શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2019 (10:52 IST)

એ સસ્તા આહાર જે બાળકોમાં તંદુરસ્તી લાવી શકે છે

ત્રણ બહુ સરળતાથી અને સસ્તી મળતી વસ્તુઓ એવી છે જે બાળકોનું કુપોષણ ઝડપથી દૂર કરી શકે છે.
અમેરિકાની વૉશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ ત્રણ વસ્તુઓ છે-મગફળી, ચણા અને કેળાં.
આ ત્રણ વસ્તુઓમાંથી બનેલા આહાર ખાવાથી આંતરડાંમાં રહેતાં ઉપયોગી જીવાણુઓની સ્થિતિમાં સુધારો થાય છે. જેનાથી બાળકોનો વિકાસ ઝડપથી થાય છે.
બાંગ્લાદેશમાં ઘણાં કુપોષિત બાળકો પર થયેલા અભ્યાસનાં તારણો મુજબ ફાયદાકારક જીવાણુઓની સંખ્યા વધવાથી બાળકોનાં હાડકાં મજબૂત થાય છે, મગજ તેમજ સમગ્ર શરીરના વિકાસમાં મદદ મળે છે.
વર્લ્ડ હૅલ્થ ઑર્ગેનાઇઝેશનના મતે બાળકોમાં કુપોષણની સમસ્યા સમગ્ર વિશ્વમાં ચિંતાનો વિષય છે.
વિશ્વમાં 15 લાખથી વધુ બાળકો કુપોષણનો શિકાર છે. એવી સ્થિતિ છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરનાં જે બાળકોનાં મૃત્યુ થાય છે તેમાંથી અડધાં કુપોષણનાં કારણે હોય છે.
કુપોષિત બાળકો સામાન્ય બાળકોની સરખામણીએ નબળાં અને નાનાં કદનાં તો હોય જ છે, તે ઉપરાંત તેમના પેટમાં ફાયદાકારક બૅક્ટરિયા હોતાં નથી અથવા તો તેમની સંખ્યા બહુ જ ઓછી હોય છે.
 
 
સારાં બૅક્ટેરિયા વધારવા જરૂરી
આ સંશોધનના મુખ્ય સંશોધક જેફરી ગૉર્ડનનું માનવું છે કે કુપોષિત બાળકોના ધીમા વિકાસનું કારણ તેમની પાચનનળીમાં સારા બૅક્ટરિયાની કમી હોઈ શકે છે.
તો પછી આ સમસ્યાનું સમાધાન કઈ રીતે આવી શકે? અભ્યાસ કહે છે કે કોઈ પણ આહાર લઈ લેવાથી સ્થિતિ સુધરતી નથી.
વૈજ્ઞાનિકોએ બાંગ્લાદેશનાં સ્વસ્થ બાળકોના પેટમાં રહેલાં બૅક્ટેરિયાના પ્રકારની ઓળખ કરી.
જે બાદ તેમણે ઉંદર અને સુવરોમાં તેના પ્રયોગો કર્યા અને જોયું કે કયો ખોરાક લેવાથી આંતરડાંની અંદર આ બૅક્ટેરિયાની સંખ્યા વધે છે.
ત્યારબાદ તેમણે 68 મહિના સુધી 12 થી 18 મહિનાની ઉંમરનાં 68 બાંગ્લાદેશી બાળકોને અલગ અલગ પ્રકારનો આહાર આપ્યો.
જે બાળકોની તંદુરસ્તીમાં ફરક પડ્યો, તેમાં જાણવા મળ્યું કે સોયા, પીસેલી મગફળી, ચણા અને કેળાં છે, જેનાથી મદદ મળી.
તેમણે જાણ્યું કે આ આહારથી આંતરડાંમાં રહેતાં એ સુક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધી છે જે હાડકાં, મગજ અને રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે.
આ વિશેષ આહાર બનાવનારી ચીજો માત્ર સસ્તી જ નહીં પણ બાંગ્લાદેશના આહારમાં પણ તેનો સમાવેશ થયેલો છે. આ અભ્યાસ 'સાયન્સ' જર્નલમાં પ્રકાશિત થયો છે.
 
કુપોષણથી થયેલા નુકસાનની ભરપાઈ
વૉશિંગ્ટન યૂનિવર્સિટીના પ્રોફેસર જેફરી ગૉર્ડન અને ઢાકાના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ડાયરિયા રિસર્ચના તેમના સહયોગી જણાવે છે કે આ અભ્યાસનો હેતુ કુપોષિત બાળકોની તંદુરસ્તી સુધારવામાં સુક્ષ્મ જીવાણુઓની ભૂમિકાની તપાસ કરવાનો હતો.
ગોર્ડન કહે છે, "સુક્ષ્મ જીવાણુઓ એ નથી જોતાં કે કયાં કેળાં છે અને મગફળી કઈ છે તેઓ બસ તેની અંદરનાં પોષક તત્ત્વોનો ઉપયોગ કરે છે."
"આ ફૉર્મ્યુલા પ્રાણીઓ અને માણસો માટે સૌથી ઉપયોગી રહી છે અને તેણે કુપોષણથી થયેલા નુકસાનની ભરપાઈ કરી છે."
વધારે ચોખા અને મસૂરની દાળવાળા આહારે આમાં મદદ કરી નહીં અને કેટલાક કિસ્સાઓમાં તો પેટની અંદર રહેલાં જીવાણુઓને નુકસાન પણ કર્યું.
ગોર્ડન જણાવે છે કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે આ આહાર આટલો સફળ કેમ રહ્યો. હવે વધુ એક અભ્યાસ થઈ રહ્યો છે જેનાથી જાણી શકાશે કે ખોરાકની બાળકોનાં વજન અને કદ પર શું અસર પડે છે.
તેઓ કહે છે, "સુક્ષ્મ જીવોના આ માઇક્રોબાયોમની અસર માત્ર પેટ સુધી સીમિત નથી. તેનો સંબંધ માણસના સ્વાસ્થ્ય સાથે છે."
"હવે આગળ આપણે એ રીત શોધવી પડશે કે કેવી રીતે શરીરમાં આ માઇક્રોબાયોમને યોગ્ય સ્થિતિમાં રાખી શકાય."