે મારી દીકરી સાથે આવું થાય તો હું કોઈને છોડું નહીં."
 
તેમણે બે હાથ જોડીને ઉમેર્યું, "એટલે જ કહું છું કે તે લોકો કહે છે એવું કંઈ મારા દીકરાએ કર્યું હોય, તો તેને ફાંસીએ લટકાવી દો."
 
28 નવેમ્બરે રાત્રે તેમનો દીકરો કામેથી ઘરે આવ્યો, ત્યારે તેની સાથે છેલ્લે વાત કરી હતી.
 
તેઓ કહે છે, "મારા દીકરાએ મને કોઈ વાત કરી નહોતી. તે આવીને સૂઈ ગયો હતો.""તે રાત્રે પોલીસ આવી હતી અને મારા દીકરાને લઈ ગઈ હતી."
 
"ત્યારે અમને ખબર ના પડી કે શું થયું હતું."
 
"પોલીસે મને થાણે આવવા કહ્યું ત્યારે મને શું થયું તેની ખબર પડી હતી.""મારી ત્રેવડ નથી કે મારા દીકરા માટે વકીલ રાખું અને મારે વકીલ રાખવોય નથી."
 
"મારા દીકરાએ આવું કામ કર્યું હોય તો તેને બચાવવા માટે હું મારા રૂપિયા વેડફવા માગતો નથી."
"મારા દીકરાને ફસાવાયો"
 
તેમના ઘરેથી થોડે દૂર જ બીજા આરોપીનું ઘર આવેલું છે. આ ઘરમાં ત્રણ ઓરડા છે અને પાકું છાપરું પણ છે. ઘરના ફળિયામાં જ આરોપીનાં પત્ની અને માતા બેઠાં હતાં.
 
આરોપીની પત્નીએ કહ્યું કે તેમને સાત મહિનાનો ગર્ભ છે.
 
આરોપીની પત્નીએ કહ્યું, "અમે પ્રેમ લગ્ન કર્યાં હતાં. હું દોઢેક વર્ષથી તેને ઓળખતી હતી.""આઠેક મહિના પહેલાં અમારાં લગ્ન થયાં."
 
"તેમના માતાપિતા લગ્નનો પહેલાં વિરોધ કરતા હતા, પણ પછી માની ગયા હતા."
આરોપીનાં માતાએ જણાવ્યું કે તેમના દીકરાને કિડનીની બીમારી છે અને બે વર્ષથી દવા ચાલે છે.
 
તેમણે કહ્યું, "મારો દીકરો આવું કરી શકે તે મારા માન્યામાં આવતું નથી."
 
આરોપીની માતાએ કહ્યું, "મને તો હજીય થાય છે કે કોઈએ તેને પરાણે દારૂ પીવરાવ્યો અને દબાણ કરીને આવું કામ કરાવ્યું."
 
પત્નીએ કહ્યું કે આ સમાચાર જાણ્યા ત્યારે તેને બહુ દુઃખ લાગ્યું હતું.
 
તેમણે કહ્યું, "ભોગ બનનારીય સ્ત્રી જ છેને. મને બહુ દુખ થયું હતું."
 
"મારા પતિએ આ કર્યું છે કે નહીં તે વાત હું કરવા માગતી નથી."
 
"પણ જે કંઈ થયું તે ખોટું થયું છે. મને ખબર નથી કે હવે શું થશે."
 
ત્રીજા આરોપી પણ આ જ ગામના જ છે. અમે ગયા ત્યારે તેમના ઘરે કોઈ હાજર નહોતું.
 
 
'અમને ઘટનાની જાણકારી નથી'
 
આ ત્રણેય આરોપીના ગામથી થોડા કિમી દૂર જ ચોથા આરોપીનું ગામ આવેલું છે.
 
અમે તે ગામમાં આરોપીના ઘરે પહોંચ્યા, ત્યારે તેના માતા-પિતા એક નાના ઝૂંપડા જેવા મકાનની બહાર જ બેઠા હતા.
 
અશક્ત અને વૃદ્ધ માતા-પિતા કહેવા લાગ્યા કે તેમને કશી જ ખબર નથી કે તેના દીકરાએ શું ગુનો કર્યો છે.
 
આરોપીના પિતાએ કહ્યું, "તે ઘરે બહુ રહેતો જ નહોતો. તે આવતો અને નાહીધોઈને જતો રહેતો હતો."
 
આરોપીનાં માતાએ કહ્યું, "ઘરમાં તે એક જ કમાઇને લાવનારો હતો એટલે અમે તેને કંઈ પડપૂછ કરતા નહીં."
 
અમે વાતચીત કરી રહ્યા હતા ત્યારે પડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે દીકરો શું કરે છે તેની માતાપિતાને કશી ખબર નથી.
 
આરોપીની પિતાએ કહ્યું કે તેમનો દીકરો 28 તારીખે રાત્રે ઘરે આવ્યો હતો.
 
પિતાએ કહ્યું, "તેણે કહ્યું હતું તે તેના ટ્રકથી અકસ્માત થયો હતો.""તે કહેતો હતો કે સ્કૂટર ચલાવતી કોઈ સ્ત્રી સાથે ટ્રક ટકરાયો હતો અને તે મરી ગઈ હતી."
 
"મેં તેને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે ધ્યાન રાખીને ચલાવવું જોઈએ."
 
"પહેલીવાર તેણે આવીને અમને કોઈ વાત કરી હતી. બાદમાં પોલીસ આવીને પકડી ગઈ ત્યારે જ અમને ખબર પડી હતી કે તેણે શું કર્યું હતું."
 
 
એક પડોશીએ પણ કહ્યું કે આ ઘટનાથી સૌને આઘાત લાગ્યો છે.
 
જોકે પડોશીએ ઉમેર્યું કે, 'મને નવાઈ નથી લાગતી કે તેણે આવું કર્યું હોય, કેમ કે તેને દારૂની લત લાગી હતી."
 
"મેં તેને ઘણી વાર ટોક્યો હતો. હું એક દાયકાથી તેને ઓળખું છું. તે ઘરે રહેતો જ નહોતો."
 
આરોપીઓને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ મળ્યા છે અને જેલમાં મોકલી દેવાયા છે. પોલીસે વધુ તપાસ માટે કસ્ટડી માગી છે અને આરોપીઓની સલામતી ખાતર અત્યારે વધુ કશું કહેવા માગતી નથી.
 
પોલીસે ફાઇલ કરેલા રિમાન્ડ રિપોર્ટમાં જણાવાયું છે કે 'અપહરણ, લૂંટ અને ગેંગ રેપ કર્યા બાદ ગુનાહિત કાવતરું કરીને ક્રૂર રીતે હત્યા' કરવા બદલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
 
દરમિયાન તેલંગાણાના મુખ્ય પ્રધાને સૂચના આપી છે કે આ કેસને ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે, જેથી આરોપીઓને ઝડપથી કડકમાં કડક સજા મળી શકે.