રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 ઑક્ટોબર 2022 (12:50 IST)

Ind vs Pak : મેદાનમાં હાર્દિક પંડ્યાએ વિરાટ કોહલીને એવું તો શું કહ્યું કે હાર જોઈ રહેલું ભારત જીતી ગયું?

Kohli
- ભારતીય ક્રિકેટ ટીમે મેલબર્ન ખાતેની ટી-20 મૅચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું
- ભારતની જીતના હીરો ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી રહ્યા હતા. જેમણે માત્ર 53 બૉલમાં 82 રન બનાવ્યા હતા
- એક સમયે ભારત માટે વિજય મુશ્કેલ લાગતો હતો પણ હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીની જોડીએ બાજી સંભાળી લીધી હતી
- મૅચ દરમિયાન હાર્દિક પંડ્યા વિરાટ કોહલીને શું કહેતા હતા એ અંગે કોહલીએ રમત બાદ વાત કરી હતી
- એક સમયે હાર ભણી ધકેલાઈ રહેલા ભારતને વિજય અપાવવા માટે હાર્દિકે વિરાટને જે વાત કરી હતી એ એમણે રમત બાદ જણાવી હતી
 
મેલબર્નમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની અત્યંત રોમાંચક મૅચમાં ભારતે પાકિસ્તાનને ચાર વિકેટે હરાવી દીધું અને વિરાટ કોહલીને આ મૅચના હીરોની ઉપાધિ મળી.
 
કોહલીએ 53 બૉલમાં 82 રન બનાવ્યા હતા અને પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગો પૈકીની એક આજે રમી હતી.
 
160 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા ઊતરેલી ભારતીય ટીમે એક સમયે માત્ર 31 રનમાં ચાર વિકેટો ગુમાવી દીધી હતી. જોકે, એ બાદ હાર્દિક પંડ્યા સાથે મળીને વિરાટ કોહલીએ બાજી સંભાળી અને 113 રનની શાનદાર ભાગીદારી નોંધાવી.
 
અલબત્ત, હાર્દિક છેલ્લે સુધી કોહલીનો સાથ નહોતા નિભાવી શક્યા અને 40 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા હતા. બીજી તરફ વિરાટ નોટ આઉટ રહ્યા હતા અને ભારતના વિજયને સુનિશ્ચિત કરી દીધો હતો.
 
રમત પૂર્ણ થયા બાદ ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી સાથેની વાતચીતમાં કોહલીએ કહ્યું હતું, "પ્રામાણિકતાથી કહું તો મારી પાસે કોઈ શબ્દ નથી. આ કઈ રીતે ઘટી ગયું એની પણ મને ખબર નથી."
 
જોકે, એમણે એવું પણ કહ્યું હતું કે હાર્દિક પંડ્યાએ તેમને સતત વિશ્વાસ રાખવાની વાત કરી હતી.
 
હાર્દિકે વિરાટને શું કહ્યું?
 
પાકિસ્તાને પ્રથમ બૅટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા. ખરાબ શરૂઆત બાદ શાન મસૂદ અને ઇફ્તિકાર અહમદની અડધી-અડધી સદીની મદદથી પાકિસ્તાન ભારત સામે સન્માનજનક લક્ષ્યાંક મૂકી શક્યું હતું.
 
એક સમયે આ લક્ષ્યાંક ભારત માટે અશક્ય જણાતો હતો, એવામાં મૅચ દરમિયાન વિરાટ કોહલીનું હાર્દિક પંડ્યાએ મનોબળ વધાર્યું હતું.
 
