ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:41 IST)

ઉદ્ધવ ઠાકરેની સરકાર : કૉંગ્રેસનું સેક્યુલરિઝમ અને શિવસેનાનું હિંદુત્વ એકસાથે કેટલું ટકશે?

મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કૉંગ્રેસ ગઠબંધનનના મુખ્ય મંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ શપથ લીધા છે. 
શપથ પછી પહેલી કૅબિનેટ મિટિંગ થઈ અને એ પછી પત્રકારપરિષદ પણ યોજાઈ. આ પત્રકાર પરિષદમાં એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને પૂછ્યું કે 'શું શિવસેના સેક્યુલર થઈ ગઈ છે?'
 
આ સવાલના જવાબ પર ઉદ્ધવ ઠાકરેએ વળતો સવાલ કર્યો:
 
'સેક્યુલરનો મતલબ શું છે? તમે મને પૂછી રહ્યા છો સેક્યુલરનો મતલબ. તમે કહોને એનો અર્થ શું છે. બંધારણમાં જે કંઈ છે તે છે.' ઉદ્ધવ ઠાકરેએ કદાચ આવો સવાલ પૂછવામાં આવશે એવી આશા નહીં રાખી હોય. આ સવાલ પર તેઓ અસહજ દેખાયા.
 
નરેન્દ્ર મોદીએ 20 ઑક્ટોબર 2013ના રોજ અમદાવાદમાં વડા પ્રધાન મનમોહન સિંહની હાજરીમાં કહ્યું હતું કે :
 
'જો સરદાર પટેલ દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત, તો ભારતનું સ્વરૂપ કંઈ જૂદું જ હોત.'
 
આ વર્ષેના સપ્ટેમ્બર મહિનાના બીજા અઠવાડિયે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે 'વીર સાવરકર દેશના પ્રથમ વડા પ્રધાન બન્યા હોત તો પાકિસ્તાન બન્યું જ ના હોત.' 
વીર સાવરકરને ભારત રત્ન આપવાની માગણી ઉદ્વવ ઠાકરેએ કરી હતી. ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં ચૂંટણી ઢંઢેરામાં વાયદો કર્યો હતો કે તેને સત્તા મળશે તો સાવરકરને ભારત રત્ન આપશે. તે વખતે બંને પક્ષો સાથે મળીને ચૂંટણી લડ્યા હતા અને ગઠબંધન માટે જનતા પાસે મતો માગ્યા હતા.
 
નરેન્દ્ર મોદી બીજી વાર વડા પ્રધાન બન્યા તે પછી જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ કરાયો, ત્યારે શિવસેનાએ ઉમળકાથી ટેકો આપ્યો હતો.  કલમ 370 હઠાવાઈ તે પછી પક્ષના મુખપત્ર સામનામાં લખાયું હતું કે 'કાશ્મીર મુસ્લિમોને ભેટમાં આપી શકાય નહીં.'
 
બાબરી મસ્જિદ વિધ્વંસ પછી બાળ ઠાકરેએ તેનું સમર્થન કર્યું હતું અને દાવો કર્યો હતો કે તેમાં શિવસૈનિકો પણ સામેલ હતા.બાબરી મસ્જિદના મુદ્દે લોકોમાં પ્રચાર કરવામાં ભાજપના પણ ઘણા નેતા સામેલ હતા.
 
સપ્ટેમ્બરમાં ઉદ્ધવે કહ્યું હતું સાવરકરનું અપમાન કરનારા કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરને જૂતા મારવા જોઈએ. મણિશંકર ઐયરે 2018માં કહ્યું હતું કે સાવરકરે જ 'ટુ નેશન થિયરી'ના બીજ વાવ્યા હતા.
 
સાવરકર વિશેના એક પુસ્તકના વિમોચનમાં ઉદ્ધવ ઠાકરએ કહ્યું હતું:
 
"જો સાવરકર આ દેશના વડા પ્રધાન બન્યા હોત, તો પાકિસ્તાનનો જન્મ જ ના થયો હોત.""અમારી સરકાર હિંદુત્વની છે અને અમે તેમને ભારત રત્ન આપવાની માગણી કરીએ છીએ."
 
સાવરકર ગાંધીજીની હત્યાના કેસમાં સહઆરોપી હતા. અદાલતે નાથુરામ વિનાયક ગોડસે અને નારાયણ દત્તાત્રેય આપ્ટેને ફાંસીની સજા આપી હતી. વિષ્ણુ આર. કરકરે, મદનલાલ કે પાહવા, શંકર કિસ્ટયા, ગોપાલ ગોડસે અને ડૉ. દત્તાત્રેય સદાશિવ પરચુરેને આજીવન કેદની સજા થઈ હતી.
 
પરંતુ ગાંધીજીની હત્યાના કેસમાં વિનાયક દામોદર સાવરકરને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. સાવરકર હિંદુત્વના પ્રખર સમર્થક હતા.
 
