મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 28 ઑગસ્ટ 2019 (11:45 IST)

બાંગ્લાદેશ : એ દેશ જેણે લગ્નનાં ફૉર્મમાંથી ‘વર્જિન’ શબ્દ હઠાવ્યો

પાંચ વર્ષથી મહિલા અધિકારો માટે લડાઈ લડતાં બાંગ્લાદેશી મહિલા પરિષદનો સંઘર્ષ સાર્થક નીવડ્યો છે અને મહિલાઓની જીત થઈ છે.
બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે મહિલાઓનાં પક્ષમાં એક મોટો નિર્ણય આપ્યો છે કે હવે તેમણે તેમનાં લગ્નનાં સર્ટિફિકેટ પર 'વર્જિન' એટલે કે કુમારી શબ્દ નહીં લખવો પડે.
કોર્ટે બાંગ્લાદેશ સરકારને આદેશ આપ્યા છે કે સર્ટિફિકેટ પર 'વર્જિન' શબ્દની જગ્યાએ 'અનમૅરિડ' એટલે કે 'અવિવાહિત' શબ્દનો ઉપયોગ કરવામાં આવે.
અત્યાર સુધી બાંગ્લાદેશમાં લગ્ન સમયે સર્ટિફિકેટમાં મહિલાઓએ પોતાનું સ્ટેટસ પસંદ કરવું પડતું હતું. તેમાં ત્રણ વિકલ્પ મૂકવામાં આવતા - કુમારી, તલાકશુદા અને વિધવા.
હવે કોર્ટના નિર્ણય બાદ 'કુમારી'ની જગ્યાએ 'અવિવાહિત' મૂકવામાં આવશે જ્યારે 'તલાકશુદા' અને 'વિધવા' જેમના તેમ રહેશે.
કોર્ટના નવા નિયમ પ્રમાણે હવે દુલ્હાએ પણ એ જણાવવાનું રહેશે કે તે 'અવિવાહિત' છે, 'તલાકશુદા' છે કે પછી 'વિધુર' છે. આ પહેલાં પુરુષોએ આવું કંઈ કરવું પડતું ન હતું.
 
2014માં કરાઈ હતી અરજી
આ કેસ લડનારા વકીલે વર્ષ 2014માં આ મામલે કોર્ટમાં અરજી કરી હતી.
તેમણે દલીલ આપી કે લગ્નનાં સર્ટિફિકેટ પર ભરાવવામાં આવતી માહિતી મહિલાઓ માટે શરમજનક છે અને તેનાથી તેમની ગોપનીયતા પણ ખતરામાં હતી.
પરંતુ હવે નવા કાયદાથી મહિલાઓને રાહત મળી છે. આ નિર્ણય થોડા મહિનાઓની અંદર લાગુ થવાની શક્યતા છે.
 
શું છે લોકોની પ્રતિક્રિયા?
આ કેસ સાથે સંકળાયેલાં વકીલ એનુન નાહર સિદ્દીક્વાનું કહેવું છે, "આ એક ઐતિહાસિક નિર્ણય છે."
આ તરફ સ્થાનિક મૅરેજ રજિસ્ટ્રારે કહ્યું કે હવે તેઓ તેમજ તેમના સહયોગીઓ કોર્ટના આદેશનું જલદી પાલન થાય તેની રાહ જોઈ રહ્યાં છે.
રૉયટર્સ સાથેની વાતચીત દરમિયાન મૅરેજ રજિસ્ટ્રાર મોહમ્મદ અલી અકબરે કહ્યું, "મેં ઢાકામાં ઘણાં લગ્ન કરાવ્યાં છે, મને હંમેશાં સવાલ કરવામાં આવે છે કે પુરુષોને તેમનું સ્ટેટસ જાહેર ન કરવાની સ્વતંત્રતા કેમ છે? હું હંમેશાં તેમને કહેતો કે આ મારા હાથમાં નથી."
તેઓ ઉમેરે છે, "હવે હું આશા રાખું છું કે મારી સામે આ સવાલ હવે નહીં કરવામાં આવે."