શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અર્જુન પરમાર|
Last Modified: મંગળવાર, 20 એપ્રિલ 2021 (09:54 IST)

ગુજરાતમાં કોરોના : એ પાંચ બાબતો જેના લીધે રૂપાણી સરકાર મહામારીને ડામવામાં ઊણી ઊતરી

સોમવારે  સમગ્ર ગુજરાતમાં કોરોનાના નવા 11,403 દર્દીઓ મળી આવ્યા હતા. પાછલા દોઢ માસ કરતાં વધુ સમયથી ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત અભૂતપૂર્વ વધારો થઈ રહ્યો છે. રાજ્યભરમાંથી ક્યાંક ઓક્સિજન, ક્યાંક દવા તો ક્યાંક હૉસ્પિટલમાં પથારીઓની અછત હોવાની ફરિયાદો ઊઠી રહી છે.
 
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવાં મહાનગરોનાં સ્મશાનો બહાર અંતિમક્રિયા માટે લાઇનો લાગેલી હોવાના સમાચારો રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનું ભયાનક ચિત્ર મૂકી રહ્યા છે. કોરોનાની પરિસ્થિતિ વણસી રહી હોવાની વાતો વચ્ચે આપણાં બધાનાં મનમાં એ પ્રશ્ન તો જરૂર ઊઠી રહ્યો હશે કે આખરે ફેબ્રુઆરી માસ પહેલાં ઘટી રહેલા કોરોનાના ચેપને નાબૂદ કરવામાં રાજ્ય સરકાર ક્યાં ઊંઘતી ઝડપાઈ?
 
પરિસ્થિતિ કાબૂમાં હોવાના મોટા-મોટા દાવા છતાં કેમ રાજ્યમાં પથારીઓ ઉપલબ્ધ ન હોવાની ફરિયાદ ઊઠી રહી છે? આખરે કેમ કોરોનાના કારણે ટપોટપ મૃત્યુ થઈ રહ્યાં હોવાના સમાચારો વ્યાપક બન્યા છે?
 
'સરકારે સમયનો ઉપયોગ ન કર્યો'
 
ગુજરાત સરકાર કોરોનાની રોકથામ માટે સમયસર પગલાં ભરવામાં નિષ્ફળ રહી?
 
અમદાવાદના વિખ્યાત ડૉક્ટર જીતેન્દ્ર પટેલ માને છે કે રાજ્યમાં બીજી લહેર આવી એ પહેલાં સરકાર પાસે તૈયારી કરવા એક વર્ષ ઉપરાંતનો સમય હતો. પરંતુ સરકારે તેનો યોગ્ય ઉપયોગ ન કર્યો.
 
તેઓ કહે છે, "સરકારે સમયનો ઉપયોગ કરી કોરોનાના દર્દીઓની સારવાર માટે આગમચેતીનાં પગલાં તરીકે વધુ પથારીઓની વ્યવસ્થા ના કરી."
 
"નવી હૉસ્પિટલોને આ કામમાં ન સાંકળી. સરકારને ત્યારે જ આ કામ કરવાનું સૂઝ્યું જ્યારે કોરોનાના કેસો ફરી વધવા લાગ્યા. જે યોગ્ય પગલું ન કહી શકાય."
 
નોંધનીય છે કે ગત વર્ષે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાતા અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા કોરોના ડેઝિગ્નેટેડ હૉસ્પિટલોને ઝડપથી ડિનોટિફાઈ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી.
 
સરકારી તંત્રે આ પગલાં પાછળ કારણ ધર્યું હતું કે કોરોનાના કેસો ઘટવાને પગલે પથારીઓની માગમાં ઘટાડો થયો છે.
 
નિષ્ણાતો માને છે કે આગમચેતીના ભાગરૂપે તંત્રે જ્યાં સુધી કોરોના સંપૂર્ણ નાબૂદ ન થઈ જાય ત્યાં સુધી કોરોના માટે અનામત રખાયેલી પથારીઓ અને હૉસ્પિટલોની સંખ્યા ઘટાડવાની જરૂર નહોતી.
 
