1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 1 માર્ચ 2024 (16:53 IST)

'મેં ઉત્તરાખંડની સુરંગમાંથી 41 મજૂરોના જીવ બચાવ્યા, તેમણે મારું ઘર તોડી પાડ્યું' - રૅટ માઇનર વકીલ હસનની કહાણી

vakil hasan
ઉત્તરકાશીમાં સુરંગમાં ફસાયેલા 41 મજૂરોનાં બચાવકાર્યમાં ભાગ લેનારા રૅટ માઇનર વકીલ હસનનું દિલ્હીના ખજૂરીખાસ વિસ્તારમાં આવેલું ઘર દિલ્હી ડેવલપમેન્ટ ઑથોરિટી (ડીડીએ)એ બુલડોઝરથી તોડી પાડ્યું છે.
 
ડીડીએના જણાવ્યા અનુસાર, જે જમીન પર આ ઘર બનાવવામાં આવ્યું હતું તે સરકારી જમીન હતી, પરંતુ વકીલ હસનનો દાવો છે કે આ કાર્યવાહી પહેલાં તેમને કોઈ નોટિસ મળી નથી.
 
બીબીસીના સહયોગી પત્રકાર આસિફ અલી સાથે વાત કરતા વકીલ હસને કહ્યું, "બુધવારે ડીડીએના અધિકારીઓ અને પોલીસ અચાનક બુલડોઝર સાથે મારા ઘરે પહોંચ્યા અને ઘરને તોડવાનું શરૂ કર્યું. મેં તેમને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ નોટિસ છે? પરંતુ તેમણે કોઈ નોટિસ બતાવી ન હતી."
 
વકીલ હસનના કહેવા પ્રમાણે, પોલીસ તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને સરકારી કામમાં અવરોધનો આરોપ લગાવીને કલાકો સુધી બેસાડી રાખ્યા.
 
ફૂટપાથ પર બેસી રાત પસાર કરી
વકીલ હસને કહ્યું કે તેનો પરિવાર આખી રાત ફૂટપાથ પર બેસી રહ્યો અને પડોશીઓએ તેમને ખાવાનું આપ્યું.
 
તેઓ કહે છે, "જ્યારે ઘર તોડવામાં આવી રહ્યું હતું ત્યારે મારાં પત્ની ઘરે નહોતાં. ખાલી મારાં બાળકો હાજર હતાં. તેમણે અધિકારીઓને એમ પણ કહ્યું કે અમારા પિતાએ ઉત્તરકાશીમાં મજૂરોને બચાવ્યા છે, તમે અમારું ઘર તોડશો નહીં."
 
વકીલ હસનના કહેવા પ્રમાણે, થોડા મહિના પહેલાં જ્યારે અમે મળીને સુરંગમાંથી કામદારોને બચાવ્યા હતા ત્યારે આખા દેશે અમને હીરો બનાવ્યા હતા અને આજે મારી સાથે આવું થયું છે.
 
તેમનો દાવો છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ભૂખ હડતાળ કરશે.
 
તેમણે કહ્યું કે આ વિસ્તારમાં બીજાં ઘણાં ઘરો છે પરંતુ ડીડીએ અધિકારીઓ તેમને વારંવાર નિશાન બનાવતા રહ્યા અને પૈસાની માગણી કરતા રહ્યા.
 
વકીલ હસન કહે છે, "થોડા સમય પહેલાં જ્યારે સાંસદ મનોજ તિવારી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ અહીં આવ્યા હતા, ત્યારે મેં તેમને આ સમસ્યાનું નિરાકરણ લાવવા કહ્યું હતું, ત્યારે તેમણે મને વચન આપ્યું હતું કે તમારું ઘર ક્યાંય નહીં જાય. હું 14 વર્ષથી અહીં રહું છું."