શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: મંગળવાર, 19 માર્ચ 2024 (14:25 IST)

મોદી સરકાર 'પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના' માટેના પૈસા ક્યાંથી મેળવે છે?

Ration
“આજકાલ આપણા દેશમાં મફતની રેવડી વહેંચવાની સંસ્કૃતી લાવવાની ખૂબ કોશિશ કરવામાં આવી રહી છે. આ રેવડી કલ્ચર દેશના વિકાસ માટે ખૂબ જ ખરાબ છે. રેવડી કલ્ચરને પ્રોત્સાહન આપતા લોકોને લાગે છે જનતાને મફતની રેવડી વહેંચીને ખરીદી શકાય છે. આપણે મળીને રેવડી કલ્ચરને દેશની રાજનીતિમાંથી ખતમ કરવું છે.”
 
વર્ષ 2022માં વડા પ્રધાને આપેલા આ નિવેદન પર ઘણી ચર્ચાઓ થઈ હતી.
 
“બીજા કોઈ (રાજકીય પક્ષ) વહેંચે તો રેવડી અને તેઓ (મોદી સરકાર) વહેંચણી કરે તો વિટામીનની ગોળીઓ.”
 
લોકોને મફતમાં વસ્તુઓ કે પૈસા દેવાના રાજકીય પક્ષોના વાયદાઓ વિશે મીડિયામાં ચર્ચા દરમિયાન સામાન્ય રીતે વિપક્ષી નેતાઓ આ રીતે તર્ક આપતા જોવા મળે છે.
 
આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો અને કોર્ટે તેને ગંભીર વિષય જણાવતાં ટિપ્પણી કરી હતી કે વેલફેયર સ્ટેટ હોવાને નાતે વસ્તુઓ મફતમાં જરૂરિયાતમંદ લોકોને મળવી જોઈએ. જોકે, અર્થવ્યવસ્થા અને વેલફેયર સ્ટેટ વચ્ચે સંતુલન રાખવાની જરૂરત છે.
 
નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી 2024માં આપેલાં પોતાનાં બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે મફત રૅશન યોજના માટે ચાલુ નાણાકીય વર્ષમાં બે લાખ કરોડનો ખર્ચ કરવામાં આવશે.
 
આ યોજનાને જૂન 2020માં શરૂ કરવામા આવી હતી. ત્યારપછી આ સમયસીમાને ઘણી વખત આગળ વધારવામાં આવી છે. હવે તેની ડૅડલાઇન ડિસેમ્બર 2028 સુધી વધારી દેવામાં આવી છે.
 
લાખો કરોડો રૂપિયા સરકાર કેવી રીતે ભેગા કરે છે?
સવાલ એ છે કે આ રૅશન મફતમાં આપવા માટે સરકાર પાસે પૈસા ક્યાંથી આવે છે?
 
જ્યારે 2014માં મનમોહન સરકારને હરાવીને નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવી ત્યારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેટ્રોલ, ડીઝલ અને ફર્ટિલાઇઝર્સના ઘટતા ભાવોને કારણે સબસિડી બિલમાં તેમને સૌથી વધારે રાહત મળી.
 
મોદી સરકારના સૌથી પહેલા કાર્યકાળ એટલે કે 2014-15થી 2018-19 સુધી ભારતીય રિફાઇનરીઓએ 60.84 ડૉલર પ્રતિ બેરલના દરથી ક્રુડઑઇલની આયાત કરી જ્યારે આ પહેલાનાં પાંચ નાણાકીય વર્ષોમાં (મનમોહન સરકાર 2.0) આ ભાવ સરેરાશ 96.05 ડૉલર પ્રતિ બેરલ હતો.
 
રિસર્ચ ઍનાલિસ્ટ આસિફ ઇકબાલે કહ્યું, “મોદી સરકારના પહેલા કાર્યકાળમાં ક્રુડઑઇલના સસ્તા આયાતદરે સરકારી ખજાનામાં સંતુલન બનાવી રાખવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મોદી સરકારે સસ્તા આયાત કરેલા તેલનો સંપૂર્ણ ફાયદો ભારતીય ગ્રાહકોને ન આપ્યો. એટલે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ન ઘટ્યા. આનાથી ઊલટ પેટ્રોલ, ડીઝલ અને અન્ય ફ્યુલ પ્રોડક્ટો પર ઍક્સાઇઝ ડ્યૂટી પણ વધારી હતી.”
 
