શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 29 જુલાઈ 2019 (16:27 IST)

Man Vs Wild: તો શું નરેન્દ્ર મોદી પુલવામા હુમલા વખતે બૅયર ગ્રીલ્સ સાથે આ 'ફિલ્મ'નું શૂટિંગ કરી રહ્યા હતા?

Man Vs Wild: તો શું નરેન્દ્ર મોદી પુલવામા હુમલા વખતે બૅયર ગ્રીલ્સ સાથે આ 'ફિલ્મ'નું શૂટિંગ કરી રહ્યા હતા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિખ્યાત સર્વાઇવલ ઇન્સ્ટ્રક્ટર બૅયર ગ્રીલ્સ આગામી સમયમાં ડિસ્કવરી ચેનલની પ્રખ્યાત ટીવી સીરિઝ 'Man Vs Wild'માં જોવા મળશે.
'મૅન Vs વાઇલ્ડ'ના અધિકૃત ટ્વિટ્ટર એકાઉન્ટ પર આગામી એપિસોડનું ટીઝર રજૂ કરાયું છે.
 
ટીઝરમાં જણાવ્યું છે, "180 દેશોના લોકોને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એક જુદી જ બાજુ જોવા મળશે."
"પ્રાણીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવા તેઓ ભારતના જંગલમાં જવાનું સાહસ કરશે." ટીઝરમાં બૅયર મોદીને એવું કહેતા પણ સાંભળવા મળે છે, 'તમે ભારતની સૌથી મહત્ત્વની વ્યક્તિ છો, મારી ફરજ તમને જીવતા રાખવાની છે'આ એપિસોડ ડિસ્કવરી ચેનલ પર 12 ઑગસ્ટની રાતે 9 વાગ્યે રજૂ થશે. જોકે, આ ટીઝર સાથે જ કૉંગ્રેસના એ દાવાએ ફરીથી ચર્ચા જગાવી છે, જેમાં પુલવામા હુમલા બાદ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જિમ કૉર્બેટ્ટ નેશનલ પાર્કમાં શૂટિંગ ચાલુ રાખવાનો આરોપ લગાવાયો હતો.
 
એ વખતે એક પત્રકારપરિષદ યોજીને કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આરોપ લગાવ્યો હતો,
"જ્યારે આખો દેશ જવાનોનાં મૃત્યુના આઘાતમાં હતો ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કૉર્બેટ નેશનલ પાર્કમાં એક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. નૌકાવિહાર કરી રહ્યા હતા અને મગરોને નિહાળી રહ્યા હતા."
સૂરજેવાલાએ એવો પણ આરોપ લગાવ્યો હતો, "એ દિવસે ફિલ્મનું શૂટિંગ સાડા છ વાગ્યા સુધી ચાલ્યું હતું. તેમણે પોણા સાત વાગ્યે ચા અને નાસ્તો કર્યો હતો."
"આ ભયાનક વાત છે કે આવા હુમલાના ચાર કલાક બાદ પણ મોદી પોતાના પ્રચારપ્રસાર, બ્રાન્ડિંગ, ફોટોશૂટ તેમજ નાસ્તો કરવામાં વ્યસ્ત હતા."
તેમણે એવું પણ કહ્યું હતું, "શહીદોના અપમાનનું જે ઉદાહરણ શ્રી નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલા બાદ રજૂ કર્યું એવું કોઈ ઉદાહરણ દુનિયા આખીમાં નથી."
વડા પ્રધાને પણ આ ટ્વીટને શૅર કરતા લખ્યું, "ભારત-જ્યાં તમે લીલાં જગલો, સુંદર પવર્તો, નદી અને વાઇલ્ડ લાઇફ જોઈ શકો છો. આ કાર્યક્રમને જોઈને ભારત આવવાનું તમારું મન કરશે. ભારત આવવા માટે આભાર બૅયર"
 
આ ટીઝર રજૂ થયા બાદ ટ્વિટર પર #PMModionDiscovery નો ટ્રૅન્ડ જોવા મળ્યો હતો.
'દલિત કૉંગ્રેસ'ના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરાયું, "હવે દુનિયા સત્ય જાણશે. જ્યારે પુલવામામાં હુમલો થઈ રહ્યો હતો અને આપણા જવાનો દેશ માટે જીવ આપી રહ્યા હતા ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બૅયર ગ્રીલ્સ સાથે ડિસ્કવરી પ્રોગ્રામ માટે શૂટિંગ કરી રહ્યા. પીએમ મોદી આ શરમજનક વાત છે."
 
કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી મહેબૂબા મુફ્તિએ આ અંગે ટ્વિટ કરતાં સમગ્ર કિસ્સાને પીઆર સ્કીલ માત્ર ગણાવી.
તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'જનસંપર્કના કૌશલ્યના અગ્રણી' પણ ગણાવ્યા.
 
સજીવ શ્રીવાસ્તવે પુલવામા હુમલાના સંદર્ભે ટ્વીટ કર્યું કે "જ્યારે આ ફિલ્મ જુઓ ત્યારે યાદ રાખજો કે મોદી શું કરી રહ્યા હતા."