બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: નરેન્દ્ર તનેજા , શનિવાર, 4 જાન્યુઆરી 2020 (17:28 IST)

કમાન્ડર સુલેમાનીના મૃત્યુથી ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે?

અમેરિકાની સૈન્ય કાર્યવાહી બાદ મધ્ય-પૂર્વમાં જે તણાવ ઉત્પન્ન થયો છે, તેનાથી ક્રૂડઑઈલ જગત પણ ચિંતિત છે. આખી દુનિયાનું 30% ક્રૂડઑઈલ મધ્ય-પૂર્વથી આવે છે. પરંતુ બજારમાં ક્રૂડઑઈલની માગ અને પુરવઠાનો મામલો ખૂબ મજબૂત છે. એટલે કે ક્રૂડઑઈલની જેટલી માગ છે, તેનાથી વધારે ક્રૂડઑઈલ બજારમાં ઉપલબ્ધ છે.
 
નૉન ઓપેક દેશોની સાથે અન્ય દેશોમાં પણ ક્રૂડઑઈલ ઉપલબ્ધ છે. જેમ કે ભારત હવે અમેરિકાથી પણ ક્રૂડઑઈલની આયાત કરે છે.
 
અમેરિકાની કાર્યવાહી બાદની સ્થિતિ પર નજર કરીએ તો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ નહીં ઇચ્છે કે આ સ્થિતિ યુદ્ધમાં પરિવર્તિત થાય.
 
કેમ કે આ વર્ષે અમેરિકામાં ચૂંટણી યોજાવાની છે અને એ વાતનું હંમેશાં ધ્યાન રાખવામાં આવે છે કે જ્યારે ચૂંટણીનો સમય હોય, ત્યારે ક્રૂડઑઈલની કિંમતો પર નિયંત્રણ જાળવવામાં આવે છે.
 
જો અમેરિકામાં ક્રૂડઑઈલની કિંમતો વધશે, તો ટ્રમ્પ ચૂંટણી હારી શકે છે અને ટ્રમ્પ એવું નહીં ઇચ્છે.
 
ઈરાનના જનરલ સુલેમાનીના સ્થાને કાની નવા કમાન્ડર જાહેર
શું કરી શકે છે ઈરાન?
 
ઈરાનની પણ આર્થિક સ્થિતિ એવી છે કે તે નહીં ઇચ્છે કે અમેરિકા સાથે યુદ્ધ થાય.
 
પરંતુ એ વાત પણ નોંધનીય છે કે ઈરાન ક્રૂડઑઈલના ભંડારો મામલે કોઈ કાર્યવાહી કરવાનો ચોક્કસ પ્રયાસ કરશે.
 
પરંતુ અમેરિકાની આસપાસ કોઈ ક્રૂડઑઈલનો ભંડાર નથી એટલે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન સાઉદી અરેબિયા પર હુમલો ન કરી દે. આ મામલે હાલ ચિંતાનો માહોલ છે.
 
સાઉદી અરેબિયા, ઇરાક અને કુવૈત મધ્ય-પૂર્વના ત્રણ મોટા દેશ છે જેઓ ક્રૂડઑઈલના નિકાસકાર છે અને તેમનું તેલ હૉરમુઝથી નીકળે છે. આ એ જગ્યા છે જ્યાં ઈરાનનો દબદબો છે.
 
જોકે, એવું લાગતું નથી કે ઈરાન આ સપ્લાયને રોકશે અને ત્યાં બારુદી સુરંગ પાથરી દેશે.
 
કેમ કે ઈરાન હાલ વિદેશી મુદ્રા માટે ચીન પર નિર્ભર છે અને ચીન સાથે તેની કમાણી ક્રૂડઑઈલથી છે.
 
જો ઈરાન આ દેશોમાં ક્રૂડઑઈલની સપ્લાય રોકે છે, તો અમેરિકા પણ તેને ચીન સુધી ક્રૂડઑઈલ મોકલવા નહીં દે. એટલે ઈરાન પાસે એ વિકલ્પ નથી.
 
વધુમાં વધુ એવું બની શકે છે કે ઈરાન મિસાઇલ કે ડ્રોનથી હુમલો કરે. એટલે દુનિયામાં ક્રૂડઑઈલની સપ્લાયમાં કોઈ અવરોધ ઊભો થઈ જશે, એવું લાગતું નથી.
 
ઈરાન કંઈક કરશે, તેના મામલે ચિંતા છે. પરંતુ ત્યાં સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહેશે, એવું લાગતું નથી. ક્રૂડઑઈલના ભાવ વધી જશે, એવું પણ લાગતું નથી.
 
