શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 28 એપ્રિલ 2021 (13:13 IST)

ભારતમાં કોરોના વાઇરસનો સૌથી મોટો ઉછાળો ક્યારે આવશે અને ક્યારથી કેસ ઘટશે?

સોમવારે ભારતમાં સાડા ત્રણ લાખ નવા કેસ નોંધાયા હતા, જ્યારે રવિવાર સાંજની સ્થિતિ પ્રમાણે, ગુજરાતમાં 14 હજાર 296 નવા કેસ નોંધાયા છે. જે વિશ્વની ટોચ છે અને તેને અન્ય કોઈ દેશ પાર કરશે એમ જણાતું નથી. છતાં કોરોનાની બીજી લહેર હજુ દૂર હોવાનું સરકારનું માનવું છે અને આ ટોચ મે મહિનાના મધ્યભાગમાં આવી શકે છે, જ્યારે દેશમા કુલ કેસની દૈનિક સંખ્યા પાંચ લાખ પર પહોંચી જવાની આશંકા છે.
 
મહારાષ્ટ્ર અને ગુજરાત બાદ વધુ વસતિગીચતા ધરાવતાં રાજ્યો તથા જે રાજ્યોમાં આરોગ્યસેવાઓ પૂરતી તૈયાર નથી, ત્યાં ચિંતાજનક દૃશ્ય ઊભું થઈ શકે તેવી શક્યતા છે.
 
તાજેતરમાં દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોના મુખ્ય મંત્રીઓની બેઠકમાં નીતિ આયોગના આરોગ્ય બાબતના સભ્યે આરોગ્યક્ષેત્રે માળખાકીય સુવિધામાં કેટલી કેટલી ઘટ ઊભી થશે તે મુદ્દે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
 
દરરોજ પાંચ લાખ કેસ
 
કોરોનાની લહેરમાં 'ટોચ' એટલે કે એવી સર્વોચ્ચ સપાટી કે જ્યાં સુધી કેસની સંખ્યા પહોંચ્યા બાદ તેમાં ઘટાડો નોંધાવવાનો શરૂ થાય. આ ઘટાડો એકાદ દિવસનો નહીં, પરંતુ લગભગ સળંગ 14 દિવસનો હોવો જોઈએ.
 
'ધ સન્ડે એક્સપ્રેસ'ના રિપોર્ટ મુજબનીતિ આયોગના આરોગ્ય બાબતોના સભ્ય ડૉ. વી. કે. પૉલે પોતાના પ્રેઝન્ટેશનમાં આશંકા વ્યક્ત કરી હતી કે મે મહિનાના મધ્યભાગમાં બીજી લહેર તેની ટોચ ઉપર હશે.
 
એ સમયે દેશમાં દૈનિક પાંચ લાખ કે તેથી વધુ કેસ નોંધાશે. જેમાં ઘટાડો થવામાં સમય લાગશે અને જૂન કે જુલાઈ મહિનામાં સ્થિતિ થોડી સામાન્ય બનશે, એવી આગાહી કરવામાં આવી છે.
 
એપ્રિલ મહિનાના અંતભાગમાં દૈનિક કેસની સંખ્યા એક લાખ 20 હજાર સાથે ઉત્તર પ્રદેશ ટોચ પર હશે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે.
 
દૈનિક લગભગ એક લાખ કેસ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે, 67 હજાર કેસ સાથે દિલ્હી ત્રીજા ક્રમે હશે. આ યાદીમાં ગુજરાતને 10મા ક્રમે મૂકવામાં આવ્યું છે.
 
નીતિ આયોગના અનુમાન પ્રમાણે, ગુજરાતમાં દૈનિક 25 હજાર 440 કેસ નોંધાશે. ગુજરાતમાં ઓક્સિજન સાથેના આઇસોલેશન બેડ (2,130), આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) 409 તથા વૅન્ટિલેટર 203ની ઘટ ઊભી થશે.
 
આ પ્રેઝન્ટેશનમાં નીતિ આયોગે કોરોના વાઇરસના પ્રસારની ચેઇનને તોડવા માટે, રસીકરણની નીતિને સર્વસમાવેશક તથા વધુ ઉદાર બનાવવા, ઓક્સિજનના ઉત્પાદન તથા પ્રાપ્યતામાં વધારો કરવા તથા રેમડેસિવિરની ઉપલબ્ધતા વધારવા ઉપર ભાર મૂક્યો છે.
 
નીતિન પટેલને તાત્કાલિક બેડ કેવી રીતે મળી ગયો? સોશિયલ મીડિયા પર લોકોના તીખા સવાલ
 
સોમવારે પૉલે લોકોને ઘરમાં પણ માસ્ક પહેરી રાખવાની તથા બિનજરૂરી રીતે મહેમાનોને આમંત્રિત નહીં કરવાની સલાહ આપી હતી.
 
આરોગ્યક્ષેત્રના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, નવા બેડની જોગવાઈ કરવી એટલી મુશ્કેલ નથી, પરંતુ કુશળ અને તાલીમબદ્ધ કર્મચારીઓની પ્રાપ્યતા તથા ઇન્જેકશન તથા દવાઓની પ્રાપ્યતાએ ચિંતાનો વિષય છે. કોરોના છતાં કુંભ મેળો, ખેડૂતોનું આંદોલન તથા ચૂંટણીની જાહેરસભા યથાવત્ રહ્યાં, જેના કારણે કેસોની સંખ્યા વધી.
 
