1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 10 મે 2021 (17:17 IST)

કોરોના સામેનું 'મુંબઈ મૉડલ' : જેણે સૌથી અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાને ટક્કર આપી

કોરોના મહામારીમાં જ્યારે દેશમાં ઓક્સિજન, હૉસ્પિટલમાં પથારીઓ અને રેમડિસિવિર ઇન્જેકશનોની અફરાતફરી મચી હતી ત્યારે દેશમાં સૌથી વધારે કોરોના કેસનો લોડ ધરાવનાર મહારાષ્ટ્રમાં સ્થિતિ અલગ જ હતી.
 
ભારતની સુપ્રીમ કોર્ટે મુંબઈ મહાનગરપાલિકાની કોરોનામાં ઓક્સિજન મૅનેજમૅન્ટની કામગીરીનાં વખાણ કર્યાં અને એમ પણ કહ્યું કે કેન્દ્ર સરકાર અને દિલ્હી જુએ કે 'મુંબઈ મૉડલ'માં શું છે.
 
કોરોનાની બીજી લહેરમાં આખા દેશમાં કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ પણ જ્યાં સુધી વધારે કેસ છે એ મુંબઈમાં સ્થિતિ હાથ બહાર નહોતી ગઈ. આવું કેવી રીતે થયું?\
 
ઓક્સિજનનું 'મુંબઈ મૉડલ'
ઓક્સિજનનું 'મુંબઈ મૉડલ' સમજવા માટે આપણે થોડા પાછળ જવું પડશે. ગત વર્ષે મે-જૂનમાં કોરોના વાઇરસનો વ્યાપ પ્રબળ બન્યો ત્યારે હૉસ્પિટલોમાં ઓક્સિજનની માગ અચાનક વધવા લાગી હતી.
 
એ સમયે મુંબઈ મહાનગરપાલિકાના એડિશનલ કમિશનર પી. વેલારસુને ઓક્સિજનની વ્યવસ્થાઓનં સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તેઓ કહે છે કે, "હૉસ્પિટલમાં સામાન્ય રીતે આઈસીયુમાં ઓક્સિજન સપ્લાયની જરૂર પડતી હતી પરંતુ એ ધ્યાનમાં આવ્યું કે કોરોનામાં તેની ડિમાન્ડ ડબલ થઈ રહી છે. "
 
મ્યુનિસિપાલિટીએ 13 હજાર લીટરની ક્ષમતાવાળો પ્લાન્ટ શહેરમાં અને જમ્બો કોવિડ સેન્ટરમાં સ્થાપ્યો.
 
પી વેલારસુ કહે છે કે, "21 ઓક્સિજન ટૅન્કની પણ વ્યવસ્થા કરી લેવામાં આવી. આને કારણે ઓક્સિજન સપ્લાયમાં કોઈ ગરબડ ન થઈ. ઓક્સિજન ટૅન્કર મોડું પહોંચે તો પણ હૉસ્પિટલને ઓક્સિજન મળતો રહે એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી."
 
માર્ચ 2021માં મુંબઈમાં દરદીઓની સંખ્યા વધવા લાગી હતી. આની સાથે જ ઓક્સિજનની માગ પણ વધવા લાગી.
 
કોરોનાની પહેલી લહેરમાં ઓકિસજનની માગ 200થી 210 મેટ્રિક ટન હતી તે બીજી લહેરમાં 280 મેટ્રિક ટન સુધી પહોંચી પણ ઓક્સિજન ટૅન્કને કારણે હૉસ્પિટલો આ માગને પહોંચી વળી.
 
મુંબઈની ઓક્સિજન ટીમ
મુંબઈ મહાનગરપાલિકાએ કોરોનાની પહેલી લહેરમાંથી બોધ લીધો હતો કે ઓક્સિજન ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનશે અને આને લીધે જ ‘ઓક્સિજન ટીમ’ ઊભી કરવામાં આવી. આ ટીમે ઓક્સિજનની માગ, પુરવઠો, સપ્લાય અને સમયસર ડિલિવરીનું તંત્ર ધબકતું રાખ્યું.
 
એડિશનલ કમિશનર પી. વેલારસુ આગળ કહે છે કે, "ઓકિસજનના સુચારુ સંચાલન માટે ખાસ ટીમ બનાવવામાં આવી. ફૂડ ઍન્ડ ડ્ર્ગ્સ એડમિનિસ્ટ્રેશન, વૉર્ડ ઑફિસર ઉપરાંત એમાં ઓક્સિજનના ઉત્પાદકો સાથે સંકલન માટે છ અધિકારીની નિમણૂક કરવામાં આવી."
 
"એક અધિકારીને હૉસ્પિટલોમાં ઓક્સિજનની સ્થિતિની નિરંતર સમીક્ષાનું કામ સોંપવામાં આવ્યું. બે ઑફિસરની નિમણૂક વૉર્ડમાં ઓક્સિજનના સંચાલન માટે કરવામાં આવી."
 
