શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : રવિવાર, 6 ફેબ્રુઆરી 2022 (21:25 IST)

લતા મંગેશકરનું નિધન : જ્યારે ગુજરાતી ફિલ્મના ગીત માટે લતાજીએ મહેનતાણું ઓછું લીધું

ભારતીય સિનેમાનાં સ્વરકોકિલા લતા મંગેશકરનું નિધન થયું છે. તેમને એક મહિના પહેલાં કોરોના સંક્રમણ બાદ મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે 8 વાગ્યા ને 12 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધો.
 
લતા મંગેશકરના નિધનના સમાચાર આવતાની સાથે જ ભારતનાં કદાચ અત્યાર સુધીનાં સૌથી લોકપ્રિય ગાયિકાના ચાહકોના શોકસંદેશોનું સોશિયલ મીડિયા પર પૂર આવી ગયું.
 
તેમની લોકપ્રિયતા ભારત સુધી મર્યાદિત નહોતી. ભારત જ નહીં વિદેશમાં પણ તેમના ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે.
 
'આકાશમાં લતાનો અવાજ છે'
 
"...મને જો કોઈ પૂછે કે 'આકાશમાં ભગવાન છે?' તો હું કહીશ કે 'મને ખબર નથી. હું તો એટલું જ જાણું કે આ આકાશમાં સૂર્ય છે, ચન્દ્ર છે અને લતાનો અવાજ છે."
 
લતા મંગેશકર માટે આ શબ્દો જાણીતા મરાઠી લેખક પુ.લ. દેશપાંડેએ કહ્યા હતા. લતા મંગેશકરનું અવસાન એ ખરા અર્થમાં ન પૂરી શકાય એવી જ ખોટ છે.
 
ગુજરાતી ભાષાના જાણીતા ગાયક તેમજ હિન્દી ફિલ્મમાં પણ જેમણે અનેક ગીતો ગાયા છે એ મનહર ઉધાસે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "લતાજીના નિધનના સમાચારથી એટલું દુઃખ થયું છે કે જેની કલ્પના ન કરી શકાય."
 
ફિલ્મ અભિમાનનું લૂટે કોઈ મન કા નગર... હોય કે ફિલ્મ હીરોના પ્યાર કરનેવાલે કભી ડરતે નહીં..., તૂ મેરા હીરો હૈ... વગેરે ગીતો મનહર ઉધાસે લતા મંગેશકર સાથે ગાયાં છે.
 
મનહર ઉધાસ કહે છે કે, "લતાજી સાથે મેં ફિલ્મોમાં દસ જેટલાં ગીતો ગાયાં છે. મારો તેમની સાથે 50 વર્ષનો નાતો રહ્યો છે. હું નવો સિંગર હતો ત્યારે શરૂઆતમાં મેં તેમની સાથે ઘણા ચેરિટી કાર્યક્રમો કર્યા હતા. ફિલ્મ અભિમાનના લૂટે કોઈ મન કા નગર ગીત માટે આર.ડી. બર્મનસાહેબને મારું નામ લતાજીએ સૂચવ્યું હતું."
 
"ફિલ્મના એ એક જ ગીતનું રેકૉર્ડિંગ બાકી હતું. લતાજીએ બર્મનસાહેબને કહ્યું કે મનહર ઉધાસ એક નવા સિંગર છે. તેમની પાસે તમે ગવડાવો. તેઓ સરસ ગાય છે. બર્મનસાહેબ નવા ગાયકો પાસે ગવડાવવા ઝટ રાજી થતા નથી, છતાં લતાજીના સૂચનથી તેમણે મને એ ગીત ગવડાવ્યું અને લોકપ્રિય થયું."
 
'જેટલા ઉમદા ગાયિકા, તેટલા ઉમદા માનવી'
 
મનહરભાઈ હાલ અમેરિકામાં છે. તેમણે એ વાતનો અફસોસ પ્રકટ કર્યો કે તેમની અંત્યેષ્ટિમાં તેઓ ત્યાં હાજર નહીં રહી શકે.
 
