શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રેહાન ફઝલ|
Last Updated : રવિવાર, 14 એપ્રિલ 2019 (07:52 IST)

રાહુલ ગાંધી બદલાયેલા બદલાયેલા લાગે છે! જાણો કેવી રીતે પડયું નામ પપ્પુ

ઇંદિરા ગાંધી કૉંગ્રેસનાં અધ્યક્ષા બન્યાં ત્યારે તેમની ઉંમર ફક્ત 42 વર્ષની હતી. સંજય ગાંધી પ્રથમ ચૂંટણી લડ્યા ત્યારે તેમની ઉંમર 30 વર્ષની જ હતી. રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તેમણે 36 દિવાળી જ જોઈ હતી.
રાહુલ ગાંધી 2004માં રાજકારણમાં સક્રિય થયા ત્યારે ભારતીય રાજનીતિ હિસાબે તેઓ હજી 'બાળક' જ હતા.
જોકે, તેમની ઉંમર 34 વર્ષની થઈ ગઈ હતી. મજાની વાત એ છે કે દેશના રાષ્ટ્રીય રાજકારણમાં દોઢ દાયકો કાઢી નાખ્યો, તે પછી પણ તેમને 'નાદાન' જ સમજવામાં આવતા હતા.
2008માં એક ઇન્ટરવ્યૂમાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે રાહુલ ગાંધીને બાળક ગણાવીને તેમને ભાવ ન આપવાની કોશિશ કરી ત્યારે તેમણે સારો જવાબ આપ્યો હતો.
'તમારી નજરમાં હું હજી બાળક જ હોઉં, તો તમને ગમે કે ના ગમે, તમે જાણી લો કે દેશની 70 ટકા વસતી પણ હજી બાળક જ છે.' ભારતના રાજકારણમાં આજે પણ યુવાનીને નાદાની સાથે જોડવામાં આવે છે.
જોકે, ભારતીય રાજકારણને નજીકથી જાણનારા વિશેષજ્ઞો હવે એ વાત માનશે કે રાહુલ ગાંધી બાળકના લેબલમાંથી બહાર નીકળી ગયા છે અને 2019ની ચૂંટણીમાં દેશના સર્વોચ્ચ પદ માટેના દાવેદાર પણ બન્યા છે.
લાઇન
ઇંદિરા ગાંધીના લાડકા હતા રાહુલ
નાનપણમાં દાદી ઇંદિરા ગાંધીને કામ કરતાં જોઈને રાહુલ ગાંધી રાજકારણના પાઠ શીખ્યા હતા.
19 જૂન 1970માં રાહુલ ગાંધીનો જન્મ થયો તેના થોડા દિવસો પછી ઇંદિરા ગાંધીએ અમેરિકામાં રહેતાં પોતાનાં સખી ડોરોથી નોર્મનને લખ્યું હતું, 'રાહુલના ચહેરાની કરચલીઓ જતી રહી છે, હજુ પણ તેના ડબલ ચિન છે ખરા.'
ઇંદિરા ગાંધીની જીવનકથા લખનારા કેથરિન ફ્રેન્કે લખ્યું છે, "વડાં પ્રધાનનાં નિવાસસ્થાનની લૉનમાં જનતા દર્શન માટે લોકો આવ્યા હોય અને ઇંદિરા ગાંધી તેમને મળવા જાય ત્યારે નાનકડાં પ્રિયંકા અને રાહુલને ઘણીવાર તેમની સાથે રહેતાં હતાં."
"ઘણી બધી વાર રાત્રે બન્નેને પોતાના ઓરડામાં જ સુવડાવી દેતાં હતાં.'
 
