ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By કીર્તિ દુબે|
Last Modified: બુધવાર, 14 એપ્રિલ 2021 (07:20 IST)

રેમડેસિવિર : ગુજરાત સહિત ભારતમાં આ દવાની અછત કઈ રીતે સર્જાઈ

remdesivir injection
મારું નામ માધુરી છે. અહીં મેડિકલની દુકાન પર સવારના છ વાગ્યાથી લાઇન લાગી છે. 10 વાગ્યે દુકાન પર નોટિસ લગાવીને જણાવી દેવાયું કે અહીં રેમડેસિવિર નથી. મારા સસરા હૉસ્પિટલમાં છે અને ડૉક્ટરે કહ્યું છે કે રેમડેસિવિર લાવો, ત્યારે જ લગાવી શકાશે. હૉસ્પિટલવાળા દરદી પાસેથી જ મને ફોન કરાવીને પુછાવી રહ્યા છે કે દવા મળી કે નહીં? હું શું કરું?"
 
પૂણેના માધુરીના સસરા કોવિડ સેન્ટરમાં દાખલ છે અને તેમને રેમડેસિવિરની જરૂર છે.
 
માધુરીની જેમ જ ઘણા લોકો ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કોરોનાની સારવારમાં કામ લાગતી ઍન્ટી વાઇરલ દવા રેમડેસિવિર ખરીદવા માટે લાંબીલાંબી કતારો લગાવી પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. જોકે, આમાંથી મોટા ભાગના લોકોને વીલા મોઢે પરત ફરવું પડી રહ્યું છે.
 
વિશ્વ આખામાં કોવિડ-19ના સંક્રમણના કેસમાં સોમવારે ભારતે બ્રાઝિલને પાછળ છોડી દીધું. ગત 24 કલાકમાં દેશમાં એક લાખ 68 હજારથી વધુ મામલા નોંધાયા અને 900થી વધારે લોકોનાં મૃત્યુ થયાં.
 
એવામાં રેમડેસિવિરની અછતને જોતાં ભારતે રવિવારે આ દવાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
 
અમેરિકાની ફાર્માસ્યુટિકલ કંપની જીલિયડ રેમેડેસિવિર બનાવે છે અને ખરેખર તો આ ઇબોલા વાઇરસના દરદીઓની સારવાર માટે શોધાઈ હતી
 
ભારત જ્યારે કોરોના વાઇરસની બીજી લહેર સામે લડી રહ્યું છે અને કોરોનાના કેસે ગત વર્ષના સપ્ટેમ્બર (કોરોનાની પ્રથમ લહેર)નો રેકૉર્ડ પણ તોડી નાખ્યો છે ત્યારે દેશમાં રેમડેસિવિરની અછત સર્જાવાનું કારણ શું છે?
 
અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ગત ડિસેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધી રેમડેસિવિર ઓછી કે લગભગ ન બરોબર માગ હતી એટલે આનું ઉત્પાદન અટાકવી દેવાયું હતું.
 
સ્પષ્ટ છે કે ત્રણ મહિના સુધી ઉત્પાદન ન બરાબર થવું આ દવાના પુરવઠાની ઘટ પાછળનું મોટું કારણ છે. ભારતમાં સાત કંપનીઓ (માયલેન, હેટ્રો હેલ્થ કૅર, જુબલિયન્ટ, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝ્ લૅબ, સન ફાર્મા અને ઝાયડસ) રેમડેસિવિરનું ઉત્પાદન કરે છે.
 
હવે કેન્દ્ર સરકારે આ તમામ કંપનીઓને રેમડેસિવિરનું ઉત્પાદન વધારવા માટે કહ્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં લોકો મોટા પ્રમાણમાં રેમડેસિવિર ખરીદી રહ્યા છે અને સંગ્રહ પણ કરી રહ્યા છે.
 
ગત શુક્રવારે ગુજરાતમાં સુરતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે કહ્યું હતું કે તેઓ રેમડેસિવિરનાં 5000 ઇન્જેક્શનો જરૂરીયાતવાળા લોકોને વહેંચશે. એ બાદ સુરતસ્થિત ભાજપના કાર્યાલય પર લોકોની લાંબી કતારો લાગી અને આ વાતની ભારે ટીકા પણ થઈ.
 
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશનના મહાસચિવ ડૉક્ટર રવિ વાનખેડકરે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, "વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે કે ગત એક વર્ષમાં અમે જોયું કે જો કોઈ કોરાનાથી સંક્રમિત દરદીના પ્રારંભિક દિવસોમાં રેમડેસિવિરનો ઉપયોગ કરવામાં આવે તો તેની સ્થિતિ ગંભીર બનતા અટકાવી શકાય છે."
 