મનહર ઉધાસ કહે છે કે, "વર્ણન ન કરી શકાય એટલો સહકાર મને લતાજીએ આપ્યો છે. હું નવોનવો ગાયક હતો ત્યારે તેઓ ખૂબ પ્રોત્સાહિત કરતા હતા. રેકૉર્ડિંગ વખતે નૉર્મલ રહી શકાય એ માટે સંગીત સિવાયની ઘણી વાતો કરતા હતા જેથી નર્વસનેસ જતી રહે. તેઓ સંગીતનું ઇન્સ્ટિટ્યૂશન હતાં અને વ્યક્તિ તરીકે એટલા જ ઉમદા હતાં. હું સદ્ભાગી છું કે મને તેમની સાથે અવારનવાર ગાવાની તક મળી."
 
મનહરભાઈ હાલ અમેરિકામાં છે. તેમણે એ વાતનો અફસોસ પ્રકટ કર્યો કે તેમની અંત્યેષ્ટિમાં તેઓ ત્યાં હાજર નહીં રહી શકે.
 
મનહર ઉધાસ કહે છે કે, "વર્ણન ન કરી શકાય એટલો સહકાર મને લતાજીએ આપ્યો છે. હું નવોનવો ગાયક હતો ત્યારે તેઓ ખૂબ પ્રોત્સાહિત કરતા હતા. રેકૉર્ડિંગ વખતે નૉર્મલ રહી શકાય એ માટે સંગીત સિવાયની ઘણી વાતો કરતા હતા જેથી નર્વસનેસ જતી રહે. તેઓ સંગીતનું ઇન્સ્ટિટ્યૂશન હતાં અને વ્યક્તિ તરીકે એટલા જ ઉમદા હતાં. હું સદ્ભાગી છું કે મને તેમની સાથે અવારનવાર ગાવાની તક મળી."
 
'લતાજી કદાચ ના પાડશે પણ...'
 
જાણીતા ગુજરાતી ગાયક-સંગીતકાર આશિત દેસાઈએ બીબીસી સાથે લતા મંગેશકર સાથેનાં સંભારણાં વાગોળ્યાં હતાં.
 
તેમણે કહ્યું કે, "શારદાનો ધરતી પર ઊતરેલો અવતાર હતાં. નિખાલસ વ્યક્તિત્વ. ખૂબ મળતાવડા નહીં પણ જેમની જોડે ગોઠી ગયું હોય તેમની સાથે ખીલેલા હોય. મેં વડોદરામાં એક કાર્યક્રમમાં લતાજીએ ગાયેલું ગુજરાતી ગીત એક રજકણ સૂરજ થવાને શમણે ગાયું હતું. એ વખતે તેઓ કાર્યક્રમમાં હાજર હતાં."
 
"એ વખતે તો તેઓ મળી શક્યા નહોતાં, પણ ઘણા વખત પછી મુંબઈમાં મળ્યાં ત્યારે કહે કે હા, તુમને વો ગાયા થા, મેરા એક રજકણ સૂરજ થવાને શમણે વાલા ગાના. મુંબઈમાં તો પછી તેમને ઘણા કાર્યક્રમમાં મળવાનું થયું હતું."
 
આશિત દેસાઈએ શ્રીનાથજીનાં ભક્તિગીતોનો એક સંપૂટ તૈયાર કર્યો હતો. જેમાં લતા મંગેશકર, જગજિતસિંહ, પુરુષોતમ ઉપાધ્યાય, હરીહરન વગેરે ગાયકોએ ગીતો ગાયાં હતાં.
 
 
એના વિશે વાત કરતાં આશિતભાઈ કહે છે કે, "જય જય શ્રીનાથજી નામનો જે સંગીત પ્રોજેક્ટ હતો, એમાં ચંદુભાઈ મટ્ટાણી નામના વિદેશ રહેતા સંગીતપ્રેમી ગુજરાતીઓ સંકળાયેલા હતા. તેમના લતાજી, જગજિતસિંહ વગેરે સાથે ખૂબ સારા સંબંધ હતા. તેમણે મને કહ્યું કે આ પ્રોજેક્ટમાં તમે જ સંગીત તૈયાર કરો અને આપણે તેમની પાસે ગવડાવીએ.
 
"લતાજીને પૂછ્યું તો તેમણે હા કહી. તેમને કહેવામાં આવ્યું કે આશિત તમારી પાસે આવશે અને કહેશે કે કયું ગીત તમારે ગાવાનું છે. મેં લતાજીને ફોન કર્યો તો કહે કે કલ પરસોં આ જાઓ. હું અને મારાં પત્ની હેમા દેસાઈ તેમના ઘરે ગયાં."
 