દૂન, સ્ટિફન્સ, હાર્વર્ડ અને કૅમ્બ્રિજમાં અભ્યાસ
રાહુલ ગાંધીએ પ્રાથમિક શિક્ષણ દૂન સ્કૂલમાં લીધું હતું. ત્યારબાદ દિલ્હીની જાણીતી કૉલેજ સેન્ટ સ્ટિફન્સમાં ભણ્યા. બાદમાં અમેરિકા જતા રહ્યા અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો હતો.
જોકે, સુરક્ષાના કારણોસર તેમણે હાર્વર્ડ છોડીને વિન્ટર પાર્ક, ફ્લૉરિડાની એક કૉલેજમાં દાખલ થવું પડ્યું હતું.
ત્યાંથી 1994માં તેમણે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિષયમાં ડિગ્રી મેળવી હતી. ત્યાંથી તેઓ કૅમ્બ્રિજ યુનિવર્સિટીની જાણીતી ટ્રિનિટી કૉલેજમાં પહોંચ્યા.
ટ્રિનીટી કૉલેજમાંથી તેમણે 1995માં 'ડેવલપમેન્ટ સ્ટડીઝ'માં એમ.ફિલ કર્યું હતું.
અભ્યાસ પૂર્ણ કર્યા બાદ લંડનની બ્રાન્ડ સ્ટ્રેટેજી માટે જાણીતી કંપની 'મૉનિટર ગ્રૂપ'માં નોકરી શરૂ કરી હતી. પોતાનું નામ બદલીને તેમણે આ કંપનીમાં ત્રણ વર્ષ સુધી નોકરી કરી હતી.
અહીં નોકરી કરતા હતા ત્યારે સહકર્મીઓને તેમની ઓળખનો અણસાર પણ આવ્યો નહોતો કે આ યુવાન ઇંદિરા ગાંધીના પૌત્ર છે.
2002માં રાહુલ ગાંધી ભારત પરત ફર્યા. કેટલાક લોકો સાથે મળીને મુંબઈમાં એક કંપની શરૂ કરી હતી, જેનું નામ હતું 'બેકૉપ્સ સર્વિસીઝ લિમિટેડ'.
2004માં લોકસભાની ચૂંટણી માટે તેમણે ઉમેદવારીપત્ર ભર્યું, તેમાં તેમણે લખ્યું હતું કે આ કંપનીમાં તેમના 83 ટકા શૅર છે.
અકીડોનો અભ્યાસ કરતા રાહુલ ગાંધીની આ તસવીર ડિસેમ્બર 2016ની છે
2008ના ઉનાળામાં ભારતના સૌથી જાણીતા બૉક્સિંગ કૉચ અને દ્રોણાચાર્ય ઍવૉર્ડ વિજેતા ઓમપ્રકાશ ભારદ્વાજ પર સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયામાંથી ફોન આવ્યો હતો.
તેમને જણાવાયું હતું કે 10, જનપથથી કોઈ તમારો સંપર્ક કરશે. થોડીવારમાં પી. માધવનનો ફોન આવ્યો અને તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી તમારી પાસેથી 
બૉક્સિંગ શીખવા માગે છે.
ભારદ્વાજ તે માટે તરત તૈયાર થઈ ગયા હતા.
રાહુલ ગાંધીની જીવનકથા લખનારા જતિન ગાંધી જણાવે છે, "ફી વિશે વાત કરવામાં આવી ત્યારે ભારદ્વાજે એટલી જ માગણી કરી કે મને ઘરેથી લાવવા અને મૂકી જવાની વ્યવસ્થા કરી આપજો."
"12 તુઘલક લૅન ખાતે ભારદ્વાજે રાહુલ ગાંધીને મુક્કેબાજીની તાલીમ આપી હતી."
"અઠવાડિયામાં ત્રણ દિવસ એમ ઘણાં અઠવાડિયા માટે તાલીમ ચાલી હતી. તે વખતે ઘણીવાર સોનિયા, પ્રિયંકા અને તેમનાં બાળકો માયરા અને રેહાન પણ રાહુલને ટ્રેનિંગ લેતા જોવા આવતાં હતાં."
"ભારદ્વાજ યાદ કરતા કહે છે કે તેઓ જ્યારે પણ રાહુલને સર અથવા રાહુલજી એવું કહેતા ત્યારે તેઓ ટોકતા અને કહેતા કે હું તમારો વિદ્યાર્થી છું, તમારે માત્ર રાહુલ જ કહેવાનું."
"એક વાર મને તરસ લાગી અને પાણી પીવું પડશે એમ કહ્યું ત્યારે ઘણા બધા નોકર હાજર હતા, તો પણ રાહુલ જાતે જઈને પાણી લઈ આવ્યા હતા. ટ્રેનિંગ પૂરી થઈ જાય પછી મને હંમેશાં દરવાજા સુધી મૂકવા આવતા હતા."
રાહુલ ગાંધી સાથે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીImage copyrightGETTY IMAGES
માત્ર બૉક્સિંગ નહીં, સ્વિમિંગ, સ્કવૉશ, પેરાગ્લાઇડિંગ અને નિશાનેબાજીની તાલીમ પણ રાહુલ ગાંધીએ લીધી હતી.
આજે પણ ગમે તેવી વ્યસ્તતા વચ્ચે કસરત માટે થોડો સમય કાઢી જ લે છે.
એપ્રિલ 2011માં મુંબઈમાં વર્લ્ડકપની મૅચ યોજાઈ હતી ત્યારે રાહુલ ગાંધી જોવા આવ્યા હતા.
તેઓ કેટલાક મિત્રો સાથે ચોપાટીની ન્યૂ યૉર્કર રેસ્ટોરાં પર પહોંચ્યા હતા અને પિઝા, પાસ્તા અને મૅક્સિકન ટોસ્ટાડાનો ઑર્ડર આપ્યો હતો.
રેસ્ટોરાંના મૅનેજરે બિલ લેવાનો ઇન્કાર કર્યો હતો, પણ તેમણે આગ્રહ કરીને 2,223 રૂપિયા ચૂકવી આપ્યા હતા.
આજે પણ ક્યારેક દિલ્હીના જાણીતા વિસ્તાર ખાન માર્કેટમાં રાહુલ ગાંધી કૉફી પીવા પહોંચી જાય છે.
આંધ્ર ભવનની કૅન્ટિનમાં પણ તેઓ ઘણીવાર દક્ષિણ ભારતીય થાળીનો સ્વાદ લેવા પહોંચી જાય છે.
.
રાહુલ ગાંધી પ્લૅટફૉર્મ પર પહોંચી ગયા અને ટ્રેનની રાહ જોઈ.
પોતાની આસપાસ ઊભેલા લોકો સામે તથા સામેના પ્લૅટફૉર્મ પર ઊભેલા લોકોનું હાથ હલાવીને અભિવાદન પણ કર્યું.
ટ્રેન આવી એટલે અંદર જઈને સીટ પર અન્ય મુસાફરની બાજુમાં જઈને બેસી ગયા.
સામે બેઠેલા લોકો સાથે હાથ મિલાવ્યા. ચારેય બાજુ શોરબકોર વચ્ચે મોબાઇલ પર ફોન આવ્યો તેમાં વાત પણ કરી.
ટ્રેનમાંથી તેઓ ઊતર્યા ત્યારે ત્યાં મીડિયા હાજર થઈ ગયું હતું, પણ તેમણે કોઈની સાથે વાત કરી નહોતી.
તેઓ એટીએમ પર ગયા અને ત્યાંથી કેટલાક પૈસા પણ કાઢ્યા.
 