તેઓ કહે છે, "રેમડેસિવિરની અછત સર્જાવા પાછળનું કારણ ડૉક્ટરો દ્વારા વગર વિચાર્યે સૌને રેમડેસિવિર લેવાની સલાહ આપવી પણ છે. હકીકતમાં આને માત્ર મધ્યમ કે ગંભીર સંક્રમણમાં જ આપવી જોઈએ. પણ કેટલાય ડૉક્ટરો વિચાર્યા વગર જ આ દવા લખી રહ્યા છે."
 
ડૉક્ટર રવિના અનુસાર, "દવાની અછતનું એક કારણ એ પણ છે કે બીજી લહેરમાં સંક્રમણ નાનાં ગામોમાં પહોંચી ગયું છે. અહીં લોકો જે નાના ડૉક્ટરો કે એમ કહું કે નૉન-એમબીબીએસ ડૉક્ટરોને બતાવી રહ્યા છે તે પણ રેમડેસિવિરની સલાહ આપી રહ્યા છે."
 
"આજ કારણ છે કે માગ આટલી બધી વધી ગઈ છે કે લોકોએ હજારો રૂપિયામાં એક ડોઝ ખરીદ્યો છે."
 
કોરોનાની રસી લીધા પછી શું તકેદારી રાખવી અને માસ્ક ક્યાં સુધી પહેરી રાખવું પડશે?
 
રેમડેસિવિરની અછતને કાબૂમાં કરવા માટે શું થઈ રહ્યું છે?
 
ગુજરાતમાં કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે રેમેડેસિવિરની ભારે માગ જોવા મળી રહી છે
 
ફાર્માસ્યુટિકલ વિભાગે રેમડેસિવિર બનાવનારી કંપનીઓ પાસેથી 38 લાખ વાઇલ (દવાની શીશી)નું ઉત્પાદન કરવા માટે કહ્યું છે.
 
મહારાષ્ટ્ર સરકારે રેમડેસિવિર કોને આપવામાં આવશે એ અંગેના નવા નિયમો જાહેર કરાયું છે. વિભાગ દ્વારા એક ફૉર્મ જાહેર કરાયો છે. તેમાં દરદીનું ઓક્સિજન લેવલ, તાવ સહિતની જરૂરી જાણકારી ભરવી પડશે.
 
તેના પર હૉસ્પિટલના ઇન્ચાર્જે સહી કરવી પડશે અને ત્યારે જ રેમડેસિવિર આપવામા આવશે.
 
દવાની કાળાબજારી ન થાય એ માટે મહારાષ્ટ્ર સરકારે રેમડેસિવિરની કિંમતો પણ નક્કી કરી છે. હૉસ્પિટલમાં અત્યારે 100 એમજીની શીશીની કિંમત 2,240 રૂપિયા હશે. તો કૅમિસ્ટની દુકાન પર આ કિંમત 2,360 રૂપિયા હશે.
 
ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ છ ટકા ઘટતાં તબીબો ચિંતામાં કેમ?
 
આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર 11 એપ્રિલે દેશમાં 'ટીકા ઉત્સવ'નો પ્રારંભ કર્યો, જે 14 એપ્રિલ સુધી ચાલશે. આ અંતર્ગત 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
 
બીજી તરફ, ગત સપ્તાહે દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદ અને મહારાષ્ટ્ર, પંજાબ તથા છત્તીસગઢના કેટલાય વિસ્તારોમાં કોરોનીની રસીની અછતને લીધે રસીકરણનાં કેન્દ્રો પર રસીકરણ અટકાવી દેવું પડ્યું હતું.
 
એવામાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત વિપક્ષનાં કેટલાંય લોકોએ વડા પ્રધાનને રસીની નિકાસ પર રોક લગાવવા માટેની માગ કરી છે.
 
સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે ભારતે પોતાના ત્યાં તમામ ઉંમરના લોકોને કોરોનાની રસી આપ્યા પહેલાં તેની નિકાસ કરવાનો નિર્ણય કેમ લીધો?
 
આનો જવાબ સમજવા માટે થોડું પાછળ જવું પડશે. હકીકતમાં ડિસેમ્બર સુધી ભારતમાં કોરોનાના કેસ મોટા પ્રમાણમાં ઘટી ગયા હતા. કહેવાઈ રહ્યું હતું કે દેશ કદાચ હર્ડ ઇમ્યુનિટીની નજીક જઈ રહ્યો છે.
 
આ દરમિયાન ભારત રસીના સૌથી મોટા સપ્લાયર તરીકે ઊભર્યું અને 'વૅક્સિન ડિપ્લોમસી' અંતર્ગત લાખો ડોઝ કેટલાય દેશોને મોકલવામાં આવ્યા.
 