નોંધનીય છે કે અમદાવાદ સિવિલ અને અન્ય સરકારી હૉસ્પિટલોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં કોરોનાના દર્દીઓ માટે અનામત રખાયેલી પથારીઓની સંખ્યામાં ઘટાડો કરાયો હતો.
 
જોકે હવે પરિસ્થિતિમાં એવો પલટો આવ્યો છે કે રાજ્ય સરકારે ન માત્ર પથારીઓની સંખ્યા વધારવી પડી રહી છે કે ન માત્ર નવી હૉસ્પિટલોને નોટિફાઈ કરવામાં આવી રહી છે, પરંતુ ખાનગી નર્સિંગ હોમ્સને પણ કોરોનાના દર્દીઓની સારવાર માટે છૂટ આપવામાં આવી છે.
 
આ વાત જ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિનો ચિતાર આપે છે.
 
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ હેલ્થ (IIPH)ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર જણાવે છે કે "ગુજરાતમાં આપણે છેક હવે રાજ્યની બહારથી આવતી વ્યક્તિઓ માટે RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવવાની જોગવાઈ કરી છે."
 
"જ્યારે મહારાષ્ટ્રમાં ઘણા સમયથી આ જોગવાઈ લાગુ કરી દેવાઈ હતી. સરકાર પહેલાં RTPCR ટેસ્ટ ફરજિયાત બનાવી શકી હોત."
 
તેઓ કહે છે કે ગુજરાતમાં બીજી લહેર શરૂ થઈ એ પહેલાં મહારાષ્ટ્ર અને કેરળમાં કેસો વધવાનું શરૂ થઈ ગયું હતું, તે સમયે જ ગુજરાતમાં પણ સાવચેતીનાં પગલાં લેવાનું શરૂ થઈ જવું જોઈતું હતું. પરંતુ તેવું ન બન્યું.
 
 
દવા અને ઓક્સિજનના ઉત્પાદનમાં ઢીલ?
 
શું ગુજરાત સરકારે રેમડેસિવિર અને ઓક્સિજનની અછતને નિવારી શકી હોત
 
ધ ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં જણાવાયું હતું કે સતત ત્રણ માસ સુધી રેમડેસિવિર જેવી દવાની ઘટતી જતી માગને કારણે કંપનીઓએ રેમડેસિવિરના ઉત્પાદનમાં ઘટાડો કર્યો હતો.
 
સરકાર સહિત કંપનીઓએ પણ કોરોનાના કેસોમાં આટલા વધારાની સંભાવનાને નજરે રાખી દૂરંદેશી વાપરી તેનું ઉત્પાદન ચાલુ રાખવાનો નિર્ણય લીધો નહોતો. જે કારણે હાલ કોરોનાના ઇલાજમાં ઉપયોગી ઇન્જેક્શનની ગુજરાત સહિત ઘણાં રાજ્યોમાં અછત સર્જાઈ છે.
 
ગુજરાતમાં આ દવા મેળવવા રાજ્યના સુદૂર વિસ્તારોમાંથી લોકો અમદાવાદ પહોંચી રહ્યા હતા. જ્યાં તેઓ ખાનગી હૉસ્પિટલ બહાર આ ઇન્જેક્શન મેળવવા માટે લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા.
 
આ સાથે જ રાજ્યમાં રેમડેસિવિર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળાબજારી થઈ રહી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી.
 
ડૉ. જીતેન્દ્ર પટેલ કહે છે કે "સરકારે પરિસ્થિતિને હળવાશથી લેવાની જરૂર નહોતી. જ્યારે કોરોનાના કેસોમાં નોંધપત્ર ઘટાડો થયો હતો ત્યારે પણ કંપનીઓને દરખાસ્ત કરી રેમડેસિવિર જેવી દવાનું ઉત્પાદન ન ઘટે તે જોવાની જરૂરિયાત હતી. પરંતુ સરકાર તે ન કરી શકી."
 