હજી સુધી કુંવારા છે રાહુલ
48 વર્ષના રાહુલ ગાંધીએ હજુ સુધી લગ્ન નથી કર્યું. આ વિશે તેઓ વાત કરવાનું પણ ટાળે છે.
2004માં વૃંદા ગોપીનાથ સાથેની વાતચીતમાં તેમણે પ્રથમ વખત સ્વીકાર કર્યો હતો કે તેમની ગર્લફ્રૅન્ડનું નામ જ્વાનિતા નહીં, પણ વેરોનિક છે.
'તેઓ સ્પેનિશ નથી, પણ વેનેઝુએલાનાં છે. તે કોઈ રેસ્ટોરાંમાં વેઇટ્રેસ નથી, પણ આર્કિટેક્ટ છે. જોકે, તેઓ વેઇટ્રેસ હોત તો પણ મને કોઈ ફરક પડ્યો નહોત. તેઓ મારા સૌથી સારા મિત્ર છે.'
આ પછી પણ તેમની ગર્લફ્રૅન્ડ વિશે ચર્ચાઓ ચાલતી રહે છે, પણ કોઈ સ્પષ્ટ વાત બહાર આવી નથી.
રાહુલ ગાંધી સાથે જોડાઈ ગયું નામ 'પપ્પુ'
 
