શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By વંદના|
Last Modified: સોમવાર, 15 જૂન 2020 (13:29 IST)

સુશાંતસિંહની આત્મહત્યા : આત્મવિશ્વાસથી ભરપૂર અભિનેતા સાથે શું થયું?

જો તમે બહુ બારીકીથી નજર રાખતા હોવ કે જબરજસ્ત યાદશક્તિવાળા હોવ તો તમારામાંથી કોઈને કદાચ 2006ની કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતીયદળનું ડાન્સ પર્ફોર્મન્સ યાદ હશે. એશ્વર્યા રાયની પ્રસ્તુતિ હતી અને બૅકગ્રાઉન્ડમાં ઘણા બધા ડાન્સરો.
 
તેમાંથી એક ડાન્સરે એશ્વર્યાને રાયને ઊંચકવાના હતાં. તે દુબળાપાતળા નવયુવાન હતા સુશાંતસિંહ રાજપૂત. એ જ સુશાંતસિંહ આગળ જતાં ટીવીના સુપરસ્ટાર બન્યા અને હિંદી ફિલ્મોમાં હીરો. હવે પોલીસે તેમની આત્મહત્યાની વાત કરી છે. કમનસીબે એ કલાકારોની યાદીમાં વધુ એક નામ ઉમેરાઈ ગયું છે, જે યુવા હતું, હોનહાર હતું, સંઘર્ષ છતાં સફળ હતું. પરંતુ તેણે સમય પહેલાં અલવિદા કહી દીધું.
 
એન્જિનિયરિંગથી ઍક્ટિંગ સુધી
 
સુશાંતસિંહ ટીવીમાંથી સફળ થઈને ફિલ્મોમાં પગલું માંડનારા જૂજ કલાકારોમાં હતા. 1986માં પટનામાં જન્મેલા સુશાંત આમ તો દિલ્હી કૉલેજ ઑફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગ કરતા હતા, પરંતુ તેમનું દિલ ડાન્સમાંથી ઍક્ટિંગ તરફ વળ્યું હતું.
 
આશરે 10-11 વર્ષ પહેલાંની વાત છે જ્યારે સુશાંતસિંહ રાજપૂતને લોકોએ પહેલી વાર નાના પડદે જોયા.
 
'કિસ દેશ મેં હૈ મેરા દિલ' નામની સિરિયલ હતી. પછી 2009માં આવેલી ટીવી સિરિયલ 'પવિત્ર રિશ્તા'માં સુશાંતે મુંબઈની ચાલીમાં રહેતા માનવ દેશમુખનો રોલ કર્યો. આ જ સિરિયલથી સુશાંતને રાતોરાત યુવાદિલોની ધડકન બની ગયા.
 
છેલ્લાં 10 વર્ષમાં મેં બે-ત્રણ સિરિયલ જોઈ છે, તેમાં એક હતી પવિત્ર રિશ્તા- કારણ હતું સુશાંતસિંહ અને અર્ચના લોખંડેનો અભિનય અને જોડી, જે એ સમયે અસલમાં પણ સંબંધમાં હતાં.
 
સુશાંતની મોટી ખૂબી હતી તેમની કાબેલિયત અને સમજ. જ્યારે હાથમાં કંઈ નહોતું ત્યારે એન્જિનિયરિંગ છોડીને ઍક્ટિંગમાં કૂદી પડ્યા અને મુંબઈમાં નાદિરા બબ્બરના થિયેટર ગ્રૂપમાં આવી ગયા.
 
રિસ્ક લેનારા કલાકાર સુશાંત
 
જ્યારે બીજી જ ટીવી સિરિયલમાં અપાર સફળતા મળી તો તેઓએ 2011માં પવિત્ર રિશ્તામાં મેન રોલ છોડીને બધાને ચોંકાવી દીધા.
 
આશરે બે વર્ષ સુધી તેમનું કોઈ ઠામઠેકાણું નહોતું. નવા નવા સ્ટારોથી ભરેલી ટીવી અને ફિલ્મોની દુનિયામાં બે વર્ષની ગેરહાજરી બહુ લાંબો સમય હોય છે.
 
પછી 2013માં તેમની પહેલી ફિલ્મ આવી 'કાઈ પો છે'. ગુજરાત રમખાણના બૅકગ્રાઉન્ડમાં બનેલી આ ફિલ્માં સુશાંતે ઈશાંતનો ઉત્તમ રોલ કર્યો. અને કોઈ નવા કલાકાર માટે આ સરળ રોલ નહોતો.
 
રિસ્ક લેવા સિવાય સુશાંતની બીજી ખૂબી હતી વિવિધતાથી પ્રયોગો કરવા. તેમાં તેઓ ઘણી વાર સફળ થયા અને ઘણી વાર નિષ્ફળ.
 
માત્ર છ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં સુશાંત પડદા પર ક્યારેક મહેન્દ્રસિંહ ધોની થઈ ગયા તો ક્યારેક બ્યોમકેશ બક્ષી. તો વળી લગ્નના સંબંધો પર સવાલ કરનારા શુદ્ધ દેસી રોમાન્સના રઘુ રામ પણ.
 
સુશાંતને સૌથી મોટી સફળતા અને વાહવાહી કદાચ ફિલ્મ 'ધોની : એન અનટોલ્ડ સ્ટોરી' માટે મળી. ખુદ ધોનીએ આ વાતનાં વખાણ કર્યાં હતાં કે કેવી રીતે સુશાંતે ધોનીની બેટિંગ સ્ટાઇલ, હાલચાલને અપનાવી દીધી હતી. ખાસ કરીને જે રીતે તેઓએ ધોનીનો હેલિકૉપ્ટર શૉટ ફિલ્મમાં માર્યો હતો.
 