 
ભારત પર સૌથી વધારે સંકટ
 
ભારત અમેરિકા અને રશિયાથી પણ ક્રૂડઑઈલ મગાવે છે. પરંતુ ભારત સૌથી વધારે ક્રૂડઑઈલ મધ્ય પૂર્વના દેશોથી મગાવે છે અને તેમાં ઇરાકનો નંબર સૌથી પહેલો છે.
 
આ સિવાય ભારત સાઉદી અરેબિયા, ઓમાન અને કુવૈતથી પણ ક્રૂડઑઈલ મગાવે છે.
 
ભારતને એ વાતની ચિંતા નથી કે ક્રૂડઑઈલની સપ્લાય ઘટશે. ભારતની ચિંતા ક્રૂડઑઈલના ભાવ મામલે છે. હાલ ક્રૂડઑઈલના ભાવ પ્રતિ બેરલ 3 ડૉલર વધી ગયા છે.
 
ભારતીય અર્થવ્યવસ્થા માટે પ્રતિ બેરલ ત્રણ ડૉલર કિંમત વધી જવી એ ખૂબ મોટી વાત છે.
 
ભારતમાં જે સામાન્ય વર્ગ છે, જે પેટ્રોલ અને ડિઝલ ખરીદે છે અથવા એલપીજી ખરીદે છે અથવા તો કંપનીઓ જે ક્રૂડઑઈલ પર નિર્ભર છે, તેમના માટે આ સારા સમાચાર નથી.
 
અમેરિકાની આ કાર્યવાહીની અસર ભારતીય લોકોનાં ખિસ્સાં પર પડવાની છે કેમ કે આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલ અને એલપીજીના ભાવ વધવા નક્કી છે.
 
ભારતમાં ક્રૂડઑઈલની આપૂર્તિ તો થશે, પણ કિંમત વધશે.
 
સરકાર માટે એ પણ ચિંતાની વાત છે, કેમ કે ક્રૂડઑઈલના ભાવ એવા સમયે વધી રહ્યા છે, જ્યારે સરકાર સામે નાણાકીય નુકસાન એક પડકાર સમાન બની ગયું છે.
 
રૂપિયા પર પણ દબાણ વધશે. રૂપિયા માટે આ સારા સમાચાર નથી. આગામી દિવસોમાં ભારતીયો અને ભારતીય અર્થવ્યવસ્થાની ચિંતા વધવાની છે. અમેરિકાએ કાર્યવાહી ઇરાકમાં ઈરાન વિરુદ્ધ કરી છે, પરંતુ તેની સૌથી પ્રતિકૂળ અસર ભારત પર પડવાની છે.
 
 
ભારત આ પડકાર માટે કેટલું તૈયાર?
 
ભારત પાસે અમેરિકા જેવો વિકલ્પ નથી. અમેરિકા આજની તારીખમાં 12 મિલિયન બેરલ ક્રૂડઑઈલનું ઉત્પાદન કરે છે.
 
આ સિવાય દુનિયાની સૌથી મોટી ક્રૂડઑઈલ કંપનીઓ અમેરિકાની છે, જે સમગ્ર દુનિયામાં ક્રૂડઑઈલનું ખનન કરે છે. ક્રૂડઑઈલની આયાત-નિકાસ કરે છે, ક્રૂડઑઈલનું ઉત્પાદન કરે છે.
 
સમગ્ર દુનિયામાં ક્રૂડઑઈલનો વેપાર અમેરિકી ડૉલરમાં ચાલે છે અને અમેરિકાની તેમાંથી ઘણી કમાણી થાય છે.
 
બીજી તરફ ભારત 85% ક્રૂડઑઈલની આયાત કરે છે. ભારતમાં ક્રૂડઑઈલની માગ પણ સતત વધી રહી છે. ક્રૂડઑઈલની માગ પ્રતિવર્ષ ચારથી પાંચ ટકા વધી રહી છે. ગાડીઓની સંખ્યા પણ વધી રહી છે.
 
85% ક્રૂડઑઈલ સિવાય ભારત 50% ગૅસની પણ આયાત કરે છે. ઉજ્જવલા સ્કીમ અંતર્ગત ગામેગામ જે એલપીજી દેવામાં આવે છે, તેની પણ આયાત થાય છે.
 
દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારત એક એવો દેશ છે, તે આયાત કરવામાં આવેલા ક્રૂડઑઈલ અને આયાત કરાયેલા ગૅસ પર ખૂબ વધારે નિર્ભર છે. ચીન લગભગ 50% છે.
 