પાકિસ્તાને છેલ્લી ઓવરમાં કરેલી એ ત્રણ ભૂલ, જેનાથી ભારતે હારેલી બાજી જીતી લીધી
આ અંગે વધારે વાત કરતા કોહલીએ શાસ્ત્રીને કહ્યું હતું, "હાર્દિક મને કહ્યા કરતો કે વિશ્વાસ રાખ. વિશ્વાસ રાખ કે આપણે પહોંચી વળીશું. છેલ્લે સુધી રહે. પ્રામાણિકતાથી કહું તો મારા શબ્દો ખોવાઈ ગયા છે. "
 
160 રનના પડકારનો પીછો કરવા ઊતરેલા ભારતને છેલ્લી ચાર ઓવરમાં 54 રનની જરૂર હતી અને એ વખતે પાકિસ્તાનનો પક્ષ પણ ભારે જણાતો હતો.
 
છેક છેલ્લી ઓવર સુધી ભારત માટે વિજય મુશ્કેલ લાગી રહ્યો હતો પણ એવામાં મોહમ્મદ નવાઝની બૉલિંગ આવી અને મૅચની બાજી પલટાઈ ગઈ હતી.
 
કોહલીએ કહ્યું હતું, "આજ સુધી મોહાલીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધની ઇનિંગ મારી સર્વશ્રેષ્ઠ ઇનિંગ હતી. આજે હું આ ઇનિંગને થોડી ઉપર મૂકીશ. હાર્દિક મને પ્રેરિત કરતો રહ્યો. "
 
ભારત સામેની છેલ્લી ઓવરનો એ બૉલ જેની ટીકા આખું પાકિસ્તાન કરી રહ્યું છે
 
છેલ્લી ઓવરે પલટી નાખી બાજી
  
ભારતની ટીમ જીતથી માત્ર 16 રન દૂર હતી ત્યારે પાકિસ્તાન તરફથી બૉલિંગની ધુરા મોહમ્મદ નવાઝને સોંપાઈ.
 
પ્રથમ બૉલે હાર્દિક પંડ્યાને 40 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ કર્યા બાદ દિનેશ કાર્તિક ક્રીઝ પર આવ્યા.
 
આ ઓવરમાં પણ કોહલી પોતાની સફળ ઇનિંગ આગળ ધપાવી શક્યા. અંતિમ ઓવરના ચોથા બૉલે છગ્ગો ફટકારી તેમણે ભારતને જીતની તરફ વધુ આગળ લઈ જવામાં ભૂમિકા ભજવી. આ બૉલને અમ્પાયરો દ્વારા નો-બૉલ અપાતાં ભારતની જીતની આશા જીવંત રહી.
 
તે બાદનો બૉલ પણ વાઇડ અપાયો. અને અંતે માન્ય બૉલ પર કોહલી ફ્રી હિટમાં બોલ્ડ થયા પરંતુ ત્રણ રન મેળવવામાં સફળતા મેળવી.
 
 ક્રીઝ પર નવા આવેલા કાર્તિક પાસે સ્ટ્રાઇક આવતાં તેઓ આ બૉલે સ્ટમ્પ્ડ આઉટ થયા. અંતે ક્રીઝ પર નવા આવેલા રવિચંદ્રન અશ્વિને અંતિમ બૉલનો સામનો કરવાનો વારો આવ્યો.
 
જેમાં બે રનની આવશ્યકતા હતી. પરંતુ મોહમ્મદ નવાજે વાઇડ બૉલ ફેંકતા માત્ર એક બૉલ પર એક રનની જરૂરિયાત રહી. જે અશ્વિને આસાનીથી મેળવી લીધો. અને આમ, પાકિસ્તાને અંતિમ ઓવરમાં છેક હાથમાં આવેલો વિજય ગુમાવવો પડ્યો.
 
ભારત તરફથી ઓપનિંગ કરવા આવેલા કે. એલ. રાહુલ અને રોહિત શર્મા ચાર-ચાર રન બનાવીને આઉટ થઈ ગયા હતા. તેમજ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલ પણ અનુક્રમે 15 અને બે રનના સ્કોરે આઉટ થઈ ગયા હતા.
 
પાકિસ્તાન તરફથી હૅરિસ રાઉફ, મોહમ્મદ નવાઝ અને નસીમ શાહે અનુક્રમે બબ્બે અને એક વિકેટ ઝડપી હતી.