અહીં નોંધનીય છે કે રેમડેસિવિર બનાવતી મોટી કંપનીઓ પૈકી ઝાયડસ કેડિલા અમદાવાદમાં જ છે.
 
'રેમડેસિવિર માટે પ્રિસ્ક્રિપ્શન ઑડિટની જરૂર'
 
ડૉ. માવળંકર ગુજરાતમાં રેમડેસિવિર દવાની પરિસ્થિતિ અંગે વાત કરતાં કહે છે કે "એક તરફ રાજ્ય સરકાર કહે છે કે ડૉક્ટરો જરૂરિયાત વગર આ દવા પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે, ત્યાં જ બીજી તરફ ડૉક્ટરો કહી રહ્યા છે કે તેઓ યોગ્ય રીતે જ આ દવા લોકોને પ્રિસ્ક્રાઇબ કરી રહ્યા છે."
 
"તો આવી પરિસ્થિતિમાં પ્રિસ્ક્રિપ્શન ઑડિટિંગની વ્યવસ્થા ઊભી કરવાની જરૂર છે."
 
"જ્યારે રાજ્યમાં રેમડેસિવિરની અછત છે તેવી પરિસ્થિતિમાં પ્રિસ્ક્રિપ્શન ઑડિટ થકી જાણી શકાય કે ખરેખર જે દર્દીઓને આ દવા પ્રિસ્ક્રાઇબ કરવામાં આવી તેમને આ દવાની જરૂર હતી કે કેમ? તો ખરી સમસ્યા વધુ સ્પષ્ટ બની શકે."
 
એક નિષ્ણાત તબીબે રાજ્યની હૉસ્પિટલોમાં જોવા મળી રહેલી ઓક્સિજનની અછત અંગે વાત કરતાં કહ્યું કે, "જેમ કોરોનાની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા રેમડેસિવિરની ભવિષ્યની માગને લઈને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય નથી લઈ શકી તેવું જ કંઈક ઓક્સિજનના ઉત્પાદન બાબતે પણ થયું છે."
 
"રાજ્ય સરકાર પાસેથી અપેક્ષા હતી કે તેઓ સમયનો ઉપયોગ કરીને રાજ્યની હૉસ્પિટલોમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે ઑક્સિજન ન ખૂટે તે સુનિશ્ચિત કરે. પરંતુ તે તેવું કરી શકી નથી. અહીં પણ આગાહી તંત્રનો અભાવ જોવા મળે છે."
 
તેઓ કહે છે કે અન્ય ઇન્ડસ્ટ્રીમાં એક વખત માગમાં વધારો થયા બાદ જે તે ઇન્ડસ્ટ્રીના લોકો ભવિષ્યમાં તે વસ્તુ કે સેવાની માગ અંગે અંદાજ કાઢી તેને અનુરૂપ ઉત્પાદન કરે છે, જેથી ભવિષ્યમાં આ વસ્તુ કે સેવાની બિનજરૂરી અછત ન સર્જાય. પરંતુ આવી વ્યવસ્થા ઓક્સિજનના ઉત્પાદનમાં જોવા મળી નથી.
 
આ સિવાય રાજ્યમાં ઊભી કરાયેલી ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવાની વ્યવસ્થા કાયમી હોય તેવું જણાતું નથી, આ વ્યવસ્થા કામચલાઉ હોવાની વધુ શક્યતા છે. જે ક્યારેય કાર્યક્ષમપણે કામ ન કરી શકે.
 
તેઓ આ રાજ્યમાં મેડિકલ અને સર્જિકલ સપ્લાય માટે રચાયેલ વિભાગમાં થયેલી નિમણૂકો અંગે પણ પ્રશ્ન ઉઠાવે છે.
 