એટલે મધ્ય-પૂર્વમાં જ્યારે પણ કોઈ ઘટના ઘટે છે, ભારત પર સંકટનાં વાદળ ઘેરાવા લાગે છે. ભારતની અર્થવ્યવસ્થા ઑઇલ ઇકૉનૉમી છે. ભારતે વૈકલ્પિક ઊર્જા જે રીતે અપનાવવાની જરૂર હતી, તે રીતે કરી નથી.
 
આપણે હાલ કોલસાની આયાત કરીએ છીએ, યુરેનિયમની આયાત કરીએ છીએ, સૌર ઊર્જા માટે જે ઉપકરણો છે, તેની પણ આયાત કરવામાં આવે છે.
 
 
બીજા કયા દેશો પર અસર?
 
જ્યારે ક્રૂડઑઈલના ભાવ વધે છે, વિકાસશીલ અર્થવ્યવસ્થા પર તેની ખૂબ ઊંડી અસર જોવા મળે છે.
 
રશિયાની વાત કરીએ તો તેની પાસે ખૂબ ક્રૂડઑઈલ છે. બ્રાઝિલ પાસે પણ પોતાનું ક્રૂડઑઈલ છે. ચીનની નિર્ભરતા 50% છે. ચીન પાસે પોતાનું એટલું ક્રૂડઑઈલ નથી. પરંતુ તેણે દુનિયામાં ક્રૂડઑઈલના ભંડાર ખરીદ્યા છે.
 
જાપાન પણ લગભગ 100% ક્રૂડઑઈલ આયાત કરે છે. પરંતુ તેણે પણ દુનિયામાં ક્રૂડઑઈલના ભંડાર ખરીદ્યા છે અને તે વિકસિત અર્થવ્યવસ્થા છે. જ્યારે પણ હાલ જેવી સ્થિતિ ઊભી થાય છે, ત્યારે સૌથી વધારે ખતરો ભારત માટે જ ઉત્પન્ન થાય છે. ભારતની ઊર્જાનીતિ એવી નથી, જેનાથી ક્રૂડઑઈલ પર નિર્ભરતા ઓછી થઈ શકે.
 
પાકિસ્તાન પર અસર
 
પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અંદરથી ભાંગી પડી છે. તેની અર્થવ્યવસ્થા ખૂબ નાની છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા માત્ર 280 બિલિયન ડૉલરની છે.
 
જો તમે રિલાયન્સ ગ્રૂપ અને ટાટાનું ટર્નઓવર ગણી લો, તો તે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સમાન હશે.
 
પાકિસ્તાન પણ ભારતની જેમ ક્રૂડઑઈલ માટે આયાત પર જ નિર્ભર છે.
 
પરંતુ પાકિસ્તાન એક ઇસ્લામિક દેશ છે, એટલે જે મુસ્લિમ દેશોમાં ક્રૂડઑઈલનું ઉત્પાદન થાય છે, ખાસ કરીને સાઉદી અરેબિયા, તે બધા દેશો પાકિસ્તાનને સારી શરતો પર ક્રૂડઑઈલ આપે છે.
 
આ દેશો પાકિસ્તાનની ક્રૂડઑઈલની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે.
 
એટલે પાકિસ્તાનની સ્થિતિ થોડી સારી છે. એ વાત છે કે પાકિસ્તાનને પેમેન્ટ કરવામાં થોડી મુશ્કેલી પડે છે, પરંતુ તેમાં પણ તેને રાહત મળે છે.
 
 
ઇરાક શું કરી શકે છે?
 
ઇરાક અમેરિકા વગર આગળ વધી શકતું નથી. ઇરાકની અર્થવ્યવસ્થા ક્રૂડઑઈલ પર જ ચાલે છે. ઇરાક ક્રૂડઑઈલનું ઉત્પાદન વધારવા માગે છે અને તેના માટે તેને અમેરિકાની જરૂર છે. ઇરાક ફરિયાદ કરશે, વિરોધ કરશે પરંતુ અમેરિકાની સામે ઇરાક ટકી શકતું નથી. અમેરિકાએ જે કંઈ કર્યું છે, તે જરૂરી નથી કે તે ઇરાકને પૂછીને કરે છે.
 
તે પોતાના હિસાબે ગમે તેમ કરે છે. જેવું તેમણે પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનના મામલે કર્યું હતું.
 
એટલે ઇરાક આ મામલે વધારે કંઈ કરી શકશે નહીં. તેની પાસે ક્રૂડઑઈલના ભંડાર છે, પરંતુ તે એક નબળો દેશ છે.