રવિવાર, 13 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (16:52 IST)

ગુજરાતમાં રેમડેસિવિર બાદ હવે ઑક્સિજનની તંગી? અમદાવાદ સિવિલ હૉસ્પિટલ બહાર લાઇનો લાગી

ગુજરાતમાં રેમડેસિવિર માટે લાંબી લાઇનો લાગે છે, હવે ઑક્સિજનની પણ ઘટ સર્જાઈ રહી છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર અમદાવાદમાં કોરોના વાઇરસની સારવાર કરતી ડેઝિગ્નેટેડ હૉસ્પિટલમાંથી દરદીઓને સોમવારે સિવિલ હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અખબારને સૂત્રોએ જણાવ્યું હતું કે 40 દરદીઓને લાવવામાં આવ્યા હતા.
 
અમદાવાદ અને સુરતમાં ચાર-પાંચ દિવસથી રેમડેસિવિર માટે લાંબી લાઇનો લાગે છે, જ્યારે હવે ઑક્સિજનનો વારો હોય એવું લાગે છે.
 
સરકારના તમામ પ્રયાસો કર્યાના દાવા છતાં અમદાવાદની હૉસ્પિટલોનું કહેવું છે કે તેમને ઑક્સિજન ન મળવાથી તેઓ દરદીઓને ના પાડી રહ્યા છે.
 
અમદાવાદમાં એક ડૉક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું, "મારા ત્યાં 50 દરદીઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 35ને સતત ઑક્સિજન ફ્લોની જરૂર પડે છે."
 
"દરેક મિનિટે 60 લિટર ઑક્સિજન વપરાય છે. મારી પાસે કેટલીક ઇન્ક્વાયરી આવી હતી, પરંતુ મેં તેમને ના પાડી કે જ્યાં સુધી આ દરદી ડિસ્ચાર્જ નહીં થાય ત્યાં સુધી અમે નવા દરદીને દાખલ નહીં કરીએ."
 
એક ખાનગી ઉત્પાદકે અખબારને કહ્યું કે ખૂબ જ માગના કારણે કેટલાંક ખાનગી યુનિટ રાઉન્ડ ધ ક્લૉક કામ કરી રહ્યાં છે. પરંતુ ઉત્પાદન યોગ્ય પ્રમાણમાં થતું નથી.
 
અનેક વિક્રેતાઓ પ્રૅશરમાં છે, ઉપરાંત તેમને ડર છે કે 12 કલાકથી વધારે કામ કરાવવાથી તેમના સિનિયર અધિકારીઓ નોકરી છોડી દેશે.