શુક્રવાર, 23 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (13:44 IST)

અમદાવાદમાં 15 નાયબ મામલતદાર, પાંચ ક્લાર્ક અને ત્રણ તલાટી કોરોના પોઝિટિવ

અમદાવાદમાં શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ હવે કાબુ બહાર જતું રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટેના બેડ પણ ખુટી પડ્યાં છે. ત્યારે કોરોનાએ કચેરીઓમાં હવે અધિકારીઓને ઝપેટમાં લેવાનું શરુ કર્યું છે. અમદાવાદ જિલ્લામાં 15 નાયબ મામલતદાર, 5 ક્લાર્ક અને 3 તલાટી કોરોના પોઝિટિવ થયા હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં દસક્રોઇ મામલતદાર  કચેરીમાં 5 મામલતદાર, એક મહેસુલી તલાટી કોરોના પોઝિટિવ આવ્યા છે. સાબરમતી મામલતદાર કચેરીમાં બે મહેસુલી તલાટી અને એક નાયબ મામલતદાર, અસારવા કચેરીમાં ક્લાર્ક પોઝિટિવ આવ્યા છે. સાણંદ, વેજલપુર, ધોળકા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદારો કોરોનામાં સપડાયા છે. સીટી ડેપ્યુટી કલેક્ટર પૂર્વ અને  પશ્ચિમની કચેરીના નાયબ મામલતદાર તેમજ નાયબ ચીટનીશ શાખાના બે ક્લાર્ક કોરોના સંક્રમીત મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગણોત શાખામાં ક્લાર્ક અને નાયબ મામલતદાર, એલીયન રીકવરી શાખાના નાયબ મામલતદાર પોઝિટિવ આવ્યા છે.પુરવઠા શાખામાં પણ કેસ મળ્યા છે. જિલ્લામાં કોરોનાએ ભરડો લીધો છે. જેમાં લોકોની વચ્ચે રહીને કામ કરતા અધિકારીઓ પણ કોરોનામાં સપડાઇ ગયા છે. આ સ્થિતિને જોતા હાલમાં શહેર-જિલ્લામાં મામલતદાર કચેરી-જનસેવા કેન્દ્રોમાં કામગીરી બંધ કરાઇ છે. શહેરમાં  પુરવઠા વિભાગની 15 ઝોનલ  કચેરીઓ  હાલના તબક્કે હંગામી ધોરણે તા.30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરમાં કોરોનાના કેસ રોજે રોજ નવો રેકોર્ડ રચી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 1907 કેસ નોંધાયા છે. એક અંદાજ મુજબ શહેરમાં દર બે મિનિટે 3 નાગરિકો પોઝિટિવ આવ્યા છે. અગાઉ 15 દિવસે કેસ ડબલ થતાં જેની સામે હવે 4 દિવસમાં જ કેસ બમણા થઈ રહ્યા છે. જ્યારે 20 દર્દીના કોરોનાથી મૃત્યુ નીપજ્યાં છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો લગભગ ફૂલ થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલોમાં માત્ર 624 બેડ ખાલી છે. તેમાંય વેન્ટિલેટરના તો માત્ર 22 જ બેડ ખાલી છે. શહેરમાં કોર્પોરેશનના ચોપડે એક્ટિવ કેસનો આંકડો 5705 પર પહોંચ્યો છે. જ્યારે અનેક દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે