બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By દિલનવાઝ પાશા|
Last Updated : બુધવાર, 1 જુલાઈ 2020 (12:13 IST)

ભારત-ચીન સીમાવિવાદ : ભારત ચીનના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું છે કે બહાર નીકળી રહ્યું છે?

15-16 જૂનની રાત્રે ભારત ચીન સરહદ પર હિંસક અથડામણે ભારત અને ચીન વચ્ચે ટકરાવની પરિસ્થિતિ ઉત્પન્ન કરી હતી. એલ.એ.સી.ની બંને બાજુ એશિયાના આ બે શક્તિશાળી દેશોની સેનાઓ તહેનાત છે અને પાછળ હઠવા માટે કમાંડર સ્તરની વાતચીત થઈ રહી છે, પરંતુ પરિસ્થિતિ હજી સામાન્ય નથી થઈ.
 
ચીન અને ભારત વચ્ચે આ તણાવની અનેક રૂપોમાં વ્યાખ્યા કરવામાં આવી છે. કેટલાક વિશ્લેષકો માને છે કે આના મૂળિયા દુનિયામાં ચીનની (પોતાનું રોકાણ વધારવાની) મહત્ત્વકાંક્ષી પરિયોજના વન 'બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ' એટલે બી.આર.આઈ.માં છે.
 
આ યોજના હેઠળ ચીન એશિયા અને યુરોપમાં સડક અને બંદરનો એક જાળ પાથરવા માગે છે, જેનાથી ચીનના સામાનની બજાર સુધીની પહોંચનો રસ્તો સહેલો થઈ શકે.
 
દુનિયાના અનેક દેશો આ પ્રૉજેક્ટમાં ચીનની સાથે ઊભા છે, પરંતુ ભારત શરુઆતથી જ આનો વિરોધ કરતું રહ્યું છે. ચીને ભારતને આમાં સામેલ કરવાના કૂટનીતિક પ્રયત્ન કર્યા, જે નિષ્ફળ રહ્યા છે.
 
અમેરિકાની ડેલવેયર યુનિવર્સિટીના પ્રોફેસર મુક્તદર ખાન માને છે કે ભારત અને ચીન વચ્ચે હાલના વિવાદનું એક કારણ ચીનની આ મહત્ત્વાકાંક્ષી પરિયોજના પણ છે.
 
તેઓ કહે છે, "શક્ય છે કે ભારત અને ચીન વચ્ચે જે ગલવાન ખીણમાં તણાવ ચાલી રહ્યો છે. તેની પાછળ એક કારણ, ચીનનું ગ્લોબલ વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવ પણ હોઈ શકે છે."
 
મુક્તદાર ખાન કહે છે, "ભારતે લદ્દાખમાં ચીનને પડકાર્યું છે. ભારત જે રોડનું નિર્માણ કરી રહ્યું છે, જે સીધો લાઇન ઑફ એક્ચુઅલ કંટ્રોલ (LAC) પર ચીનની સીમા સુધી પહોંચે છે. ભારતની આ સ્ટ્રેટેજિક સડક ચીનના વિસ્તારવાદી ઍજન્ડા સામે પડકારરૂપ છે. ચીન સમજે છે કે ભારતે આ સડક તેના વન બેલ્ટ વન રોડ ઇનિશિયેટિવને પડકારવા માટે બનાવી છે."
 
ચીન સામે પડકાર
 
વીડિયો કૅપ્શનથર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે
 
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રોફેસર સ્વર્ણ સિંહ કહે છે કે ચીન કોઈ પણ કિંમત પર પોતાના રોકાણને સુરક્ષિત રાખવા માગે છે, પરંતુ ભારત ચીનના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ (બીઆરઆઈ) સામે પડકારની જેમ ઊભું છે.
 
પ્રોફેસર સ્વર્ણ સિંહ કહે છે, "ચીનમાં છેલ્લા 40 વર્ષમાં જે આર્થિક ઉદય થયો છે, તેનું કારણ તેનો આંતરરાષ્ટ્રીય વેપાર જ છે અને હવે ચીન દુનિયાનું સૌથી મોટા વેપારી હોવાની સાથેસાથે સૌથી મોટું રોકાણ કરનાર દેશ પણ બનવા માગે છે. એટલે ચીને એક મહત્ત્વકાંક્ષી યોજના બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ દુનિયા સામે મૂકી છે."
 
પ્રો. સિંહ ઉમેરે છે, "આનો હેતુ દુનિયામાં રોકાણ કરવાનો અને મોટી-મોટી પરિયોજનાઓ લાવવાનો છે. ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટીએ સત્તામાં રહેવા માટે ચાર દાયકામાં આર્થિક વિકાસ પર ભાર મૂક્યો છે. આર્થિક વિકાસ દર ઝડપી રાખીને કૉમ્યુનિસ્ટ પાર્ટી સત્તામાં રહી શકે છે. એવામાં જો આ પરિયોજનાની સામે કોઈ ખતરો પેદા થશે તો ચીન તેને ગંભીરતાથી લેશે."
 