તેઓ કહે છે, "સરકાર દ્વારા મેડિકલ અને સર્જિકલ સાધનોના સપ્લાય માટે કરાયેલ વ્યવસ્થામાં મોટા ભાગના સભ્યો કાં તો ડૉક્ટરો છે કાં તો સનદી અધિકારીઓ છે."
 
"આ સમિતિમાં સપ્લાયચેઇનના નિષ્ણાતોને સમાવવાની જરૂર હતી. જેથી તેને લગતા અવરોધો અને મુશ્કેલીઓને ઓળખી દૂર કરવાનું શક્ય બન્યું હોત."
 
આગાહી માટેના તંત્રનો અભાવ
 
ગુજરાતમાં હાલ રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ હોવાની ફરિયાદો સામે આવી છે
 
ડૉ. માવળંકરના મતે ગુજરાતમાં કોરોનાના કેસોમાં થયેલા વધારા માટે 'ભવિષ્યમાં જરૂર પડનાર વસ્તુઓ અને સેવાઓની માગની આગાહી માટે કોઈ વ્યસ્થિત તંત્ર ન હોવાની' વાતને કારણભૂત માને છે. 
 
તેઓ કહે છે, "આપણે ત્યાં ભવિષ્યની પરિસ્થિતિનો વરતારો કાઢીને અપેક્ષિત માગ મુજબ ઉત્પાદન સુનિશ્ચિત કરવાની અવ્યવસ્થા નથી."
 
"જે કારણે બીજી લહેરમાં અપેક્ષિત કેસોની સંખ્યા અંગે અંદાજ ન કાઢી શકાયો, જેથી પરિસ્થિતિ આટલી બધી ગંભીર બની ગઈ."
 
ડૉ. માવળંકર માને છે, "રાજ્યમાં જ્યારે કોરોનાના કેસોમાં ઘટાડો થયો ત્યારે પરિસ્થિતિ હાથમાંથી ફરી નીકળી ન જાય તે માટે સોશિયલ મૉનિટરિંગની વ્યવસ્થા વિકસાવવાની જરૂર હતી."
 
"જેથી જે વિસ્તારોમાં નિયમોનું પાલન નથી થતું કે જ્યાં વધુ કેસો સામે આવી રહ્યા છે ત્યાં સમયસર પગલાં ભરી શકાય. પરંતુ આવી કોઈ વ્યવસ્થા આપણે કરી નહીં."
 
ટેસ્ટિંગ અને ટ્રૅસિંગની પ્રક્રિયા મંદ પડતાં ગુજરાતમાં કોરોના વકર્યો?
 
કોરોના વાઇરસના નવા કેસો ઘટતાં ગુજરાતમાં મંદ પડી ગઈ હતી ટેસ્ટિંગની પ્રક્રિયા ડૉ. દિલીપ માવળંકર એ વાત સાથે સંમત થાય છે કે ગુજરાતમાં ફેબ્રુઆરીની માસ પહેલાં કોરોનાના કેસોની સંખ્યા ઓછી થતાં ઘણી જગ્યાએથી કોરોનાની ટેસ્ટિંગ માટે શરૂ કરાયેલી વ્યવસ્થા બંધ કરી દેવાઈ, જે ચાલુ રાખવાની જરૂર હતી. તેઓ કહે છે, "કોરોનાના નવા કેસો આવવાનું ઘટ્યું તે કારણે ટેસ્ટિંગ ડોમ હઠાવી લેવાની જરૂરિયાત નહોતી. આ પ્રક્રિયા હજુ ચાલુ રાખવાની જરૂર હતી."
 
