બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By દિલીપ ગોહિલ|
Last Updated : શુક્રવાર, 2 ડિસેમ્બર 2022 (19:01 IST)

જિતુ વાઘાણી : કેશુભાઈ વિરુદ્ધ મોદીને વફાદાર રહેનાર નેતાની વિવાદોથી મંત્રી બનવા સુધીની સફર

jitu
સમાચારોમાં ચમકતા રહેવાની તેમની એ કુશળતા 2022ના વર્ષમાં ગુજરાત ભાજપની સરકારમાં શિક્ષણમંત્રી બન્યા, ત્યાં સુધી અકબંધ રહી. શિક્ષણમંત્રી બન્યા પછી 6 એપ્રિલ, 2022ના રોજ તેમણે બફાટ કર્યો કે 'ગુજરાતમાં જેમને શિક્ષણ સારું ન લાગતું હોય તે પોતાનાં છોકરાં બીજે મોકલી દે.'
 
રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત શાળાના કાર્યક્રમમાં ભાષણ આપતાં જિતુ વાઘાણીએ કહ્યું કે, "છોકરાં અહીં ભણ્યાં, ધંધો અહીં કર્યો, હવે બીજું સારું લાગે છે તો મારી વિનંતી છે, પત્રકારોની હાજરીમાં, જેને બીજું સારું લાગતું હોય એ છોકરાનાં (સ્કૂલ લિવિંગ) સર્ટિફિકેટ લઈ લે અને જે દેશ કે રાજ્ય સારું લાગતું હોય ત્યાં ભણાવવાં જોઈએ."
 
વાઘાણીની ધમકીભરી ભાષાનો એટલો વિરોધ થયો કે બીજા દિવસે બે જાહેર કાર્યક્રમોમાં આવવાની હિંમત ન થઈ.
 
1993થી 1997 સુધી ભાવનગર શહેરના યુવા મોરચાના પ્રમુખ તરીકે તેઓ સતત સમાચારમાં ગાજતા રહ્યા હતા. 1995માં સરકાર બનાવ્યા પછી ભાજપના નેતાઓનો આત્મવિશ્વાસ બુલંદ હતો. કોઈ રાજકીય બૅકગ્રાઉન્ડ વિના યુવાવયે સારું સ્થાન મેળવી શકનારા વાઘાણીને પણ ઊજળું ભવિષ્ય દેખાઈ રહ્યું હતું.
 
 
પ્રદેશ પ્રમુખ તરીકે સક્રિય, પણ નજર મંત્રાલય પર
 
આનંદીબહેનનું રાજીનામું ફેસબુકમાં પોસ્ટ થયું, વિજય રૂપાણી સીએમ બન્યા એટલે ભાજપ પ્રદેશાધ્યક્ષ તરીકે કોઈ પટેલ આવશે તેવું નક્કી મનાતું હતું, ત્યારે કોઈ સિનિયરને બદલે જુનિયર તો નહીં, પણ પ્રમાણમાં ઓછા સિનિયર જિતુ વાઘાણીનો નંબર લાગ્યો હતો. હજુરિયા-ખજુરિયા કાંડમાં મોટેરા નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી હતી તે દાયકામાં જિતુ વાઘાણી જેવા ઘણા નેતાઓ નેપથ્યમાં રહ્યા હતા, પરંતુ હવે તેમની પસંદગી થઈ. લેઉવા સાથે પેટા જ્ઞાતિ તરીકે ગોલવાડિયા પટેલ નેતા તરીકે તેમની પસંદગી થઈ.
 
રાજ્યમાં જે પક્ષની સત્તા હોય ત્યારે તેના પ્રમુખ બનવાનો પણ ફાયદો હોય છે, પણ એક મંત્રાલય જ પોતાની પાસે હોય તેવું માહાત્મ્ય તો આગવું હોય. એવું મનાતું રહ્યું હતું કે પ્રદેશાધ્યક્ષ તરીકે સક્રિયતા સાથે જિતુ વાઘાણીને પણ સરકારમાં મંત્રી બનવામાં વધારે રસ પડતો હતો.
 
