શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 એપ્રિલ 2019 (09:27 IST)

આજથી શરૂ થતી ગુજરાતયાત્રામાં નરેન્દ્ર મોદી આપશે ચૂંટણીપરીક્ષાના બે સૌથી 'અઘરા પેપર'

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ રાજ્યની મુલાકાતે હશે. આ દરમિયાન તેઓ ગૃહરાજ્યમાં બે 'સૌથી અઘરાં' પેપર આપશે.
આણંદની બેઠક ઉપરથી કૉંગ્રેસે ભરતસિંહ સોલંકીને ઉતાર્યા છે, જ્યારે અમરેલીની બેઠક ઉપરથી પરેશ ધાનાણી ઉમેદવાર છે.
બે દિવસની યાત્રા દરમિયાન મોદી હિંમતનગર, સુરેન્દ્રનગર, આણંદ અને અમરેલી ખાતે જાહેરસભાઓ સંબોધશે.
ગત લોકસભામાં ભાજપને રાજ્યની તમામ 26માંથી 26 બેઠક મળી હતી, પરંતુ જો વિધાનસભા ચૂંટણીના પર્ફૉર્મન્સની સરખામણીએ પાર્ટીનું પ્રદર્શન જોવામાં આવે, તો આ વખતે ભાજપ માટે કપરાં ચઢાણ હશે.
 
આત્મવિશ્વાસથી ભરપૂર ભરતસિંહ સોલંકી
આ બેઠક ઉપરથી કૉંગ્રેસના ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે. તેમને વિશ્વાસ છે કે આ બેઠકને ભાજપ પાસેથી ખૂંચવી લેવામાં સફળતા મળશે.
સોલંકીનું કહેવું છે કે જો આ બેઠક ઉપરથી કૉંગ્રેસ ન જીતી શકે તો કોઈ પણ બેઠક ઉપરથી જીતી નહીં શકે.
2004 અને 2009માં સોલંકી આ બેઠક ઉપરથી વિજેતા થયા હતા અને લોકસભામાં આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2014માં ભાજપે આણંદ સહિત ગુજરાતની તમામ 26 બેઠક ઉપર વિજય મેળવ્યો હતો.
ભાજપે દિલીપ પટેલના સ્થાને મિતેષ પટેલને તક આપી છે. આ બેઠક ઉપર ભાજપનો ત્રણ વખત (1989,1999 અને 2014) વખત જ્યારે કૉંગ્રેસનો 10 વખત વિજય થયો છે.
સોલંકીના નાના ઇશ્વરસિંહ સોલંકી 1980થી 1998 દરમિયાન આ બેઠક ઉપર પાંચ વખત વિજેતા થયા હતા.
વરિષ્ઠ પત્રકાર રાજ ગોસ્વામી કહે છે, "ગાંધી પરિવાર માટે જે સ્થાન અમેઠી કે રાયબરેલીનું છે, તે સ્થાન સોલંકી પરિવાર માટે આણંદનું માની શકાય."
 
આણંદની રાજકીય પરિસ્થિતિ
1946માં અમૂલની સ્થાપના થઈ
આણંદ જિલ્લામાં વિધાનસભાની સાત બેઠકો આવેલી છે. જેમાં આણંદ, ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, પેટલાદ અને સોજીત્રાનો સમાવેશ થાય છે.
ઉમરેઠ અને ખંભાતમાં ભાજપ પાસે છે, જ્યારે આણંદ, બોરસદ, આંકલાવ, પેટલાદ અને સોજીત્રા બેઠક કૉંગ્રેસ પાસે છે.
કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા આંકલાવની બેઠક ઉપરથી ધારાસભ્ય છે, તેઓ સોલંકીના પિત્રાઈ ભાઈ થાય છે.
સોલંકી ઓબીસી (અધર બૅકવર્ડ ક્લાસ) ક્ષત્રિય ઠાકોર સમાજના છે. અહીં ઠાકોરોના સાત લાખ 50 હજાર મત છે, જ્યારે પટેલ સમાજના બે લાખ 42 હજાર મત છે. મુસ્લિમ સમાજના એક લાખ 70 હજાર મત છે.
જિલ્લાની કુલ વસતિ 20,92,745 લોકોની છે, જેમાંથી મહિલાઓની સંખ્યા 10,05,521 અને પુરુષોની સંખ્યા 10,87,224 છે. જિલ્લાની કુલ વસતિના 14,57,758 લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે.
જિલ્લામાં 1000 પુરુષોની સરખામણીએ 925 સ્ત્રીઓ છે અને સાક્ષરતા દર 84.37 ટકા છે. આ જિલ્લાના સંખ્યાબંધ લોકો દાયકાઓથી વિદેશમાં સ્થાયી થયા છે.
 
તેથી આ વિસ્તારને 'ડૉલરિયો દેશ' એવી ઉપમા પણ મળી છે. જિલ્લામાં પાટીદાર સમુદાયનું વિશેષ પ્રભુત્વ છે.
વિશાળ એનઆરઆઈ સમુદાયની અસર આ વિસ્તારમાં ઉપલબ્ધ સુવિધાઓ અને રહેણીકરણી પર પણ જોવા મળે છે.
અમૂલ મારફત ભારતમાં શ્વેતક્રાંતિના બીજ આણંદમાં રોપાયાં હતા. અમૂલને કારણે 18 હજાર ગામોનાં 36 લાખ ખેડૂતોનાં જીવનમાં આમૂલ આર્થિક પરિવર્તન આણી શકાયું છે.
સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રસિદ્ધ પંથ BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન) પણ આ જિલ્લાના બોચાસણ ગામમાં મૂળિયા ધરાવે છે.
મોદી, રાહુલ અને અમરેલી
હાર્દિક પટેલImage copyrightANI
ફોટો લાઈન
અમરેલીની બેઠક ઉપર કૉંગ્રેસના મતોને હાર્દિક તરફ વાળવામાં હાર્દિક પટેલ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે
સોમવારે કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ મહુવા ખાતે જાહેરસભા સંબોધી. આ રીતે તેમણે ભાવનગર, જૂનાગઢ અને અમરેલીના મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો.
અમરેલીની બેઠક ઉપરથી ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી કૉંગ્રેસની ટિકિટ ઉપર ઉમેદવાર છે.
જાહેરસભામાં ગાંધીએ દેશના પાંચ કરોડ ગરીબ પરિવારોને 'ન્યાય' (ન્યૂનતમ આય યોજના) હેઠળ વાર્ષિક રૂ. 72 હજાર આપવાની જાહેરાત કરી હતી.
વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "કૉંગ્રેસને સૌરાષ્ટ્ર વિસ્તારમાં શક્યતાઓ દેખાય છે એટલે રાહુલ ગાંધીના કાર્યક્રમનું આયોજન કર્યું હોય તેવું સ્પષ્ટ જણાય છે."
અમરેલીની સાતમાંથી પાંચ બેઠકો પર કૉંગ્રેસનો વિજય થયો હતો.
અમરેલીની બેઠક પર ધાનાણીની સામે ભાજપે નારણભાઈ કાછડિયાને ઉતાર્યા છે. બંને લેઉઆ પાટીદાર સમાજના છે. આ બેઠક ઉપર લગભગ 25 ટકા મત પાટીદાર સમાજના છે.
પાકવીમો, પાણી અને પાટીદાર ફૅક્ટર અમરેલીમાં ભાજપ વિરુદ્ધ જઈ શકે છે.
તાજેતરમાં કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલ આ બેઠક ઉપર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
ગત વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસને સૌરાષ્ટ્ર-કચ્છની 54માંથી 30 બેઠક મળી હતી.