મંગળવાર, 8 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 12 એપ્રિલ 2021 (13:30 IST)

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડની ઝોનલ કચેરીઓ આજથી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરાયો

અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી જતાં હવે કચેરીઓ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શહેરમાં આવેલ રેશનકાર્ડની ઝોનલ કચેરી આજ થી 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. કલેક્ટરના નિર્દેશ બાદ જન સેવા  તેમજ મામલતદાર કચેરીઓ બંધ રાખવાની સુચનાને લઈને શહેરની 15 ઝોનલ કચેરીઓમાં રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી સંપૂર્ણ પણ બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. 
 
રેશનિંગની દુકાનોમાં અનાજનું વિતરણ ચાલુ રહેશે
પ્રાપ્ત વિગતો પ્રમાણે મદદનીશ નિયંત્રકના પરિપત્રથી તમામ ઝોનલ કચેરીઓમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરી શકાય તેને લઈને આજથી રેશનકાર્ડની તમામમ કામગીરી કોરોના ગાઈડ લાઈનના પાલન કરવા માટે ઝોનલ ઓફિસરોને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અને કામગીરી બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જો કે રેશનકાર્ડની વ્યાજબી ભાવની દુકાનોમાં રેશનકાર્ડ ધારકો કોરોનાના નિયમોના પાલન સાથે મળવાપાત્ર રેશનજથ્થો મેળવવાને પાત્ર રહેશે. તે ઉપરાંત રેશન દુકાનો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે રેશનકાર્ડ હોલ્ડરોને આવશ્યક ચીજ વસ્તુઓનું જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિતરણ ચાલુ રાખી શકશે.
 
અમદાવાદ જિલ્લાના જનસેવા કેન્દ્રો 25 એપ્રીલ સુધી બંધ
અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા અમદાવાદ જિલ્લા કલેકટરે પરિપત્ર બહાર પાડી અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી હેઠળના દસક્રોઈ, ધોળકા, ધંધુકા, સાણંદ, વિરમગામના જનસેવા કેન્દ્રો, પ્રાંત તેમજ મામલતદાર 23 એપ્રિલ સુધી નાગરિકો અરજદારોની સેવા માટે બંધ કરવા આદેશ આપ્યો છે. આવશ્યક સંજોગોમાં મામલતદારનો સંપર્ક કરવા જણાવાયું છે.અહીં ઉલ્લેખનીય છે કે 12 થી 25 એપ્રિલ ના બાર દિવસ દરમિયાન સાત દિવસ કામકાજના છે તે રજા રહેશે જ્યારે બાકીના પાચ દિવસમાં રવિવાર અને જાહેર રજા હોવાથી જનસેવા કેન્દ્રો બંધ રહેશે.
 
ગુજરાત યુનિ.માં પણ વર્ક ફ્રોમ હોમનો આદેશ
બીજી તરફ કોરોનાના વધતા કેસમાં ગુજરાત યુનિવર્સિટી પણ સપડાઈ છે. ગુજરાત યુનિવર્સિટીના સ્ટાફના પણ સભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે જે ડરના કારણે આવતીકાલથી યુનિવર્સિટીના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ કરવામાં આવ્યો છે. આગામી 5 દિવસ સુધી વર્ક ફ્રોમ હોમ કરવાનું રહેશે તે બાદ કેસ વધશે તો ફરીથી નિર્ણય લેવામાં આવશે.