અમદાવાદ મેડિકલ ઍસોસિયેશનના પ્રમુખ ડૉ. કિરીટ પટેલ પણ માને છે કે લોકોને સતત કોરોના પ્રત્યે જાગૃત રાખવા અને શરૂઆતના તબક્કામાં જ ઇન્ફેક્શનને અટકાવવા માટે ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલુ રાખવાનું જરૂરી હતું. તેઓ કહે છે કે, "જ્યારે કોરોનાના કેસોની સંખ્યા ઘટી ત્યારે ઘણી જગ્યાએ ટેસ્ટિંગ માટેની વ્યવસ્થા બંધ કરી દેવાઈ, આના કારણે ઘણા લોકોનાં મનમાં કોરોનાથી સુરક્ષિત રહેવા માટેની સભાનતામાં ઘટાડો થયો હોઈ શકે."
 
"આ વલણે પણ તાજેતરમાં થયેલા વધારામાં ભૂમિકા ભજવી હોઈ શકે." 
 
રાજકીય પક્ષોની બેદરકારીને કારણે ગુજરાતમાં કોરોનાનો કેર વધ્યો?
 
ડૉ. જીતેન્દ્ર પટેલ માને છે કે રાજ્યમાં રાજકીય પક્ષોએ યોજેલા ચૂંટણીલક્ષી મેળાવડાઓને કારણે લોકોનાં મનમાં કોરોનાની ગંભીરતામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. જે કારણે લોકોએ કોરોનાથી બચવા માટેના ઉપાયો કરવાનું બંધ કરી દીધું હતું. જેનું પરિણામ આપણે હાલ જોઈ રહ્યા છીએ. તેઓ કહે છે, "કોરોના જેવી મહામારીની સ્થિતિમાં સરકારે મનસ્વી નિર્ણયો ન લઈ અને સર્વદળીય બેઠક બોલાવીને લોકોમાં જાગૃતિ વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ."
 
ડૉ. કિરીટ પટેલ પણ માને છે કે રાજકીય દળો દ્વારા યોજાયેલા મેળાવડાઓને કારણે લોકોનાં માનસ પર કોરોનાની ગંભીરતામાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
જોકે, તેઓ હાલમાં કોરોનાના વધી રહેલા કેસો માટે માત્ર સરકારી નીતિઓને જ નહીં પરંતુ લોકોના બેદરકારીભર્યા વલણને પણ જવાબદાર માને છે.
તેઓ કહે છે, "રાજકીય પક્ષોને કોઈ વાતની પડી હોય તેવું લાગતું નથી. તેથી લોકોએ પોતાના હિતમાં જાગૃતપણે નિર્ણય લેવા પડશે."
 
"રાજકીય પક્ષોને કોરોનાના પ્રસારની ચિંતા હોત તો તેમણે સંપૂર્ણ ક્ષમતાએ અમદાવાદમાં ક્રિકેટ મૅચ યોજવાની યોજના ન ઘડી હોત. આ વાત સરકારની ગંભીરતા બતાવે છે."
 
અહીં નોંધનીય છે કે ગુજરાત સરકાર અવારનવાર દાવા કરી ચૂકી છે કે રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કોરોનાના પ્રસારને અટકાવવા માટે સરકાર અને સરકારી તંત્ર દિવસ-રાત કામે લાગેલું છે. ગુજરાતના મુખ્ય મંત્રી, નાયબ મુખ્ય મંત્રી અને અન્ય નેતાઓ પણ અવારનવાર એવો દાવો કરી ચૂક્યા છે કે રાજ્યમાં પૂરતા પ્રમાણમાં કોરોનાના દર્દીઓ માટે પથારીઓ, દવા અને ઓક્સિજનનો પુરવઠો છે.
 
રાજ્ય સરકાર સંપૂર્ણપણે કોરોના સામે લડવા માટે અને તેના નિયંત્રણ માટે પ્રતિબદ્ધ છે અને યોગ્ય પગલાં લઈ રહી છે.જોકે, સ્થાનિક સમાચારોમાં રોજબરોજ આવી રહેલી વિગતો સરકારના આ દાવાઓથી ઊલટું ચિત્ર રજૂ કરે છે.