તેઓ કહે છે કે, "ઓક્સિજન ટૅન્કરો અન્ય રાજ્યોમાંથી આવે છે એટલે એની સમજણ મેળવવામાં આવી અને હું એ જોતો કે ટૅન્કર ક્યારે આવે છે, ક્યાં જાય છે અને કઈ હૉસ્પિટલ સુધી ઓક્સિજન પહોંચે છે."
 
"એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં હૉસ્પિટલો તરફથી ઓક્સિજનો માટે ઇમર્જન્સી સંદેશા આવવાની શરૂઆત થઈ. સપ્લાય સમયસર થવો જરૂરી હતો. અમને મોડું થાય તે પોસાય તેમ ન હતું."
 
મુંબઈમાં ઓક્સિજનની કટોકટીની સ્થિતિ 17 એપ્રિલના રોજ આવી. છ હૉસ્પિટલોમાં ઓક્સિજન સપ્લાય ઓછો થઈ રહ્યો હતો અને માગ ખૂબ વધી જવાને કારણે ઓક્સિજન ઉપલબ્ધ ન હતો.
 
આ સમયે મહાનગરપાલિકાએ 168 કોરોના દરદીઓને જમ્બો કોવિડ સેન્ટરમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો.
 
પી. વેલારુસુ કહે છે કે, "આ છ હૉસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડરનો સપ્લાય અપૂરતો થયો એનું કારણ એ હતું કે સપ્લાયરને જ ઓક્સિજન મળી નહોતો રહ્યો. જોકે, આ સમસ્યાને તરત પારખી લેવામાં આવી બે દિવસમાં ઉકેલી દેવામાં આવી."
 
ઓક્સિજનની અછત સાથે એનો બગાડ પણ એક મહત્ત્વની બાબત ગણાય છે. મુંબઈ મહાનગરપાલિકાએ હૉસ્પિટલના ઓક્સિજન વપરાશનું મોનિટરિંગ નર્સ દ્વારા કરવામાં આવે એમ જણાવ્યું હતું. ઓક્સિજનનો ફ્લૉ ટાસ્ક ફોર્સે 93થી 95 રાખવાનું કહ્યું હતું.
 
કોરોના એકદમ વધવા માંડ્યો અને નાની હૉસ્પિટલોમાં ઓક્સિજનની કમીની શરૂઆત થઈ ગઈ. જોકે, મુંબઈની વ્યવસ્થા આને માટે તૈયાર હતી.
 
મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં અલગઅલગ છ સ્થળોએ 200 જેટલાં સિલિન્ડર પાર્ક કરાવ્યા હતા. એટલે જેવી માગ ઊભી થઈ કે તરત વાહનોમાં એ ઓક્સિજન હૉસ્પિટલ સુધી ઝડપથી પહોંચાડી શકાયો.
 
પી વેલારુસુ કહે છે કે, "અમે અગાઉ દિવસમાં એક વાર ઓક્સિજન સપ્લાય કરતા હતા. હવે દર 13થી 14 કલાકે ઓક્સિજન સપ્લાય કરવો પડે છે. મતલબ દિવસમાં બે વાર સપ્લાય કરવો પડે છે."
 
ઓક્સિજન પ્લાન્ટ બનશે
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ઓક્સિજનનો કોઈ પ્લાન્ટ નથી. મુંબઈ સુધી ઓક્સિજન અન્ય સ્થળોએથી જ પહોંચે છે.
 
મુંબઈ મહાનગરપાલિકા ત્રીજી લહેરની તૈયારી તરીકે મુંબઈમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની છે.
 
એડિશનલ કમિશનર પી. વેલારુસુ કહે છે કે, "મુંબઈની હૉસ્પિટલોમાં અને જમ્બો કોવિડ સેન્ટરમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરી રહ્યાં છીએ જે આગામી મહિનામાં ઍક્ટિવ થઈ જશે."
 
"મુંબઈ મહાનગરપાલિકા 12 હૉસ્પિટલોમાં 16 ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે જેની ક્ષમતા કુલ 45 મેટ્રિક ટનની હશે."
 
એપ્રિલના બીજા અઠવાડિયામાં કોરોના દરદીઓ માટે વૅન્ટિલેટર અને આઈસીયુ પથારીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો. 13 એપ્રિલ સુધીમાં તો શહેરમાં ફક્ત 15 વૅન્ટિલેટર અને 51 આઈસીયુ બેડ બચ્યા હતા.
 
એડિશનલ કમિશનર સુરેશ કાકાણી કહે છે કે, "માર્ચના અંતમાં આઈસીયુ બેડ ઓછાં હતાં. એ વખતે 1200 આઈસીયુ બેડ હતા જે હવે 3000 છે."
 
મુંબઈ મહાનગરપાલિકાએ 100 નવા વૅન્ટિલેટરો ખરીદવાની પ્રક્રિયા પૂરી કરી છે અને હજી અન્ય 100 વૅન્ટિલેટર ખરીદવામાં આવશે એમ કહે છે.
 