"તેમને કહ્યું કે શ્રી ગોવર્ધનનાથ અને કસ્તૂરી તિલકમ્ આ શ્લોક તમારે ગાવાનો છે. તેમની પાસે રિહર્સલ કરાવ્યું. પછી રેકૉર્ડિંગનું કહ્યું તો કહે કે બે-ચાર દિવસ પછી ગોઠવીએ મારું ગળું બરાબર નથી. મેં ફરી ફોન કર્યો તો કહે કે હજી થોડા દિવસ રોકાઈ જાવ. મને થયું કે તેઓ કદાચ ના પાડવા માગતા હશે."
 
"પછી એક દિવસ સામેથી તેમનો ફોન આવ્યો કે આશિતભાઈ મેં તૈયાર હું. આપ જબ બુલાઓગે તો મેં આઉંગી. તે વખતે જુહુમાં મારો સ્ટુડિયો હતો. એ વખતે તેમને લેવા તેમના ઘરે ગયા હતા. એ પછી રેકૉર્ડિંગ થયું. લોકો સ્ટુડિયો પાસે એકઠા થઈ ગયા હતા કે લતાજી આવ્યાં છે."
 
"એ વખતે તેમણે કહ્યું હતું કે હું કામ કરતી વખતે કોઈને મળીશ નહીં. રેકૉર્ડિંગ પૂરું થયા પછી તેમણે પોતે જે ગાયું છે તે સાંભળ્યું ઉપરાંત મારું અને હેમાનું ગીત પણ સાંભળ્યું. અમારું સાંભળીને ખુશ થયાં. કેટલીક વ્યવહારુ વાતો પણ તેમણે હેમા સાથે કરી. હેમાને કહ્યું કે તુમ્હારા ગલા ખરાબ હો જાતા હૈ તો ક્યા કરતી હો?"
 
 
વૈષ્ણવજન તો તેને રે કહીએ... ગાવા માટે લતાજીએ મહેનતાણું ઓછું લીધું
 
ગુજરાતી ફિલ્મ 'દુખિયાના બેલી બાપા સીતારામ' માટે લતા મંગેશકરે નરસિંહ મહેતાનું પ્રભાતિયું 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' ગાયું હતું.
 
એ ફિલ્મના ડિરેક્ટર અમર સોલંકી ઉર્ફે ડેનીએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "અમારી ઇચ્છા હતી કે ફિલ્મમાં 'વૈષ્ણવજન તો તેને રે કહીએ...' એ લતા મંગેશકરના અવાજમાં રેકૉર્ડ કરીએ. અમારી ફિલ્મના સંગીતકાર પંકજ ભટ્ટને જણાવ્યું તો તેમણે કહ્યું કે લતાજીનું મહેનતાણું તો મોટું છે. અમારી ફિલ્મના નિર્માતા ભૂપતભાઈ બોદરે કહ્યું કે ભલે પૈસા લે."
 
"એ પછી લતાજીને પ્રસ્તાવ મૂક્યો તો તેમણે ગાવા માટે પ્રસન્નતા વ્યક્ત કરી અને ગાવા માટે પૈસા પણ ઓછા કર્યા. ત્યારપછી વૈષ્ણવજનનો મ્યુઝિક ટ્રૅક તૈયાર થયો ત્યારે લતાજી સ્ટુડિયોમાં આવ્યાં હતાં. એ ટ્રૅકની કૅસેટ લતાજી ઘરે લઈ ગયાં. સાંભળીને રિયાઝ વગેરે કર્યા બાદ દસ-બાર દિવસ પછી એનું રેકૉર્ડિંગ થયું."
 
"કહેવાનો મતલબ એ છે કે લતાજી કેટલાં ચીવટવાળાં હતાં. તેઓ મ્યૂઝિક ટ્રૅક તૈયાર થતો હતો ત્યાં હાજર રહ્યાં. ગીત સાંભળ્યું, રિયાઝ વગેરે થયો એ પછી તેમણે રેકૉર્ડ કર્યું. આજના ગાયકો આવું કરતા નથી."
 
ગુજરાતી ગાયક - સંગીતકારો અવિનાશ વ્યાસ હોય કે પુરુષોત્તમ ઉપાધ્યાય- લતાજીએ તેમની સાથે નોંધપાત્ર પણ કામ કર્યું હતું.