શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 29 નવેમ્બર 2019 (13:12 IST)

સંસ્કારીનગરીમાં સગીરા સાથે સામુહિક દુષ્કર્મ, પોલીસે તૈયાર કર્યા આરોપીઓના સ્કેચ

સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરાના નવલખી મેદાનમાં રાત્રિના સમયે સગીરા સાથે બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ કરતાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓનેને શોધવાની તજવીજ હાથ ધરી છે.
 
વડોદરાના શહેરમાં આવેલા નવલખી મેદાનમાં ગુરૂવારે રાત્રે સગીરા પોતાના મિત્ર સાથે બેઠી હતી. તે દરમિયાન ઝાડીમાંથી બે યુવાનો તેની પાસે આવીને બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા હતા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાઇ હતી. પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી તે દરમિયાન સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી. પોલીસ સગીરાને મેડિકલ તપાસ માટે સયાજી હોસ્પિટલમાં લઈ ગઈ હતી. જ્યાં તેની ઉપર બે નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત સામે આવી હતી.
 
પીડિતા અને તેના મિત્રએ પોલીસને આપેલી માહિતી અનુસાર બંને નરાધમો 20 થી 30 વર્ષના છે. પીડિતાના વર્ણનના આધારે પોલીસે બંને આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા અને મીડિયામાં જાહેર કર્યા છે. મહત્વની વાત છે કે પોલીસે નવલખી મેદાનમાં પહોંચી અલગ અલગ જગ્યાએ તપાસ આદરી છે. ડીસીપી ઝોન 2 સંદીપ ચૌધરી એ કહ્યું કે નરાધમો ને પકડવા માટે પોલીસની 10 જેટલી ટીમો કામે લાગી ગઇ છે. જેમાં પોલીસ નરાધમો સુધી પહોંચી ચૂકી છે અને થોડાક સમયમાં સમગ્ર ગુનો ઉકેલાઈ જશે. તેવો દાવો પોલીસ કરી રહી છે કે પોલીસે પીડિતાના કપડાં અને બ્લડ સેમ્પલ કબજે કર્યા છે. તો ડોગ સ્કોવડ અને એફએસએલની પણ મદદ લીધી છે.