પ્રોફેસર મુક્તદર ખાન કહે છે કે ડોકલામમાં પણ ભારત અને ચીન વચ્ચે વર્ષ 2017માં એવો જ સીમાવિવાદ થયો હતો.
 
"વન બેલ્ટ વન રોડ હેઠળ ચીન ભૂતાનમાંથી પસાર થતા પોતાના હાઈવેનું નિર્માણ કરી રહ્યું હતું, પરંતુ ભારતે ભૂતાન સાથેના પોતાના ઐતિહાસિક સંબંધનો ઉપયોગ કરીને આ પ્રૉજેક્ટ રોકાવી દીધો હતો."
 
ચીન માટે કેમ મહત્ત્વપૂર્ણ છે બીઆરઆઈ?
 
પ્રોફેસર ખાન કહે છે, "ચીન બીઆરઆઈ બનાવે એ યુરોપ આફ્રિકામાં સુએઝ નહેર બનાવે, એના જેવું છે. સુએઝ નહેરના નિર્માણ પહેલાં આફ્રિકાનું ચકર કાપવું પડતું. પરંતુ આ નહેરે વ્યાપારિક અને સૈન્ય મૂવમૅન્ટમાં લાગતો ઘણો સમય બચાવ્યો હતો. બી.આર.આઈ. પાછળ ચીનનું લક્ષ્ય યુરોપને સીધું એશિયા સાથે જોડવાનું જ છે. "
 
પ્રોફેસર ખાન કહે છે, "ચીનનો એક અન્ય હેતુ છે પોતાની 1.30 અબજની વસતીને રોજગારી આપવી. ચીનમાં ઉચ્ચસ્તરીય જીવન જીવવાની આકાંક્ષા રાખતા મધ્યવર્ગમાં ઝડપથી વધારો થયો છે. બીઆરઆઈ મારફતે ચીન વ્યાપારિક લાભ પેદા કરવા અને પોતાની વસતીને ખુશ રાખવા માગે છે."
 
ત્યારે પ્રોફેસર સ્વર્ણ સિંહ કહે છે કે ચીન આ યોજના મારફતે મોટા પ્રમાણમાં રોજગારી પેદા કરવા માગે છે જેથી તેની વસતીમાં અસંતોષ પેદા ન થાય.
 
તેઓ કહે છે, " વેપાર સિવાય રોકાણ ચીનનો પ્રયત્ન છે કે રોજગારીના અવસર પેદા થાય, ફેકટરીઓમાં થતાં ઉત્પાદન માટે બજાર ઊભું થાય, જે પૈસા ચીને ભેગા કર્યા છે તેના રોકાણના અવસર તૈયાર કરવામાં આવે."
 
ચીનના ચક્રવ્યૂહમાં ફસાયેલું ભારત
 
પ્રોફેસર ખાન કહે છે કે બી.આર.આઈ. જેવી મહાપરિયોજના શરૂ કરવી એ ચીનની મજબૂરી છે કારણ કે ચીને પોતાના આર્થિક વિકાસના દરને જાળવી રાખવાનો છે.
 
તેઓ કહે છે, પરંતુ જો દક્ષિણ એશિયામાં જોઈએ તો 'વન બેલ્ટ, વન રોડ' હેઠળ ચીનમાં બની રહેલી સડકો અને બંદરોથી ભારત ઘેરાયેલું છે. ચીને શ્રીલંકામાં એક બંદર હમ્બનટોટા બનાવ્યું છે. તેના પર હવે ચીનનું સ્વામીત્વ છે. બી.આર.આઈ. ભૂતાન અને બાંગ્લાદેશમાં પણ વધી રહ્યું છે. સીપેક મારફતે પાકિસ્તાનમાં પણ ચીન મોટું નિર્માણ કરી રહ્યું છે. એક રીતે જોઈએ તો ભારત પૂર્ણ રીતે ચીનનું બીઆરઆઈ સામ્રાજ્યથી ઘેરાઈ ગયું છે."
 
પ્રોફેસર ખાન કહે છે, ભારતના રણનીતિકાર આ પરિસ્થિતિને (હેરાનગતિને) એક બોધપાઠની મ જોતા હશે, પરંતુ હું એ દાવો ન કરી શકું કે ભારતના રણનીતિકાર એવું માનતા હશે કે ભારત ચીનની આર્થિક ઘેરાબંધીમાં ફસાઈ ગયું છે.
 
જો ભારતીય રણનીતિકારો આવું માનતા હોય તો કહી શકાય કે ગલવાનનો સંઘર્ષ ચીનના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો ભારતનો પ્રયત્ન છે. જે રીતે મહાભારતમાં અભિમન્યુ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયા હતા, ભારત પણ ચીનના ચક્રવ્યૂહમાં ફસાયેલું દેખાય છે."