ભારતનું આ પગલું એ માટે પણ મહત્ત્વપૂર્ણ હતું કે અમેરિકા જેવા દેશે રસીની નિકાસ પર ત્યાં સુધી રોક લગાવી દીધી છે કે જ્યાં સુધી તેના આખા દેશનું રસીકરણ પૂર્ણ ન થાય.
 
જોકે, ભારતે વયમર્યાદા નક્કી કરીને રસીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો. ભારતે ઘાના, ફિજી, ભુટાન જેવાં રાષ્ટ્રોને તો રસી મોકલી જ પણ સાઉદી અરેબિયા, બ્રિટન અને કૅનેડા જેવા પૈસાદાર દેશોમાં પણ રસીની નિકાસ કરી.
 
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર અત્યાર સુધી ભારતમાં 10 કરોડથી વધારે લોકોને રસી આપવામાં આવી છે.
 
આ સંખ્યા જોવામાં મોટી લાગી શકે પણ વસતીની દૃષ્ટિએ જોતા ભારત રસીકરણની બાબતમાં ઘણું પાછળ છે.
 
અવર વર્લ્ડ ઇન ડેટા અનુસાર ભારમતાં 5.7 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ મળ્યો છે. જ્યારે બ્રિટનમાં 46.71 અને અમેરિકામાં 32.89 ટકા વસતીને રસી આપી દેવામાં આવી છે.
 
આ મામલે બ્રાઝિલ પણ ભારત કરતાં આગળ છે. અહીં 8.87 ટકા લોકોને રસી આપવામાં આવી છે. ભુટાન કે જ્યાં ભારતે રસી મોકલી છે ત્યાં 61.04 ટકા લોકોનું રસીકરણ થઈ ગયું છે.
 
'બિકિની કિલર ચાર્લ્સ શોભરાજ જેટલો ઘૃણાસ્પદ ગુનેગાર મારી કૅરિયરમાં નથી જોયો'
 
ઝડપથી વધી રહેલા કોરોના કેસને જોતાં રસીની આયાત કેમ નથી કરાઈ રહી? આખરે પરિસ્થિતિ આટલી ખરાબ કઈ રીતે થઈ ગઈ?
 
સવાલોના જવાબમાં ડૉક્ટર વાનખેડકર કહે છે, "સરકારના નિર્ણયો માત્ર વિશેષજ્ઞો જ નહીં બ્યુરોક્રેટ લઈ રહ્યા છે. પણ બ્યુરોક્રેટનું પ્લાનિંગ ખોટું પડ્યું."
 
ડૉક્ટર રવિનું માનવું છે કે ભારત સરકારને જે દેશો સાથે સારા સંબંધો છે ત્યાંનાં તમામ સંશાધનોનો ઉપયોગ કરીને રસીની આયાત કરવી જોઈએ.
 
તેમણે કહ્યું, "આપણે બાકીના પ્રાઇવેટ પ્લેયરોને કેમ રસી બનાવવાની મંજૂરી નથી આપતા? હાલમાં જ મહારાષ્ટ્રે રાજ્યમાં કોવૅક્સિનના ઉત્પાદનની મંજૂરી માગી હતી પણ ન અપાઈ. "
 
ડૉક્ટર રવિનું માનવું છે કે સરકારે રસીકરણની યોજનાનું એટલું કેન્દ્રીયકરણ કરી નાખ્યું છે કે રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ પોતાની મેળે પગલાં લઈ શકે એમ નથી.
 
તેઓ કહે છે, "સ્વાસ્થ્ય વિભાગ રાજ્યની અંતર્ગત આવે છે. જોકે, અહીં તમામ નીતિ કેન્દ્ર સરકાર જ ઘડી રહ્યું છે. રાજ્ય અને સ્થાનિક તંત્રને બહુ સારી રીતે જાણ હોય છે કે કેવી રીતે રસીનું અભિયાન ચલાવાય તો વધુને વધુ લોકો સુધી રસી પહોંચાડી શકાય."
 
ડૉક્ટર રવિના મતે, "વડા પ્રધાને રસીકરણ અંગેના જે આંકડા જણાવ્યા છે તે સાંભળવામાં સારા લાગે છે. જાણે ભારતમાં દરરોજ અમેરિકા કે કોઈ અન્ય કરતાં વધારે લોકોને રસી આપવામાં આવી છે. પણ જો તમે વસતીના હિસાબે જુઓ તો તસવીર થોડી અલગ લાગશે અને સત્ય એ જ છે."
 
ડૉક્ટર રવિનું કહેવું છે કે આ સમય 'ક્યાં અને કઈ રીતે ખોટું થયું' તેના પર ચર્ચા કરવાનો નથી. ભૂલો સુધારવાનો અને રસીકરણની ઝડપ વધારવાનો છે.