ફિલ્મોથી પર અસલી જિંદગીમાં પણ તેઓ મુદ્દાઓ પર બોલનારા યુવાકલાકાર હતા, જેનાથી તેઓ બધાથી અલગ પડતા હતા.
 
જ્યારે સંજય લીલા ભણસાલીનો રાજપૂત કરણીસેના વિરોધ કરતી હતી અને હુમલો કરતી હતી ત્યારે સુશાંતસિંહે વિરોધ સ્વરૂપે પોતાની સરનેમ ટ્વિટરથી દૂર કરી નાખી અને માત્ર સુશાંત નામ રાખ્યું હતું.
 
ટ્રૉલ્સને જવાબ દેતાં તેઓએ લખ્યું, "મૂર્ખ મેં મારી સરનેમ બદલી નથી. તમે જો બહાદુરી બતાડશો તો હું તમારાથી દસ ગણો વધુ રાજપૂત છે. હું કાયરતાપૂર્ણ હરકતની વિરુદ્ધમાં છું."
 
વિચારશીલ કલાકાર
 
ઍક્ટિંગ સિવાય તેમના શોખ પણ નિરાળા હતા. સુશાંતને એસ્ટ્રોનૉમીનો બહુ શોખ હતો અને લૉકડાઉન દરમિયાન તેઓ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકતા હતા. ક્યારેક જુપિટર, તો ક્યારેક માર્સની.
 
ફૅન્સ તેઓને એક વિચારશીલ ઍક્ટર તરીકે યાદ રાખશે, જે પોતાનો રોલ બહુ ઝીણવટથી નિભાવતા હતા.
 
જોકે ફિલ્મ 'ચંદા મામા દૂર કે' બની ન શકી, તેમાં તેઓ એક અંતરિક્ષયાત્રીનો રોલ કરવાના હતા અને તેના માટે તેઓ ખાસ નાસા જઈને તૈયારી કરવાના હતા.
 
મેં થિયેટરમાં તેમની અંતિમ ફિલ્મ સોનચીડિયા જોઈ હતી, જે ગત વર્ષની ઉત્તમ ફિલ્મોમાંની એક હતી.
 
આ તેમના ફમ્ફર્ટ ઝોનની બહારની ફિલ્મ હતી, જેમાં તેઓ લાખન નામના ડાકુનો રોલ કરતા હતા- ડાકુઓની વચ્ચે સૌથી દરિયાદિલ અને સિદ્ધાંતવાદી ડાકુ.
 
"ગૅંગથી તો ભાગી જઈશ વકીલ, પોતાનાથી કેવી રીતે ભાગીશ?"- સુશાંત પોતાના ગૅંગવાળા સામે આ ડાયલૉગ બોલે ત્યારે એક દર્શક તરીકે તમે તેનું સમર્થન કરવા લાગો છો.
 
એવું નથી કે સુશાંતે દરેક ફિલ્મમાં ઉત્તમ કામ કર્યું. કે તેમની બધી ફિલ્મો હિટ ગઈ કે સામાન્ય કામ માટે તેમની ટીકા ન થઈ હોય. જેમ કે રાબ્તા અને કેદારનાથ.
 
થિયેટરમાં આવેલી તેમની અંતિમ ફિલ્મ છિછોરે પણ કંઈ ખાસ કરી નહોતી શકી. તો છેલ્લી વાર તેઓ 2019માં નેટફ્લિક્સ ફિલ્મ ડ્રાઇવમાં નજરે પડ્યા હતા.
 
પરંતુ તેમનામાં એક ગજબનો આત્મવિશ્વાસ હતો.
 
આત્મવિશ્વાસથી ભરપૂર સુશાંત
 
બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું, "મને ફિલ્મો નહીં મળે તો હું ટીવીમાં કામ કરવાનું શરૂ કરી દઈશ. જો ટીવીમાં નહીં મળે તો થિયેટર તરફ ચાલ્યો જઈશ. થિયેટરમાં હું 250 રૂપિયામાં શો કરતો હતો. હું ત્યારે પણ ખુશ હતો, કેમ કે મને અભિનય કરવો ગમે છે. આથી નિષ્ફળ જવાનો મને ડર નથી."
 
એ વાત માન્યામાં નથી આવતી કે આત્મવિશ્વાસથી ભરેલો એક નવયુવાન, જેને નિષ્ફળતાનો ડર નહોતો, સફળતા તેને વરતી હતી, જેની સામે આખી જિંદગી પડી હતી, એવું તો શું થયું કે તેણે જિંદગીથી હાર માની લીધી, જે પ્રમાણે પોલીસનો દાવો છે. જોકે આ મામલે તપાસ ચાલી રહી છે.
 
સુશાંતસિંહની પહેલી સિરિયલ હતી 'કિસ દેશ મેં હૈ મેરા દિલ', જેમાં તેમને શરૂઆતમાં મારી નાખવામાં આવે છે.
 
જોકે આ નાનકડા રોલથી તેઓ એટલા લોકપ્રિય થયા કે સિરિયલમાં તેઓને એક પ્રેત-આત્મ બનાવીને ફરી પાછા લાવવામાં આવ્યા.
 
જોકે એ કલ્પનાની દુનિયા હતી અને આ હકીકત જ્યાં સુશાંત ક્યારેય પાછા નહીં આવે.
 
બધા સોનચીડિયાનો આ ડાયલૉગ યાદ કરી રહ્યા છે, જ્યારે મનોજ બાજપેયી સુશાંતને પૂછે કે શું તને મરવાથી ડર લાગે છે, તો સુશાંત એટલે કે લાખન કહે છે, "એક જન્મ નિકલ ગયા ઇન બીહડો મેં દદ્દા, અબ મરને સે કાહે ડરેંગે."