મિશિગન યુનિવર્સિટીમાં ઍપિડેમિલૉજી તથા બાયૉસ્ટેટ્સ્ટિક્સ વિભાગનાં પ્રાધ્યાપક ભ્રમર મુખરજીએ 'ધ વાયર' સાથે વાત કરતા જણાવ્યું, "હાલમાં જે આંકડા જોવા મળી રહ્યા છે, તે ચિંતા ઉપજાવે તેવા છે અને સરકારે પ્રાદેશિક લૉકડાઉન લાદવા વિશે વિચારવું જોઈએ."
 
"આ સિવાય જેટલું બને એટલું ઝડપથી વૅક્સિનાઇઝેશન મોટાપાયે હાથ ધરવું જોઈએ અને જાહેર કે બંધ બારણે મેળાવડા ઉપર પ્રતિબંધ લાદવા જોઈએ. અન્યથા ભારતમાં મે મહિનાના મધ્યભાગમાં દૈનિક આઠથી 10 લાખ કેસ અને મે મહિનાના અંતભાગમાં 5,500 મૃત્યુની ટોચ આવવાની સંભાવના છે."
 
ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, રાજસ્થાન છત્તિસગઢ, ગુજરાત તથા તામિલનાડુમાં એક લાખ કરતાં વધુ ઍક્ટિવ કેસ છે. તા. 26મી એપ્રિલ સુધીમાં ભારતમાં કોવિડ વૅક્સિનના 14 કરોડ 19 લાખ કરતાં વધુ ડોઝ અપાય ગયા છે.
 
ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં 'સ્વૈચ્છિક લૉકડાઉન'ની જાહેરાત વેપારીસંઘો તથા સ્થાનિક સ્વરાજ્યના એકમો દ્વારા કરવામાં આવી છે. આ સિવાય અનેક બજારોમાં વેપારના કલાક ઘટાડી નાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, કર્ણાટક તથા દિલ્હીએ વ્યાપક નિયંત્રણો સાથે લૉકડાઉનની જાહેરાત કરી છે.
 
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનાના મધ્યભાગમાં ભારતમાં કોરોના ટોચ ઉપર પહોંચ્યો હતો. એ સમયે 10 લાખ કરતાં વઘુ ઍક્ટિવ કેસ હતા. એ સમયે કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા એક લાખ 14 હજાર જેટલી હતી.
 
ભારતમાં વિશ્વની છઠ્ઠા ભાગની વસતિ નિવાસ કરે છે અને કેસની સંખ્યા પણ છઠ્ઠા ભાગની છે. એ સમયે વિશ્વના 10મા ભાગના કેસ ભારતમાં નોંધાયેલા હતા. ભારતમાં કેસ ફૅટાલિટી રેટ (CFR) બે ટકાનો હતો, જે વિશ્વના સૌથી ઓછા દરમાંથી એક છે.
 
આ પછી કેસની સંખ્યામાં ઘટાડો નોંધાવા લાગ્યો હતો. અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી ખાતે 'સ્કૂલ ઑફ પબ્લિક હેલ્થના ડીન' ડૉ. આશીષ ઝાએ 'ઇન્ડિયા ટુડે' સાથે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે દરરોજ લાખો કેસ નોંધાવા છતાં કોરોનાની પીક આવી છે, એમ કહી ન શકાય તે વાઇરસની તાસિર છે.
 
'કોરોનાના કેસ ઘટવાને કારણે દેશના નીતિનિર્માતા તથા જનતામાં કોરોનાને 'હરાવી દીધા'નો ભાવ આવી ગયો હતો, વાસ્તવમાં એવું ન હતું."
 
"લોકો મોટાપાયે મેળાવડામાં ભાગ લેવા માંડ્યા, રાજકીય રેલીઓ યોજાવા લાગી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક જેવી મૂળભૂત બાબતો ઉપર ધ્યાન દેવાનું બંધ કરી દીધું, જેના કારણે આજે આ ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે."
 
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, સોમવારની સાંજે વિશ્વમાં કુલ 14 કરોડ 72 લાખ 66 હજાર જેટલા કેસ નોંધાયેલા છે. જેમાંથી ભારતમાં એક કરોડ 73 લાખ 13 હજાર જેટલા કેસ નોંધાયેલા છે. અમેરિકા (32 કરોડ 77 હજાર 569) પછી ભારત વિશ્વમાં બીજાક્રમે છે. ભારતમાં વિશ્વના સરેરાશ 8.5 ટકા કેસ નોંધાયેલા છે.
 
કોરોનાને કારણે વિશ્વમાં 31 લાખ 11 હજાર 247 મૃત્યુ થયાં છે, જેમાંથી ભારતમાં એક લાખ 95 હજાર 123 મૃત્યુ થયાં છે. ભારત અમેરિકા, બ્રાઝિલ તથા મેક્સિકો બાદ ચોથા ક્રમે છે. વિશ્વમાં થયેલા કુલ મૃત્યુમાંથી 16 ટકા અવસાન ભારતમાં થયા છે.
 
આંકડાના આ પૂર્વાનુમાન સરકારની કામગીરી યથાવત્ રહેશે તથા લોકોની જાગૃતિ છે એવી જ રહેશે, એવી ધારણા રાખે છે.
 
પ્રો. મુખરજીના કહેવા પ્રમાણે, ભારતમાં અત્યારે પ્રોજેકશન (સંભાવના) કરતાં ઍક્શન (કામગીરી)ની વધારે જરૂર છે.