શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (17:58 IST)

#HerChoice: 'હું સોશિયલ મીડિયા પર પુરુષો સાથે કરું છું ફ્લર્ટિંગ'

ફેસબુક પર પહેલીવાર તેનો મેસેજ આવ્યો, ત્યારે હું ચોંકી ઊઠી હતી. મને આંચકો લાગ્યો હતો.
મારા પતિ ઘરે ન હતા તેમ છતાં લાગ્યું કે હું છેતરપીંડી કરી રહી છું. મેસેજ ખોલતાં પહેલાં જોયું કે આજુબાજુમાંથી કોઈ જોતું તો નથીને.
જાત પર હસી પડી. વિચાર્યું 'કેટલી બેવકૂફ છું હું. ઘરમાં એકલી છું છતાં કોનાથી ડરી રહી છું.'
તેમણે લખ્યું હતું, "હાઈ, હું તમારી સાથે ફ્રેન્ડશિપ કરવા માગું છું."
એ વાંચી ચહેરા પર સ્મિત રેલાયું. પછી શરમ પણ આવી.
'એક અજાણ્યા માણસે ઇન્ટરનેટ પર મોકલેલા મેસેજમાં મારે રસ શા માટે લેવો જોઈએ?'
પતિનો વિચાર આવતાંની સાથે જ મનમાં એક ચસક અનુભવી. પીડા પણ થઈ.
એ મારા પતિની ઉપેક્ષા છે કે એક અજાણ્યા પુરુષે લખેલું 'હાઈ' મારા હૈયામાં ગલીપચી કરી શકે છે.
અજાણ્યા પુરુષને મેં જવાબ ન આપ્યો હોત, પણ તેમના પર એટલો ગુસ્સો હતો કે મેં તરત જ લખ્યું - 'હાઈ!'
 
 
તેમનું નામ આકાશ હતું. હું એરહોસ્ટેસ છું એવી ગેરસમજ તેને શા માટે હતી એ મને ખબર નથી.
ધાર્યું હોત તો તેને સત્ય જણાવી શકી હોત, પણ મનેય મજા આવતી હતી. હું બહુ સુંદર છું એવું બધાને કહેતા બાળપણથી સાંભળ્યા હતા.
શ્વેત વર્ણ, મોટી-મોટી આંખો, ધારદાર ચહેરો અને ઘાટીલી કાયા, પણ પરિવારજનોને મારાં લગ્નની ઉતાવળ હતી. તેથી પહેલો છોકરો મળ્યો તેની સાથે મારાં લગ્ન કરી નાખ્યાં.
મારા પતિને રોમાન્સ કે મારી લાગણી સાથે કંઈ લાગતું-વળગતું નથી.
મેં ધારેલું કે લગ્ન પછી મારા પતિ મને ધારી-ધારીને નિહાળશે, નારાજ થઇશ તો મનાવશે, સરપ્રાઇઝ આપશે અને બીજું કંઈ નહીં તો સવારે મારા માટે એક કપ ચા તો બનાવી જ આપશે.
 
અદ્દલ મશીન જેવું છે મારા પતિનું જીવન- સવારે ઊઠે, ઓફિસે ચાલ્યા જાય, રાતે દસ વાગ્યે ઘરે પાછા ફરે, ભોજન કરે અને ઊંઘી જાય.
તેઓ વ્યસ્ત છે એ હું બરાબર સમજું છું, પણ પોતાની પત્ની સામે પ્રેમભરી નજર કરવામાં કે તેને ઉષ્માભર્યું આલિંગન આપીને પ્રેમને બે શબ્દો બોલવામાં કેટલો સમય લાગે!
સેક્સ માણી લેશે, પણ રોમાન્સ નહીં કરે. એક વર્ષના લગ્નજીવનમાં અમે સેક્સ પહેલાંની પ્રેમની પળો ક્યારેય માણી નથી.
હું ગમે તેટલું સ્વાદિષ્ટ ભોજન બનાવું, ઘરને એકદમ સજાવીને રાખું, પણ મારા પતિ ક્યારેય વખાણ કરતા નથી. પૂછીએ તો કહી દે, 'ઠીક છે.'
 