જોકે સાવરકરને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા તેની સામે ઘણા લોકો સવાલ ઉઠાવે છે.
 
તુષાર ગાંધીએ પોતાના પુસ્તક 'લૅટ્સ કિલ ગાંધી'માં લખ્યું છે:
 
"ગાંધીજીની હત્યાના કેસમાં વિનાયક દામોદર સાવરકરને મુક્ત કરાયા તેની સામે ઘણા સવાલો ઊભા થાય છે. સાવરકરની વિરુદ્ધ બરાબર તપાસ કરવામાં આવી નહોતી."
 
"પટેલે પણ આ વાતને સ્વીકારી હતી કે જો સાવરકર દોષી ઠર્યા હોત, તો મુસ્લિમો માટે મુશ્કેલી ઊભી થાત અને હિન્દુઓના ગુસ્સાને પણ સંભાળી શકાયો ના હોત."
 
હવે આ જ શિવસેનાએ કૉંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા શક્યા, કેમ કે તેમને કૉંગ્રેસનું સમર્થન મળ્યું. તેથી એ સવાલ ઊભો થાય છે કે કૉંગ્રેસને શું હવે એવા લોકો પણ સ્વીકાર્ય છે, જેઓ સાવરકરને ભારત રત્ન આપવાની માગણી કરે છે.
 
બાબરી મસ્જિદ વિધ્વંસનું સમર્થન કરનારા અને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવાનું સમર્થન કરનારાને શું કૉંગ્રેસ ટેકો આપી શકે?
 
આ મુદ્દાઓ પર કૉંગ્રેસનો અલગ મત છે 
 
આ બધા મુદ્દા પર કૉંગ્રેસના અભિપ્રાયો તદ્દન અલગ છે. હજી પણ પક્ષનો એ અલગ અભિપ્રાય ઊભો જ છે, કેમ કે પક્ષ તરફથી વિચાર બદલાયો હોવાની કોઈ જાહેરાત કરાઈ નથી. બીજી બાજુ શિવસેના સામે પણ સવાલ થઈ રહ્યો છે કે કૉંગ્રેસનો સાથ લીધા પછી શું તેણે હિંદુત્વની રાજનીતિને અલવિદા કરી દીધી છે?
શિવસેના-એનસીપી-કૉંગ્રેસ ગઠબંધનની સંયુક્ત સરકારની મંગળવારે રાત્રે જાહેરાત કરવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે અને 28 નવેમ્બરે શિવાજી પાર્કમાં શપથવિધિ યોજાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી.
 
સંયુક્ત બેઠકમાં એનસીપીના પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે, "આ એક નવા યુગની શરૂઆત છે."
 
"મહારાષ્ટ્ર દેશનો અગત્યનો પ્રદેશ છે. મહારાષ્ટ્ર પરિવર્તનની રાહ જોઈ રહ્યું છે. આ રાજ્ય ફરી એક વાર નંબર વન બનશે."
 
આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે સરકાર બનાવ્યા પછી તેઓ પોતાના 'મોટા ભાઈ'ને મળવા માટે દિલ્હી જશે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે ચૂંટણી પ્રચાર વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને 'નાના ભાઈ' કહ્યા હતા. ઠાકરે કહ્યું, "આ સરકાર બદલો લેવાની ભાવનાથી કામ નહીં કરે, પણ કોઈ અવરોધ ઊભો કરવાની કોશિશ કરશે, તો અમારી ટીમ માફ નહીં કરે."
 
આ પહેલાં મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે રાજીનામું આપવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે:
 
"શિવસેના ખોટું બોલી અને ગઠબંધનને દગો દીધો. વિચારધારાની રીતે મેળ ના ખાય તેવું આ ગઠબંધન છે."
 
તેના જવાબમાં મંગળવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, "હા, એ વાત સાચી કે મેં મારા પિતાથી અલગ લાઈન લીધી છે.""મેં એવું શા માટે કર્યું તે પણ હું જણાવીશ. એ વાત ખરી કે હું સોનિયા ગાંધીની કૉંગ્રેસ તથા લાંબા સમયથી વિરોધી રહેલા શરદ પવાર સાથે મળીને સરકાર બનાવી રહ્યો છું." "મેં આવું શા માટે કર્યું તે તર્ક પણ સમજાવીશ."
 
"પણ તે પહેલાં મને તેઓ એ જણાવે કે માતોશ્રી આવીને ખોટું કેમ બોલ્યા? આ અપમાન નથી તો શું છે?"
 
"મારું હિંદુત્વ ક્યારેય ખોટું નથી બોલતું. હું કોઈ વચન આપું તો તેને પાળું. બાલા સાહેબનો એ જ સિદ્ધાંત હતો."
 
