શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જુલાઈ 2019 (10:58 IST)

ભારતમાં આવતાં પૂર પાછળ રહેલું નદીઓનું રાજકારણ

નવીનસિંઘ ખડકા
ભારતમાં હાલ બિહાર, અસમ અને અન્ય રાજ્યોમાં ભારે પૂરની સ્થિતિ છે, જેમાં લાખો લોકો પ્રભાવિત થયા છે. આ પૂરની સ્થિતિ હંમેશાં નેપાળ અને ભારત વચ્ચે તણાવ ઊભો કરે છે. જ્યારે જળ સંસાધનની વાત આવે ત્યારે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં થોડો તણાવ જોવા મળે છે.જોકે, તાજેતરનાં વર્ષોમાં બંનેના સંબંધોમાં કડવાશ આવી છે અને ચોમાસાની શરૂઆત થતાની સાથે જ બંને દેશોના સંબંધો વધારે બગડ્યા હતા.
 
હાલમાં જ આવેલા પૂરના કારણે બંને દેશ વચ્ચે તણાવ વધવાનો શરૂ થયો અને બંને દેશમાં રહેતા લોકો તેમના પર આવેલી આપત્તિ માટે અન્ય દેશને જવાબદાર માનવા લાગ્યા. આ વર્ષે પૂરે કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જી છે. નેપાળ અને બાંગ્લાદેશમાં ડઝન જેટલા લોકોનાં મોત થયાં છે અને ઉત્તર અને ઉત્તર-પૂર્વ ભારતમાં લગભગ 30 લાખ જેટલા લોકોને પૂરની અસર થઈ છે.
 
છ હજાર જેટલી નદીઓ અને પૂર
 
બંને દેશો એકબીજાને પૂર માટે જવાબદાર ઠેરવે છે  ભારત અને નેપાળ વચ્ચે 1,800 કિલોમિટર લાંબી ખુલ્લી સરહદ આવેલી છે. 6,000 હજાર કરતાં પણ વધારે નદીઓ અને નાનાં ઝરણાં નેપાળમાંથી ભારત તરફ વહે છે. જે વરસાદ સિવાયના દિવસોમાં ગંગા નદીને 70% જેટલું પાણી પૂરું પાડે છે. જ્યારે આ નદીઓમાં પૂર આવે છે ત્યારે તે નેપાળ અને ભારતના કેટલાક વિસ્તારોમાં તારાજી સર્જે છે.
 
છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાળ તરફથી આ મામલે ગુસ્સો વ્યક્ત કરાઈ રહ્યો છે. નેપાળનું કહેવું છે કે સરહદની પાસે ભારતમાં આવેલાં પાળા જેવાં સ્ટ્રકચર પાણીને વહેવા દેતું નથી. બે વર્ષ પહેલાં પૂર્વ નેપાળમાં એક તપાસ દરમિયાન બીબીસીને ભારતની હદમાં આવાં કેટલાંક સ્ટ્રકચર જોવા મળ્યાં હતાં. નેપાળના અધિકારીના કહેવા પ્રમાણે આવા 10 જેટલા બાંધ છે, જેના કારણે નેપાળની હજારો એકર જમીનમાં પાણી ભરાઈ જાય છે.
2016માં નેપાળે તેનો વિરોધ કર્યા બાદ બંને દેશના સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. ભારતના અધિકારીઓના કહેવા પ્રમાણે તે રસ્તાઓ છે, પરંતુ નેપાળના નિષ્ણાતો કહે છે કે તે ભારતનાં ગામોને પૂરના પાણીથી બચાવવા માટે બાંધવામાં આવેલા બાંધ છે. 
 
કેરળના એ પાણીના બૉમ્બ જો ફાટ્યા તો વિનાશ સર્જાશે
 
નેપાળનું કહેવું છે કે આવા બાંધ તેમની તરફ પૂરની સ્થિતિને વધારે ગંભીર બનાવે છે નેપાળનું ગોર નામનું ગામ જે જિલ્લામથક પણ છે, જ્યાં ગયા અઠવાડિયે ત્રણ દિવસ સુધી પૂરના પાણી ભરાયેલા રહ્યા હતા. જે બાદ અધિકારીઓને હિંસા ફાટી નીકળવાનો ડર હતો. ક્રિષ્ના ધકાલ નામના એક પોલીસ અધિકારીએ બીબીસીને જણાવ્યું કે ખૂબ ગભરાટ બાદ અંતે ભારત તરફના બાંધના દરવાજા ખોલાયા બાદ પાણી ઓસર્યાં અને તેના કારણે તેમને રાહત થઈ. આ મામલે ભારતના અધિકારીઓએ બીબીસીના સવાલોના જવાબ આપ્યા ન હતા.
 
નદીઓનાં પાણી અને પૂર મામલે બંને દેશો વર્ષોથી મંત્રણાઓ કરતા આવ્યા છે, પરંતુ તેમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળી નથી. નેપાળ તરફથી મંત્રણા કરનારા અધિકારીઓની તેમના દેશમાં જ ટીકાઓ થઈ રહી છે કે તેઓ આ મામલે ભારતને સંમત કરી શકતા નથી. જોકે, તેનો અર્થ એવો નથી કે ભારતે પૂરના કારણે કંઈ સહન કરવું પડતું નથી.
બિહારની સરકારના કહેવા પ્રમાણે તાજેતરમાં આવેલા પૂરના કારણે 19 લાખ લોકોને તેમનાં ઘર છોડવાં પડ્યાં છે. જ્યારે કોસી અને ગંડક નદીમાં પૂર આવે છે ત્યારે બિહારને તેની સૌથી વધારે અસર થાય છે. આ મામલે હંમેશાં નેપાળ પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે કે તે તેના ફ્લડ ગેટ ખોલી દે છે. જોકે, ભારત સરકાર આ બંને નદીઓ પર આવેલા બૅરેજનું સંચાલન કરે છે જે નેપાળમાં આવેલા છે.
 
નદીઓ અંગેની એ સંધિ
 
કોસી નદી પર આવેલ બૅરેજ જેનું સંચાલન ભારત કરે છે  કોસી અને ગંડક નદી મામલે અનુક્રમે 1954 અને 1959માં બે સંધિઓ થઈ હતી અને તેમાં બંને દેશોએ પોતાની સહી કરી સહમતિ આપી હતી.
આ બંને નદીઓ પર પૂર નિયંત્રણ, સિંચાઈ અને જળવિદ્યુત માટે ભારતે બૅરેજ બનાવ્યા છે. જોકે, આ બૅરેજ નેપાળમાં વિવાદનું કારણ બન્યા છે. નેપાળના લોકોનું માનવું છે કે તે સ્થાનિકો માટે ક્યારેય ઉપયોગી બન્યા નથી. જોકે, આ મતની વિરુદ્ધ ભારત સરકારનું માનવું છે કે આ બૅરેજ સરહદ પાર જળવ્યવસ્થાપન અને સહકારનાં ઉદાહરણ છે.
 
એક કોસી બૅરેજમાં જ 56 જેટલા ફ્લડ ગેટ આવેલા છે. જ્યારે પણ ચોમાસામાં નદીને કારણે પૂર આવે અને તે જોખમી સ્તર સુધી પહોંચે ત્યારે ભારતને તેના માટે જવાબદાર ઠેરવવામાં આવે છે કે તે ગેટ ખોલતું નથી.