રાહુલ ગાંધી રાજકારણમાં નવા નવા હતા ત્યારે તેઓ બહુ સારા વક્તા નહોતા. તેઓ મોટા ભાગે સોનિયા ગાંધીની પાછળ ઊભા રહેતા હતા.
પ્રિયંકા ગાંધી હાથ હલાવીને ચાહકોને પ્રતિસાદ આપતાં, પણ રાહુલ હાથ પણ ઊંચો કરતા નહોતા.
તેઓ ભાગ્યે જ કશું બોલતા હતા, તેથી તેમને બોલવામાં તકલીફ છે એવી વાતો થવા લાગી હતી.
જોકે, તે વાત સાવ ખોટી હતી. ધીમે-ધીમે જમણેરીઓએ તેમને 'પપ્પુ' નામે બોલાવીને મજાક ઉડાવવાનું શરૂ કરી દીધું હતું.
શરુઆતમાં આવી છાપને દૂર કરવા માટેની કોઈ કોશિશ પણ રાહુલ ગાંધીએ કરી નહોતી. તે વખતે એક બોલિવુડ ફિલ્મ આવી હતી, 'પપ્પુ પાસ હો ગયા.'
2008માં પણ એક ફિલ્મનું ગીત ખૂબ પ્રખ્યાત થયું હતું 'પપ્પુ કાન્ટ ડાન્સ.'
એ જ વર્ષે દિલ્હી વિધાનસભાની ચૂંટણી વખતે ચૂંટણી પંચે 'પપ્પુ કાન્ટ વૉટ' એવી ઝુંબેશ ચલાવી હતી.
તેમાં કહેવાનો ભાવ એ હતો કે પપ્પુ એવો માણસ છે, જે જરૂરી કામ કરવાના બદલે ફાલતું બાબતોમાં પોતાનો સમય બગાડે છે.
રાહુલ ગાંધીના નેતૃત્વમાં કૉંગ્રેસ પક્ષ એક પછી એક રાજ્યમાં ભાજપ સામે હારવા લાગ્યો હતો.
ભાજપના ટેકેદારોમાં એવી મજાક ચાલતી હતી કે, 'અમારા ત્રણ પ્રચારકો છે, મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધી.'
કૉંગ્રેસમાં પણ શરૂઆતમાં તેમની પીઠ પાછળ તેમની મજાક ઉડાવાતી હતી. એવું કહેવાતું કે તમે ઝોલાવાળા હોવ અને વાળ વિખરાયેલા હોય તો તમને રાહુલ ગાંધીની નજીક જવાની તક મળશે.
તે વખતે યુવા કૉંગ્રેસના કાર્યકરો પોતાની રૉલેક્સ ઘડિયાળને ઉતારીને અને પોતાની લક્ઝરી કાર ફાઇવસ્ટાર હોટેલમાં પાર્ક કરીને રિક્ષામાં બેસીને રાહુલ ગાંધીને મળવા જતા હતા.
19 માર્ચ 2007માં તેમણે દેવબંધમાં જાહેરાત કરી હતી કે 'જો 1992માં નહેરુ પરિવાર સત્તામાં હોત તો બાબરી મસ્જિદ તોડી પાડી ન શકાઈ હોત.'
1992માં નરસિંહ રાવની આગેવાનીમાં કૉંગ્રેસની સરકાર હતી. રાહુલે આગળ કહ્યું, 'મારા પિતાએ મારી માતાને કહ્યું હતું કે બાબરી મસ્જિદ તૂટવાની નોબત આવશે તો હું તેની આડે ઊભો રહી જઈશ. તેમણે બાબરી મસ્જિદ તોડતા પહેલાં મને મારવો પડશે.'
તે વખતે રાજકીય વિશ્લેષકોએ જણાવ્યું હતું કે આ નિવેદન રાહુલ ગાંધીની રાજકીય અપરિપક્વતાનો નમૂનો હતો.
 
જોકે, છેલ્લા થોડા વખતથી એકાએક રાહુલ ગાંધીમાં પરિવર્તન દેખાવા લાગ્યું. તેનો પ્રથમ અંદાજ અમેરિકામાં બર્કલની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં તેમના પ્રવચનથી આવ્યો હતો.
અહીં તેમણે ભારતીય રાજકારણ અને વિદેશનીતિ પર ખુલીને વાતો કરી હતી.
અમેરિકાથી તેઓ ભારત પરત આવ્યા ત્યારે તેમની અંદર જે આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો, તેઓ અગાઉ ક્યારેય જોવા મળ્યો નહોતો.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભલે પક્ષને જીત ના મળે, પણ તેમણે ત્યાં ભાજપને સરકાર બનાવવા ના દીધી.
ત્યારબાદ હિંદી પટ્ટાનાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તેમણે એવાં પરિણામો લાવી બતાવ્યા, જેની કલ્પના થઈ શકે તેમ નહોતી.
મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણેય રાજ્યોમાં નરેન્દ્ર મોદીએ પૂરું જોર લગાવ્યું તો પણ ભારતીય જનતા પક્ષે સત્તા ગુમાવવી પડી.
આ પરિણામો પછી અચાનક એવું લાગવા લાગ્યું કે 2019ની ચૂંટણી મોદી માટે જરા પણ સહેલી નહીં હોય.
ભાજપને તેની જ ભાષામાં જવાબ
 
