શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (19:10 IST)

અમદાવાદની ઝાયડસ હોસ્પિટલે રેમડેસિવિર ઈન્જેક્શનનો સ્ટોક ખૂટી જતા ફરીથી વેચાણ બંધ કર્યું

કોરોનાના ગંભીર લક્ષણો તથા શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા દર્દીઓના જીવ બચાવવા માટે રેમડેસિવિરનો ઉપયોગ કરાઈ રહ્યો છે. અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી દર્દીના સ્વજનો માટે રેમડેસિવિર ઇન્જેક્શનનું વેચાણ કરાતું હતું. જોકે ઇન્જેક્શનનો સ્ટોક ન હોવાથી આજે 12 એપ્રિલ સાંજે ચાર વાગ્યાથી ઝાયડ્સ હોસ્પિટલ દ્વારા તેનું વિતરણ બંધ કરવામાં આવ્યું છે.

ઝાયડસ હોસ્પિટલ દ્વારા આ મામલે એક પત્ર જાહેર કરીને જાણકારી આપવામાં આવી હતી.રાજ્યમાં જે રીતે રેમડેસિવિર ઇન્જેક્શનની અછત વર્તાઈ છે અને દિવસે દિવસે ઇન્જેક્શનની માગ વધી રહી છે, જેથી લોકો પોતાનાં સ્વજનો માટે ઇન્જેક્શન લેવા સોમવારે વહેલી સવારથી લાઈનમાં ટોકન લેવા લાઈનમાં આવી ગયા હતા. આજે સવારથી ઇન્જેક્શન માટે ટોકન લેવા માટે પણ લોકોની લાંબી લાઈન લાગી હતી, જેમાં 10 વાગ્યા સુધીમાં 1000 જેટલા લોકોને ટોકન આપી દેવામાં આવ્યા છે. બીજી તરફ હવે ઝાયડસ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન ખૂટી પડ્યાં છે, જેથી લોકોને પોલીસ દ્વારા પરત મોકલાતાં લોકો રોષે ભરાયા હતા.અમદાવાદની ઝાયડસ હોસ્પિટલની બહાર રોજ અનેક લોકો દૂર-દૂરથી આવે છે અને રેમડેસિવિર ઇન્જેક્શન મળશે એ માટે લાઈનમાં બેસે છે. આ બધાની વચ્ચે હવે કર્ફ્યૂના સમયમાં પણ લોકો ત્યાં સવારે તેમનો નંબર આવશે અને સ્વજનોને માટે ઇન્જેક્શન મળી જશે એવી આશા રાખીને આખી રાત બેઠા હોય છે. હાલ રવિવારે રાતનો ઝાયડસ હોસ્પિટલની બહાર આવા મજબૂર લોકોનો વીડિયો સામે આવ્યો છે, જેને કર્ફ્યૂ કરતાં પોતાના સ્વજનનો સાદ સાંભળવો છે. હવે તેમના માટે કોઈ બીજો ઉપાય રહ્યો નથી.