આ બેઠકમાં શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ બાલાસાહેબ થોરાટે પોતાના વિધાનસભ્યો અને કાર્યકરોને કૉમન મિનિમમ પ્રોગ્રામ પ્રમાણે સાથ મળીને કામ કરવાની અપીલ કરી હતી. આ બેઠકમાં ઉદ્ધવે કહ્યું હતું, "આજે હું નિરાશ થયો છું કે મારા જૂના સાથીએ મારા પર ભરોસો ના કર્યો."
 
"હું 30 વર્ષથી જેમની સાથે લડતો રહ્યો તે લોકોએ મારા પર વિશ્વાસ મૂક્યો."
 
આ બેઠકમાં શરદ પવારે કહ્યું હતું, "જ્યોર્જ ફર્નાન્ડિઝ, હું અને બાળા સાહેબ ઠાકરે ક્યારેય જાહેરસભાઓમાં ઝઘડ્યા નહોતા.""અમે ત્રણેય સારા દોસ્તો હતા. મેં ઘણી વાર દિવંગત મીનાતાઈ ઠાકરેના હાથે બનેલા સ્વાદિષ્ટ પકવાન ખાધા છે."
શિવસેના અને કૉંગ્રેસની દુવિધા અને નિકટતા
 
શિવસેના અને કૉંગ્રેસ સત્તામાં ક્યારેય સાથે રહ્યા નથી, પણ ઘણા મુદ્દા પર બંને પક્ષો એક સાથે પણ રહ્યા છે.
 
1976માં ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગુ કરી ત્યારે ટેકો આપનારા કેટલાક પક્ષોમાં શિવસેના પણ હતી. તે વખતે બાળ ઠાકરેએ કહ્યું હતું કે કટોકટી દેશના હિતમાં છે.
 
કટોકટી પૂરી થઈ તે પછી મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નહોતી. તે વખતે બાળ ઠાકરેએ મુરલી દેવરાને મેયર તરીકે ટેકો આપવાનું નક્કી કર્યું હતું. 1980માં શિવસેનાએ ફરી એક વાર કૉંગ્રેસને સમર્થન આપ્યું હતું. બાળ ઠાકરે અને કૉંગ્રેસના નેતા અબ્દુલ રહેમાન અંતુલે વચ્ચે સારા સંબંધો હતા અને ઠાકરેએ તેમને મુખ્ય મંત્રી બનવામાં મદદ કરી હતી.
 
1980ના દાયકામાં બાદમાં ભાજપ અને શિવસેના બંને સાથે જોડાયા તે પછી બાળ ઠાકરે જાહેરમાં કૉંગ્રેસને સમર્થન આપવાનું બંધ કરી દીધું હતું. આમ છતાં 2007માં કૉંગ્રેસે રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે પ્રતિભા પાટિલને પસંદ કર્યા, ત્યારે ભાજપના ઉમેદવારને બદલે તેમને જ ટેકો આપ્યો હતો.
 
પ્રતિભા પાટીલ મરાઠી હોવાથી તેમને ટેકો આપીશું અને ભાજપના ઉમેદવારને ટેકો નહીં આપીએ તેમ શિવસેનાએ કહ્યું હતું.
 
પાંચ વર્ષ પછી ફરી એક વાર રાષ્ટ્રપતિની ચૂંટણી આવી ત્યારે પણ કૉંગ્રેસના ઉમેદવાર પ્રણવ મુખરજીને શિવસેનાએ ટેકો આપ્યો હતો. બાળ ઠાકરે જાહેરમાં કહ્યું હતું કે તેઓ શરદ પવારને વડા પ્રધાન બનાવવા માટે સમર્થન આપવા તૈયાર છે.
 
હવે શિવ સેના-કૉંગ્રેસ સાથે
 
મુસ્લિમો વિશે શિવસેનાના વલણ સામે કૉંગ્રેસ ભલે સવાલો ઉઠાવતી આવી હોય, પણ કૉંગ્રેસ જરૂર પડી ત્યારે શિવસેનાનો ટેકો લેતી આવી છે. કૉંગ્રેસ એવી દલીલ પણ કરે છે કે શિવસેનાની સરકાર ના બનવા દેવી, તેના કરતાં બિનસાંપ્રદાયિકતા માટે ભાજપની સરકાર ના બનવા દેવી તે વધારે જરૂરી છે.
 
એવો સવાલ પણ પૂછાય રહ્યો છે કે શું આગામી ચૂંટણીઓ શિવસેના અને કૉંગ્રેસ સાથે મળીને લડશે?
 
શિવસેનાની હિંદુત્વવાદી પક્ષ તરીકેની છાપનું શું થશે? શું શિવસેના કૉંગ્રેસની સાથે રહીને આક્રમક હિંદુત્વવાદી પક્ષ બની શકે ખરો? શું કૉંગ્રેસ શિવસેનાની સાથે રહીને બિનસાંપ્રદાયિક હોવાનો દાવો કરી શકે ખરી?