શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શનિવાર, 27 જૂન 2020 (16:50 IST)

એ વ્યક્તિ જેને માત્ર બે પથ્થરોએ કરોડપતિ બનાવી દીધી

કહેવાય છે કે વ્યક્તિનું નસીબ પલટાતા વાર નથી લાગતી.આવું જ કંઈક થયું એક ખાણમાં કામ કરતા સૅનિનિઉ લૅઝર સાથે, જેમને અચાનક ધરતીના ઊંડાણમાંથી 'ખજાનો' મળી આવ્યો અને તેમનું જીવન બદલાઈ ગયું.
 
લૅઝરને બે ટાંઝાનાઇટ પથ્થર મળી આવ્યા હતા, જે દુનિયામાં એક અનોખા પ્રકારનો પથ્થર ગણાય છે. આ કિંમતી પથ્થર ઉત્તર ટાન્ઝાનિઆમાં જ મળે છે. લૅઝરને આ પથ્થરના બદલે દેશના ખનિજ મંત્રાલય તરફથી 34 લાખ ડૉલર મળ્યા હતા. આ પથ્થર એવા સમયમાં મળી આવ્યા છે, જ્યારે નિષ્ણાતો માને છે કે આવનારાં 20 વર્ષમાં આ પથ્થર પૂરી રીતે સમાપ્ત થઈ જશે.
 
લૅઝરે બીબીસીને કહ્યું કે, “બહુ મોટી પાર્ટી થશે.”
 
અનેક રંગોમાં આવતા આ પથ્થરની કિંમત તેના રંગની સુંદરતા અથવા વિશુદ્ધી પર આધાર રાખે છે.
 
જેટલો સુંદર રંગ અને જેટલો વિશુદ્ધ દેખાતો પથ્થર તેટલી વધારે તેની કિંમત. આ પથ્થર લીલા, લાલ, વાદળી અને જાંબુડિયા રંગનો હોઈ શકે છે.
ગત અઠવાડિયે ખાણમાં કામ કરતા લૅઝરે 9.2 કિલો અને 5.8 કિલોના પથ્થર ખોદી કાઢ્યા હતા. બુધવારે તેમણે માન્યારા વિસ્તારમાં એક વેપાર મેળામાં આ પથ્થરનો સોદો કર્યો હતો.
 
દેશમાં અત્યાર સુધીમાં મળી આવેલા સૌથી મોટા ટાન્ઝાનાઇટ પથ્થરનું વજન ત્રણ કિલો 300 ગ્રામ હતું.
 
દેશના રાષ્ટ્રપતિ જ્હૉન મૅગુફુલીએ જાતે શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, "આ લાભ નાનાપાયે ખાણકામ કરતા લોકોનો છે અને ટાન્ઝાનિઆ સમૃદ્ધ દેશ છે."
 
જ્હૉન મૅગુફુલી 2015માં સત્તા પર આવ્યા હતા અને તેમણે ખાણક્ષેત્રમાં દેશના હિતોનું રક્ષણ કરવાનો અને ખાણક્ષેત્રમાં સરકારની આવક વધારવાનો વાયદો કર્યો હતો. લૅઝરનો પરિવાર ઘણો મોટો છે. તેમનાં ચાર પત્ની છે અને 30થી વધારે સંતાનો છે. તેઓ આ પથ્થરોના લાખો રૂપિયાની કિંમત મળવાની ખુશીમાં પરિવાર સાથે ઉજવણી કરશે. માન્યારા રાજ્યના સિમનજિરો જિલ્લામાં પોતાના સમુદાયની મદદ માટે થોડા પૈસાનું રોકાણ કરવા માગે છે.
 
તેમણે કહ્યું, “હું એક સ્કૂલ અને શૉપિંગ સેન્ટર બનાવવા માગું છું. હું મારા ઘરની નજીક સ્કૂલ બનાવવા માગું છે. કેટલાક ગરીબ લોકો પોતાનાં બાળકોને સ્કૂલ નથી મોકલી શકતા.”
 
“મને વેપાર કરતા નથી આવડતો, પરંતુ હું ઇચ્છું છું કે મારાં સંતાનો આ વેપારને સારી રીતે ચલાવે.”
 
ટાંઝાનાઇટ પથ્થર
 
રાતોરાત લાખો ડૉલર કમાનાર લૅઝરનું માનવું છે કે તેમનું જીવન નહીં બદલાય. તેઓ કહે છે કે તેઓ પહેલાંની જેમ બે હજાર જેટલી ગાયોની સારસંભાળ લેતા રહેશે. તેઓ પૈસાની સુરક્ષાને લઈને પણ ચિંતિત નથી.
 
તેમનું કહેવું છે કે “અહીં બહુ સુરક્ષા છે. મને નથી લગાતું કે કોઈ મુશ્કેલી આવશે. હું રાત્રે ગભરાયા વગર લટાર મારવા પણ જઈ શકું છું.”
 
લૅઝરની જેમ નાનાપાયે ખાણકામ કરતા લોકો સરકારી લાઇસન્સ મેળવીને ટાંઝાનાઇટ પથ્થરની શોધમાં ખાણકામ કરતા હોય છે, પરંતુ ઘણી મોટી કંપનીઓની ખાણની આજુબાજુ ગેરકાયદેસર ખાણકામ પણ થતું હોય છે. 2017માં રાષ્ટ્રપતિ મૅગુફુલીએ સેનાને માન્યારામાં મેરલાની ખાણક્ષેત્રની આજુબાજુ 24 કિલો મિટરની દીવાલ ચણવાનો નિર્દેશ આપ્યો હતો. માનવામાં આવે છે કે ટાંઝાનાઇટ પથ્થર હવે એક માત્ર આ વિસ્તારમાં જ બચ્યા છે.
 
ટાંન્ઝાનિઆથી બીબીસી સંવાદદાતા સૅમી અવામીનું કહેવું છે કે એક વર્ષ પછી, સરકારને ખાણકામમાંથી મળતા ફાયદામાં ઉછાળો નોંધ્યો હતો. સરકારનું માનવું છે કે દીવાલને કારણે આ શક્ય બન્યું છે.