એવી કહેવત છે કે તમે જમીન પર પગ રાખીને ચાલતા રહો તો ઉપર જવા માટેનો જ વિકલ્પ બાકી રહે છે.
પાંચ વર્ષ પહેલાં રાહુલ ગાંધીના નેતૃત્ત્વમાં કૉંગ્રેસને તેના ઇતિહાસની સૌથી મોટી હાર મળી હતી.
લોકસભામાં પક્ષને માત્ર 44 બેઠકો મળી હતી.
આ સંખ્યા એટલી ઓછી હતી કે વિપક્ષના સત્તાવાર દરજ્જો પણ મળે તેમ નહોતો.
કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધીના વ્યક્તિત્વમાં ઘણું પરિવર્તન આવ્યું છે.
તેમણે હવે મંદિરોમાં દર્શન કરવાનું, કૈલાશ માનસરોવરની યાત્રા કરવાનું અને પોતાની જનોઈ દેખાડવાનું શરૂ કરી દીધું હતું.
તેમણે લોકો સામે નરમ હિંદુત્ત્વ રજૂ કર્યું, જે યોગી આદિત્યનાથના આક્રમક હિંદુત્ત્વથી અલગ પડે છે.
જાણીતા પત્રકાર રાધિકા રામાસેશન એક રસપ્રદ વાત કરતાં કહે છે, "પહેલાં એવું કહેવાતું હતું કે ભાજપ એટલે કૉંગ્રેસ વત્તા ગાય, હવે કૉંગ્રેસ, ભાજપ વત્તા ગાય જેવી દેખાય છે."
ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસને અપાવી જીત
આ બધા પરિવર્તનોની અસર એ થઈ કે ત્રણ રાજ્યોમાં તેઓ કૉંગ્રેસને સત્તા અપાવી શક્યા.
ભાજપના ગઢમાં સીધી તેને ટક્કર આપીને આ પરિણામો હાંસલ કર્યાં હતાં.
આ ત્રણેય રાજ્યોમાં જીતનું મહત્ત્વ એટલા માટે છે કે ત્રણેય રાજ્યોની કુલ 65 લોકસભા બેઠકો છે, તેમાંથી 62 ગયા વખતે 2014માં ભાજપને મળી ગઈ હતી.
સાથે જ રાષ્ટ્રીય સ્તરે રાહુલ ગાંધીનો સ્વીકાર વધારે પ્રમાણમાં થવા લાગ્યો.
ડીએમકેના સ્ટાલિન, આરજેડીના તેજસ્વી યાદવ અને એનસીપીના શરદ પવાર જેવા નેતાઓ હવે રાહુલ ગાંધીનો ભાવ પૂછતા થયા છે.
એક જમાનામાં કૉંગ્રેસના વિરોધી રહેલા ચંદ્રબાબુ નાયડુનો સાથ પણ તેમણે મેળવી લીધો.
મોદીની આકરી ટીકા
 
રાહુલના નેતૃત્ત્વમાં કૉંગ્રેસની સ્થિતિમાં થયેલા નાટકીય સુધારાને કારણે દેશના સર્વોચ્ચ પદ માટેની તેમની દાવેદારી ગંભીર લેખાવા લાગી છે.
તેઓ હવે ચોટદાર સૂત્રો અને કટાક્ષો કરતા પણ થઈ ગયા છે. (વિશ્વ થિયેટર દિવસ પર હું મોદીને અભિનંદન આપું છું.)
પત્રકાર પરિષદમાં તેઓ અચકાયા વિના પત્રકારોનો સામનો કરે છે.
અગત્યના નિર્ણયો લેવાના જરૂરી હોય ત્યારે તેઓ વિદેશમાં રજા ગાળવા જતા રહ્યા હોય તેવા દિવસો પણ હવે રહ્યા નથી.
તેમણે સતત કૃષિ ક્ષેત્રની મુશ્કેલી, બગડી રહેલું અર્થતંત્ર, બેરોજગારી અને રફાલ સોદાના મુદ્દાઓ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
લોકસભામાં ચર્ચા વખતે તેઓ નરેન્દ્ર મોદી પાસે પહોંચ્યા અને તેમને ગળે મળ્યા. તે રીતે તેમણે સંદેશ આપ્યો કે તેઓ વિરોધીઓને દુશ્મનની જેમ નથી જોતા.
જોકે, નરેન્દ્ર મોદીની આર્થિક નીતિ સામે તેમનો વિકલ્પ શું હશે તેની કોઈ સ્પષ્ટતા તેમણે નથી કરી.
હાલમાં તેમણે ત્રણ રાજ્યોમાં ખેડૂતોની દેવા માફી કરી તે જ તેમનું હુકમનું પત્તું છે.
તેમણે દેશના ગરીબોને દર વર્ષે 72000 રૂપિયા વર્ષે આપવાનું વચન જરૂર આપ્યું છે, પણ તે માટેનું ભંડોળ ક્યાંથી આવશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.
 