હું આવા વિચારોમાં અટવાયેલી હતી ત્યાં આકાશે ફરી પિંગ કર્યું. એ મારો ફોટો જોવા ઇચ્છતો હતો.
ઇન્ટરનેટની દુનિયા મારા માટે નવી હતી. ફેસબુક પરનું મારું અકાઉન્ટ પણ મારા પતિએ બનાવી આપ્યું હતું. ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું પણ તેમણે શિખવ્યું હતું.
જોકે, પ્રોફાઇલમાં મારો ફોટો મૂકતાં ડરતી હતી. મેં સાંભળ્યું હતું કે કેટલાક લોકો ઇન્ટરનેટ પરથી ફોટોગ્રાફ ચોરીને પોર્ન સાઇટ્સ પર મૂકી દેતા હોય છે.
આકાશ મને જોવા માટે બેચેન હતો. કેટલાક દિવસો સુધી તો મેં ટાળ્યા કર્યું. એક દિવસે જણાવી દીધું કે હું એરહોસ્ટેસ નથી.
મેં ધારેલું કે એ જાણીને આકાશ દોસ્તી પડતી મૂકશે, પણ એ જીદ કરવા લાગ્યો હતો.
મારો ફોટો તેને મોકલી આપ્યો હોત, પણ મારી પાસે ખુદનો એકેય સારો ફોટોગ્રાફ ન હતો.
 
આકાશ પોતે પરણેલો હતો. ત્રણ વર્ષના દીકરાનો પિતા હતો. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો હતો. વિદેશપ્રવાસે જતો હતો.
ઘણી પાર્ટીઓ થતી હતી, જેમાં છોકરીઓ માટે સિગારેટ-દારૂ પીવાનું સામાન્ય હતું. મારા માટે એ એક નવા પ્રકારનો રોમાંચ હતો.
આકાશની પત્ની પણ કોઈ મોટી કંપનીમાં કામ કરતી હતી. આકાશે જણાવેલું કે તે અને તેની પત્ની એકમેકને વધુ સમય આપી શકતાં નથી.
એક દિવસ તેણે મને જણાવ્યું હતું, "આજે હું બહુ દુઃખી છું. પત્ની મીટિંગમાં હોવાથી મારી સાથે વાત કરી શકી નથી."
હું તેની પીડા સમજી શકતી હતી. અમે રોજ ચેટિંગ કરતાં હતાં. બહુ મજા આવતી હતી.
 
મારી સાથે આ બધું પહેલીવાર બની રહ્યું હતું. એક તબક્કો એવો આવ્યો હતો કે જલદી કામ ખતમ કરીને આકાશ સાથે ચેટિંગ કરવાનું એક્સાઇટમેન્ટ સવારથી જ થતું હતું.
એક દિવસ આકાશે લખ્યું હતું, "વેબકેમેરા પર આવ." હું ગભરાઈને ઑફલાઇન થઈ ગઈ હતી. મેં સ્નાન સુદ્ધાં કર્યું ન હતું. એવા વેશમાં મને નિહાળીને એ શું વિચારશે?
જોકે, આકાશે મને જોવાની જીદ પકડી હતી. કંઈ સમજાતું ન હતું એટલે હું તેને અવૉઇડ કરવા લાગી હતી.
આકાશ ઑનલાઇન થતો એ સમયે હું ઑફલાઇન થઈ જતી હતી. થોડા દિવસ આવું ચાલ્યું પછી આકાશે ચિડાઈને મને બ્લૉક કરી નાખી હતી.
અમારી વચ્ચે કોઈ સંબંધ ન હતો, પણ તેના જવાથી મારી જિંદગીમાં વધુ ખાલીપો સર્જાયો હતો.
હું નોકરી કેમ નથી કરતી એવું વિચારીને જાત પર ગુસ્સે થતી હતી. પૈસા કમાતી હોત તો મારી મરજીથી નિર્ણય કરી શકતી હોત.
 
