શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 3 ઑક્ટોબર 2019 (13:04 IST)

મુંબઈમાં શિવસેનાએ ગુજરાતીમાં પોસ્ટર લગાવતાં વિવાદ કેમ થયો?

શિવસેનાની યુવાપાંખના નેતા અને ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે મુંબઈના વરલીમાંથી વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે.

આદિત્ય ઠાકરે પરિવારની પહેલી વ્યક્તિ છે, જે ચૂંટણી લડી રહી છે અને એટલે તેમના ચૂંટણીપ્રચારમાં કોઈ પણ પ્રકારની કચાસ ન રહે એ માટે શિવસેના પ્રયાસો કરી રહી છે.

આવા જ પ્રયાસોના ભાગ રૂપે વરલીમાં ગુજરાતી, ઉર્દૂ, તેલુગુ અને અંગ્રેજીમાં શિવસેનાએ ચૂંટણીપ્રચાર માટેનાં પોસ્ટર લગાવ્યાં છે.

આ પોસ્ટરમાં સંબંધિત ભાષામાં 'કેમ છો વરલી?' લખાયું છે. જોકે, શિવસેનાનો આ પ્રયાસ સોશિયલ મીડિયા પર ટીકાનું કારણ બન્યો છે.
 

ગુજરાતીમાં પોસ્ટર કેમ?


શિવસેના અત્યાર સુધી પોતાને 'મરાઠી ભાષા અને મરાઠી માણસના હક'ની લડાઈ લડનારી પાર્ટી તરીકે રજૂ કરતી રહી છે.

જોકે, શિવસેનાનાં વર્ષો જૂના આ વલણ સામે હાલમાં લગાવેલાં પોસ્ટરોએ સવાલ ઊભા કરી દીધા છે.

'ફ્રી પ્રેસ જનરલ'ના રાજકીય તંત્રી પ્રમોદ ચુંચવાર આ મામલે જણાવે છે, "ચૂંટણી વખતે રમાતા રાજકારણનું આ ઉદાહરણ છે. ચૂંટણી તમને સર્વસમાવેશક બનવા મજબૂર કરે છે અને એ આપણી લોકશાહીની ખાસિયત છે."

"એક સમય હતો કે જ્યારે શિવસેના બિનમરાઠીઓને ગાળો કાઢતી હતી અને આજે તે લોકો માટે જ રેલી યોજે છે. વરલીમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે."

"મુંબઈમાં ખાસ કરીને વરલીમાં ગુજરાતીઓની બહુમતી છે અને શિવસેનાને સમજાઈ ગયું છે કે ચૂંટણી જીતવા ગુજરાતીઓના મત મહત્ત્વના છે."

"આદિત્ય ઠાકરેએ શિવસેનાના પારંપરિક રાજકારણને બદલવાનો પ્રયાસ કર્યો છે. આદિત્યના પ્રવેશ બાદ શિવસેનાએ વૅલેન્ટાઇન ડેનો મુદ્દો પડતો મૂકી દીધો. આદિત્ય મુંબઈની નાઇટ-લાઇફનું પણ સમર્થન કરી ચૂક્યા છે."

"મરાઠી ઉપરાંત અન્ય ભાષીઓને પણ પોતાની સાથે લેવાનું આદિત્ય ઠાકરેએ વલણ અપનાવ્યું છે."

"શિવસેનાને ખ્યાલ હશે જ કે આવું કરવાથી તેમની ટીકા થશે જ પણ એ ટીકાના ભોગે ગુજરાતીઓની શિવસેના પ્રત્યેની કડવાશ પણ હઠશે."
 

સૌહાર્દ વધારનારું પગલું?


કોલાજ.ઇન'ના તંત્રી સચિન પરબ જણાવે છે, "સંયુક્ત મહારાષ્ટ્રની ચળવળ વખતે મુંબઈ પર હક કોનો એવો વિવાદ વકર્યો હતો. મરાઠીઓનું માનવું હતું કે મુંબઈ પાછળ એમની મહેનત રહેલી છે તો ગુજરાતીઓનું માનવું હતું કે એમના પૈસાએ મુંબઈને સમૃદ્ધ બનાવ્યું છે."

મુંબઈ પહેલાંથી જ બહુભાષી શહેર હતું અને એટલે જ શિવસેનાની સ્થાપના થઈ હોવાનું સચિન પરબનું માનવું છે.

તેઓ ઉમેરે છે, "શિવસેનાની સ્થાપના બાદ ઠાકરેએ રાજકારણની શરૂઆત જ બિનમરાઠીઓનો વિરોધ કરીને કરી હતી. પ્રારંભમાં દક્ષિણ ભારતીયોનો વિરોધ કર્યો અને બાદમાં ઉત્તર ભારતીયોનો વિરોધ કરાયો."

"એક સમયે મુંબઈના ગુજરાતીઓમાં મોરારજી દેસાઈ જેવું મોટું નામ ગુંજતું હતું પણ શિવસેનાના ઉદય બાદ ધીમેધીમે મુંબઈના રાજકારણમાં ગુજરાતીઓનો પ્રભાવ ઘટતો ગયો."