રાહુલ ગાંધીમાં હવે રાજકીય પરિપક્વતા આવી છે તેનો અંદાજ એ વાતથી આવે છે કે તેમણે સચિન પાઇલટને રાજસ્થાન કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા, પણ મુખ્ય પ્રધાન બનાવવાની વાત આવી ત્યારે અશોક ગેહલોતના દાવાને અવગણ્યો નહોતો.
 
મધ્ય પ્રદેશમાં પણ તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને મહત્ત્વની જવાબદારીઓ સોંપી હતી, પણ મુખ્ય પ્રધાન પસંદ કરવાની વાત આવી ત્યારે તેમણે જૂની પેઢીના કમલ નાથને જ પસંદ કર્યા હતા.
 
કર્ણાટકમાં પણ વિધાનસભા ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં અને કૉંગ્રેસ બીજા નંબર પર આવી કે તરત જ નંબર વન આવેલા ભાજપને સત્તાથી દૂર રાખવા જનતા દળ (એસ)ને ટેકો આપવાની જાહેરાત કરી દીધી હતી.
રાજ્યપાલ વજુભાઈ વાળાએ ધરાર ભાજપને સરકાર બનાવવા આમંત્રણ આપી દીધું તો તેમણે અભિષેક મનુ સિંઘવીને ચંડિગઢથી બોલાવીને સુપ્રીમ કોર્ટમાં તાત્કાલિક રજૂઆત કરાવી.
તેના કારણે 48 કલાકમાં જ ભાજપની સરકારે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
 
મુશ્કેલ છે આગળનો માર્ગ
રાહુલ ગાંધી આજ સુધી ક્યારે પ્રધાન કે મુખ્ય પ્રધાન પણ બન્યા નથી.
તેમણે ઇચ્છ્યું હોત તો ગમે તે ઘડીએ પ્રધાન બની શક્યા હોત. એવા પણ આક્ષેપો થાય છે કે તેમણે પોતાના મતવિસ્તારમાં ખાસ કોઈ વિકાસના કાર્યો કર્યા નથી.
તેના કારણે ત્રણ-ત્રણ વાર જીતેલા સાંસદની મજબૂત છાપ સ્થાનિક વિસ્તારમાં નથી પડી.
તેમને જે પણ પદ મળ્યું છે તે વારસાને કારણે મળ્યું છે.
તે માટે તેમણે કોઈ મહેતન કરવી પડી નથી. વડા પ્રધાન પદ માટે ભલે તેમણે દાવેદારી નોંધાવી હોય, પણ તેમના સાથીઓ અને વિરોધી બન્ને માને છે કે તેમની કસોટી હજુ થઈ નથી.
 
રાજકારણમાં તેને કોઈ ખૂબ મોટો ગુણ માનવામાં આવતો નથી.
ઓપન મૅગેઝિનના તંત્રી એસ. પ્રસન્નરાજને બહુ સરસ વાત કહી છે, "રાહુલની સૌથી મોટી મુશ્કેલી એ છે કે મોદીના જમાનામાં તેમણે ગાંધી થવાનું છે. કોઈ પણ માટે આ કાર્ય બહુ મુશ્કેલ છે."
 
રાહુલ ગાંધી જાણે છે કે મોદી પાંચ વર્ષ સત્તામાં રહ્યા તે પછી પણ તેમને 2019માં ચૂંટણીમાં હરાવવા એ સહેલું કામ નથી.
જોકે, ત્રણ મહિના પહેલાં તેઓ એવું દેખાડી ચૂક્યા છે કે તેમનામાં આવી ક્ષમતા છે અને તેમની ક્ષમતાને હળવાશથી લેવા જેવી નથી.