થોડા સમય સુધી મેં કોઈની સાથે વાત કરી ન હતી, પણ દિમાગમાં આકાશની વાતો હંમેશા ઘૂમરાતી રહેતી હતી.
તેની સાથે દિવસ કેટલો જલદી પસાર થઈ જતો હતો એ યાદ આવતું હતું. કારણ વિના મરકતી રહેતી હતી.
એક રીતે વિચારીએ તો આકાશ સાથેના મારા ચેટિંગથી સૌથી વધુ ફાયદો મારા પતિને થયો હતો.
મારી જિંદગીમાંનો જે ખાલીપો મારા પતિને દેખાતો ન હતો એ તેમના વગર પૂરાઈ ગયો હતો.
હું કંઈ ખોટું પણ કરતી ન હતી. મેં કોઈની સાથે છેતરપીંડી કરી ન હતી કે પરપુરુષ સાથે સહશયન પણ કર્યું ન હતું.
અજાણ્યા પુરુષ સાથે ચેટિંગ કર્યું હતું, જેથી મને યાદ રહે કે હું માત્ર કોઈની પત્ની જ નહીં, એક માણસ પણ છું, જેની પોતાની કેટલીક જરૂરિયાતો છે.
આકાશ સાથે ચેટિંગ બંધ થયા પછી શું કરવું અને શું ન કરવું એવી અસમંજસમાં કેટલાક વધુ દિવસો પસાર થઈ ગયા હતા.
પછી એક દિવસ એમ જ એક યુવાનની પ્રોફાઇલ જોવા મળી. તેનો દેખાવ સારો હતો. ખબર નહીં શું વિચાર્યું કે મેં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી આપી હતી.
 
તેણે મને સવાલ કર્યો હતો, "તમે તો પરણેલાં છો. તમે મને ફ્રેન્ડ રિક્વેસ્ટ શા માટે મોકલી?"
મેં કહ્યું, "કેમ? પરણેલી છોકરીઓ દોસ્ત ન બનાવી શકે?"
એ પછી વાતચીત આગળ વધી હતી. હું આજે પણ એ યુવાનના સંપર્કમાં છું.
એવી જ રીતે ફેસબુક પર મેં વધુ એક પ્રોફાઇલ નિહાળી હતી. તેની વોલ પર કેટલાક ફિલ્મ એક્ટર્સના ફોટોગ્રાફ્સ હતા.
મને લાગ્યું કે આ માણસ બહુ મજેદાર છે. તેની વોલ પર મજેદાર ચીજો જોવા મળશે.
મેં તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી અને તેણે એક્સેપ્ટ પણ કરી લીધી હતી.
 
આ શું ચાલી રહ્યું છે?
જિંદગી આવી રીતે પસાર થતી હતી અને મેં એક દીકરીને જન્મ આપ્યો હતો.
એ પછી જિંદગી જાણે કે થંભી ગઈ હતી. પહેલાં બે વર્ષ તો ખબર જ ન પડી કે હું ક્યાં છું?
હવે મારી દીકરી ત્રણ વર્ષની થઈ ગઈ છે, પણ પોતાના માટે સમય કાઢવાનું મુશ્કેલ છે.
કોઈની સાથે વાત કરવાની ઇચ્છા થાય છે અને ફોન ઊઠાવું ત્યાં મારી દીકરી વીડિયો જોવા આવી જાય છે.
ક્યારેક બહુ હતાશા અનુભવાય છે કે આ શું ચાલી રહ્યું છે? હું માત્ર એ મા અને પત્ની બની રહી છું.
તેથી મેં નક્કી કર્યું છે કે મારી સાથે જે થયું એ મારી દીકરી સાથે નહીં થવા દઉં.
તેને કંઇક બનાવીશ, જેથી એ પોતાની જિંદગી તેની પોતાની શરતે જીવી શકે.