વરલી અને આસપાસના વિસ્તારોમાં ક્યારેક મરાઠી લોકો બહુમતીમાં હતા.

જોકે, તેઓ હવે કલ્યાણ, ડોબીવલી, વસઈ, વિરાર જેવા વિસ્તારોમાં પ્રયાણ કરી ચૂક્યા છે.

વળી, એક સમયે વરલીના ઉચ્ચ-મધ્યમ વર્ગના વિસ્તારો પૂરતો સીમિત ગણાતો ગુજરાતી સમુદાય હવે વિસ્તર્યો છે.

વરલીમાં નિર્માણ પામી રહેલાં રહેવાસી બાંધકામોમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓએ રોકાણ કર્યું છે.

એટલે ક્યારેક મરાઠી સમુદાયની બહુમતી ધરાવતા વરલીનું સ્વરૂપ હવે બદલાયું છે અને અહીં ગુજરાતીઓ બહુમતીમાં આવી ગયા છે. આ જ ગુજરાતીઓને રીઝવવાનો આદિત્ય ઠાકરે પ્રયાસ કરી રહ્યા છે. ઠાકરે પરિવારની ચોથી પેઢીમાં પ્રથમ વખત કોઈ વ્યક્તિ ચૂંટણી લડી રહી છે અને એટલે શિવસેના તમામ મોરચે લડી લેવા માગે છે. શિવસેનાના દિવાકર રાવતે બીબીસી મરાઠી સાથેની વાતચીતમાં જણાવ્યું, "શિવસેના સ્થપાઈ ત્યારથી, હંમેશાંથી મુંબઈ બહુભાષીઓનું રહ્યું છે."

"અમે માત્ર ભૂમિપુત્રોને મહત્ત્વ આપ્યું છે. એમનો ધર્મ કે એમની જાતિ મહત્ત્વ ધરાવતી નથી. આ એક સૌહાર્દ વધારનારું પગલું છે."બીબીસીની મરાઠી સેવાના તંત્રી આશિષ દીક્ષિત શિવેસનાના આ પગલા અંગે વાત કરતાં કહે છે,

"વર્ષ 1960માં જો પ્રબોધનકાર ઠાકરે અને બાળ ઠાકરે એવું કહે કે મુંબઈ એ મરાઠીઓનું છે, તો એ સમજી શકાય પણ આદિત્ય ઠાકરે એ ઠાકરે પરિવારની ચોથી પેઢી છે અને તેઓ સમયની માગ સમજી રહ્યા છે."

"આ પોસ્ટરો જણાવે છે કે મુંબઈ ગુજરાતી બોલનારાઓનું છે, ઉર્દૂ બોલનારાઓનું અને તેલુગુ બોલનારાઓનું પણ છે અને શિવસેનાએ આ સ્વીકારી લીધું છે."

"વળી, બીજો મુદ્દો એ પણ છે કે ઠાકરે પરિવારમાંથી પ્રથમ વખત કોઈ વ્યક્તિ ચૂંટણી લડી રહી છે અને પ્રથમ વખત ચૂંટણીનો તાપ ઠાકરે પરિવાર અનુભવી રહ્યો છે."

"એટલે ચૂંટણી લડવા માટે જે કંઈ પણ કરવું પડે એ તેઓ કરી રહ્યા છે."
 

શિવસેનાને આવું કેમ કરવું પડ્યું?


જોકે, વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝા વાત સાથે સહમત નથી. બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં ઓઝા જણાવે છે,

"આ રાજકારણ માત્ર છે. શિવસેના પહેલાં હતી એટલી જ આજે પણ 'હાર્ડકોર' છે. પણ ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો પોતાનું વલણ બદલતા હોય છે અને શિવસેના પણ એમાં બાકાત નથી."

"વળી, શિવસેના જે આક્રમક હિંદુત્વની વાત કરતી આવી છે એ વિચારધારા હવે ભાજપે તેની પાસેથી આંચકી લીધી છે."

"આ ઉપરાંત મુંબઈ પણ હવે પહેલાં જેવું મરાઠી રહ્યું નથી. આજથી ત્રણ-ચાર દાયકા પહેલાં હતું એના કરતાં મુંબઈ હવે વધુ પંચરંગી બન્યું છે."

"વરલીમાં પણ આ વાત લાગુ પડે છે અને શિવસેના પણ સમજી ગઈ છે કે વરલીમાં માત્ર મરાઠી મતોથી ચૂંટણી જીતવી શક્ય નથી."

"મુંબઈમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં મરાઠીનો મુદ્દો કામ લાગે એવું નથી અને હિંદુત્વનો મુદ્દો ભાજપે આંચકી લીધો હોવાથી પરિવર્તન જોવા મળી રહ્યું છે."

"બાકી શિવસેના આજે પણ હિંદુત્વવાદી છે અને એ જ એની વિચારધારા છે."