ચાર વર્ષ પ્રદેશ પ્રમુખ તરીકે કામગીરી બજાવી તે પછી તેમની જગ્યાએ સી. આર. પાટીલને પસંદ કરવામાં આવ્યા. વાઘાણી ફરી થોડો વખત માટે લાઇમલાઇટમાંથી અદૃશ્ય થયા, પણ સમગ્ર મંત્રીમંડળને બદલી નાખવાનો નિર્ણય લેવાયો ત્યારે મંત્રી બનવાનું વાઘાણીનું સપનું પૂરું થયું. 16 સપ્ટેમ્બર, 2021ના રોજ જિતુ વાઘાણી બન્યા ગુજરાતના નવા શિક્ષણમંત્રી.
 
ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં શિક્ષણની ભારે સમસ્યાઓ ઊભી થઈ - એકથી વધુ પ્રકારના પ્રયોગો થતાં રહ્યા, વારંવાર નિર્ણયો બદલાતા રહ્યા, ખાનગી શાળાઓ વધતી ગઈ અને શિક્ષણ મોંઘું પણ થતું રહ્યું. આટલું ઓછું હોય તેમ આમ આદમી પાર્ટીએ દિલ્હી મૉડલ પર ગુજરાતમાં શિક્ષણની કાયાપલટનો મુદ્દો ઉઠાવ્યો, તે શિક્ષણમંત્રી તરીકે વધારે મોટો પડકાર બનીને સામે ઊભો થયો.
 
અનામત આંદોલન પછી પ્રદેશ પ્રમુખ તરીકે પણ વાઘાણી સામે પડકાર હતો કે ભાજપની પટેલ વોટબૅન્ક સાચવવી.
 
સામી બાજુ ઓબીસી આંદોલન પણ શરૂ થયું હતું. સૌરાષ્ટ્રના ઊનામાં દલિતો પર અત્ચાચારનો મામલો પણ ચગ્યો હતો. 'પાસ'ના કેટલાક નેતાઓ સહિત હાર્દિક પટેલ કૉંગ્રેસ તરફ ઢળતા દેખાતા હતા. આ ત્રિપૂટી ભાજપને ભીંસમાં લઈ રહી હતી. આ વચ્ચે 2017માં ભાજપની સત્તા માંડ બચી. હવે સંગઠને 2019 પહેલાં ચૂસ્તી દાખવવાની હતી. 2019ની લોકસભાની ચૂંટણી પહેલાં આ ત્રિપુટીને વિખૂટી પાડી દેવામાં આવી. ભાજપના સંગઠનના વડા તરીકે તેનો થોડો જશ વાઘાણીને પણ મળે.
 
ત્રિપુટીમાંથી એક અલ્પેશ ઠાકોરને ભાજપમાં ભેળવી દેવાયા. જુલાઈ 2019માં જિતુ વાઘાણીએ જ તેમનું અને ધવલસિંહ ઝાલાનું કેસરી ખેસ ઓઢાળીને સ્વાગત કર્યું.
 
લોકસભા 2019ની ચૂંટણી પહેલાં જ માર્ચ 2019માં આંદોલનના વરુણ પટેલ, રેશમા પટેલ, મહેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરોને ભાજપમાં લઈ લેવામાં આવ્યા. પ્રદેશ પ્રમુખ તરીકે આ નેતાઓનું સ્વાગત કરીને ખેસ ઓઢાઢવાનું કામ પણ જિતુ વાઘાણીના ફાળે જ આવ્યું. જોકે આ નેતાઓને ભાજપમાં લાવવામાં અમિત શાહની મુખ્ય ભૂમિકા હતી.
 
હવે ભાજપના મોવડીઓએ ગુજરાતમાં કંઈક નવું કરવાનો નિર્ણ કર્યો હતો.
 
કોરોના દરમિયાન સમગ્ર સરકારી તંત્ર અમલદારોના હાથમાં હોય અને રાજકીય પાંખ પાછળ ધકેલાઈ ગઈ હોય તેવી ટીકા થતી રહી. સંગઠનમાં ફેરફાર કરાયો અને જુલાઈ 2020માં સી. આર. પાટીલને ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે મૂકવામાં આવ્યા.