મુંબઈમાં લોકો સોશિયલ મીડિયા થકી બેડની માગણી કરે છે. મહાનગરપાલિકાનું કોવિડ ડેશબોર્ડ સતત અપડેટ કરવામાં આવે છે જેથી લોકોને માહિતી મળી રહે. કોવિડ ડેશબોર્ડને કાર્યરત રાખવાનો ચાર્જ મુંબઈના એડિશનલ કમિશનર અશ્વિની ભીડેને આપવામાં આવ્યો છે.
 
એડિશનલ કમિશનર સુરેશ કાકાણી કહે છે કે:
 
"ગત ડિસેમ્બરમાં દરદીઓની સંખ્યા ઘટવા લાગી હતી પણ પથારીઓની સંખ્યા વધારતા રહેવામાં આવી. જમ્બો સેન્ટરમાં પથારીઓની સંખ્યા પણ જાળવી રાખવામાં આવી. આને કારણે એપ્રિલમાં કેસમાં મોટો વધારો છતાં પથારીઓ પૂરતી રહી."
 
હાલ મુંબઈમાં 30 હજાર પથારીઓની સગવડ છે જેમાં 12 હજાર પથારીઓ ઓક્સિજન સાથેની છે.
 
પથારીઓ પૂરી પાડવા માટેનો વૉર રૂમ
બીજી લહેર વખતે મુંબઈમાં દરદીઓને પથારીની સગવડ માટે વૉર્ડ મુજબ વૉરરૂમ ઊભાં કરવામાં આવ્યાં.
બીજી લહેર વખતે મુંબઈમાં દરદીઓને પથારીની સગવડ માટે વૉર્ડ મુજબ વૉરરૂમ ઊભાં કરવામાં આવ્યાં.
 
મુંબઈમાં કોરોનાની પહેલી લહેર વખતે એક કંટ્રોલરૂમ હતો જેના કારણે અસમંજસની સ્થિતિ સર્જાઈ હતી. સોશિયલ મીડિયામાં પણ લોકોએ ફરિયાદ કરી કે કંટ્રોલરૂમ સરખી રીતે કાર્ય નથી કરી રહ્યો.
 
બીજી લહેર વખતે કેસોની સંખ્યા ઘણી હતી અને એક કંટ્રોલરૂમથી કામ ચાલી શકે એમ જ ન હતું. એટલે દરદીઓને પથારીની સગવડ માટે વૉર્ડ મુજબ વૉરરૂમ ઊભાં કરવામાં આવ્યાં.
 
કાકાણી કહે છે કે, "દરેક વૉર્ડનો વૉરરૂમ દરરોજ 500 જેટલા કૉલ રિસીવ કરે છે. લોકો પથારી માટે અને અન્ય મદદ માગે છે. આનો લાભ એ થયો કે દરદીને તેમના વિસ્તારમાં જ પથારી આપવામાં આવે છે."
 
"દરેક વૉર્ડમાં વૉરરૂમ બનવાનો લોકોને ફાયદો થયો. એમને આસપાસની મદદ પણ મળી રહી. ઘણી વાર પથારી આપવામાં મોડું થયું પંરતુ પથારી નહીં મળવાને કારણે કોઈ મૃત્યુ ન થયું."
 
કોરોનાની બીજી લહેરમાં દવાઓની માગમાં પણ મોટો વધારો થયો. ખાસ કરીને, રેમડિસિવર, તોસિલોઝુબની માગ અચાનક વધી. આને લઈને અસમજંસ ભરી સ્થિતિ સર્જાઈ.
 
ગુજરાતમાં રેમડિસિવિરની માગને લઈને ઘણી અફરાતફરી મચી હતી.
 
મુંબઈમાં રેમડિસિવરનું આયોજન કેવી રીતે કર્યું એ અંગે સુરેશ કાકાણી કહે છે કે, "બે લાખ રેમડિસિવર માટેનું ટૅન્ડર આપી દેવામાં આવ્યું હતું. જ્યારે અઠવાડિયાની માગ 15થી 20 હજારની હતી ત્યારે દર અઠવાડિયે 50 હજાર રેમડિસિવિર મળે એ રીતે આયોજન કર્યું હતું."
 
ધારાવી મૉડલ
મુંબઈ મહાનગરપાલિકાના ધારાવી મૉડલની વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ પ્રશંસા કરી છે. એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તારમાં કોરોનાને કાબૂમાં કરવામાં આવ્યો હતો.
 
ધારાવીમાં ઘરમાં આઇસોલેશન શક્ય જ ન હતું અને મહાનગરપાલિકાએ સંદિગ્ધ અને પૉઝિટિવ દરદીઓને ક્વૉરેન્ટીન સેન્ટરમાં શિફ્ટ કર્યાં હતા.
 
આશાવર્કરો, આંગણવાડી વર્કરો અને આરોગ્યકર્મીઓ દ્વારા ધારાવીના 10 લાખ લોકોનો ઘરેઘરે જઈને સરવે કરવામાં આવ્યો જે હજી પણ ચાલે છે.