ગરીબ કલ્યાણ અને કેન્દ્ર સરકાર
વર્ષ 2012-13માં પેટ્રોલિયમ ઉત્પાદકો પર કેન્દ્ર સરકાર 96,800 કરોડ રૂપિયાની સબસિડી આપી હતી. જોકે સરકારને ઍક્સાઇઝ રૂપે માત્ર 63,478 કરોડ રૂપિયા જ રાજસ્વમાં મળ્યા હતા.
 
વર્ષ 2013-14માં ફ્યુલ સબસિડી 85,378 કરોડ રૂપિયા હતી જ્યારે સરકારને 67,234 કરોડ રૂપિયા ઍક્સાઇઝ રૂપે રાજસ્વમાં મળ્યાં.
 
જોકે ત્યારપછી પરિસ્થિતિ બદલી ગઈ વર્ષ 2017-18 અને 2018-19માં જ્યાં ફ્યુલ સબસિડી અનુક્રમે 24,460 કરોડ અને 24,837 કરોડ રહીં પરંતુ આ વર્ષો દરમિયાન ઍક્સાઇઝ કલેક્શન 2,29,716 કરોડ અને 2,14,369 કરોડ રૂપિયા થઈ ગયું.
 
'તેલની ધાર' પર શરૂઆતથી જ નજર
મોદી સરકાર જ્યારે 2014માં પહેલી વાર સત્તામાં આવી ત્યારે પેટ્રોલ પર ઍક્સાઇઝ ડ્યુટી 9 રૂપિયા 48 પૈસા હતી જ્યારે ડીઝલ પર 3 રૂપિયા 56 પૈસા પ્રતિ લીટર હતી.
 
જોકે સરકારે નવેમ્બર 2014થી જાન્યુઆરી 2016 સુધી નવ વખત પેટ્રોલ અને ડીઝલની ઍક્સાઇઝ ડ્યૂટીમાં વધારો કર્યો છે.
 
એટલે કે આ 15 મહિનામાં પેટ્રોલ ઉપર ઍક્સાઇઝ ડ્યૂટીમાં 11 રૂપિયા 77 પૈસાનો વધારો કર્યો જ્યારે ડીઝલની ઍક્સાઇઝ ડ્યૂટીમાં 13 રૂપિયા 47 પૈસાનો વધારો કર્યો હતો.
 
આ કારણે સરકારી ખજાનામાં ખૂબ પૈસા આવ્યા. વર્ષ 2014-15માં જ્યાં પેટ્રોલ અને ડીઝલ પર ઍક્સાઇઝને કારણે કમાણી 99 હજાર કરોડ હતી જ્યારે 2016માં આ કમાણી અઢી ગણી વધીને 2,42,000 કરોડ થઈ ગઈ.
 
બીટીપીના અધ્યક્ષ મહેશ વસાવાના ભાજપમાં જોડાવાથી ચૈતર વસાવાને શો ફરક પડશે?
પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના માટેનાં નાણાં ક્યાંથી આવે છે?
આસિફે કહ્યું, “આંકડાઓ સ્પષ્ટ દર્શાવે છે કે મોદી સરકારે ક્રુડને સસ્તા ભાવે આયાત કરવા છતાં પણ ફ્યુલ સબસિડી ન ઘટાડી અને બીજા ખર્ચા માટે પણ આ કારણે થતી કમાણીનો ઉપયોગ કર્યો. પેટ્રોલિયમ સબસિડી હવે માત્ર રસોઈ ગૅસના સિલિન્ડર અને 'ઉજ્જવલા યોજના' માટે મળે છે.બીજી તરફ પેટ્રોલ અને ડીઝલ પર થતી ઍક્સાઇઝની કમાણીમાં અનેક ગણો ઉછાળ આવ્યો.”
 
મોદી સરકાર હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચૂંટણીના સમય સિવાય ફેરફાર નથી કરતી. આ વર્ષે મે મહિનામાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં 15 માર્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો. આ પહેલાં 22 મે 2022ના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.
 
પાંચ જુલાઈ 2013ના રોજ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ લાગુ થયા પછી કિંમત બે રૂપિયા પ્રતિ કિલો અને ચોખાની કિંમત ત્રણ રૂપિયા પ્રતિ કિલો નક્કી કરવામાં આવી હતી.
 
મોદી સરકારે સત્તામાં આવ્યા પછી આ ભાવોમા વધારો ન કર્યો. પરંતુ 1 જાન્યુઆરી, 2023થી તેની કિંમત શૂન્ય કરી દીધી. એટલે કે પીડીએસ હેઠળ ઘઉં અને ચોખા મફતમાં મળી રહ્યા છે.
 
નિશુલ્ક મદદની જાહેરાતમાં લાગી રેસ
ગરીબ કલ્યાણ અને ચૂંટણી
મફત યોજનાઓની જાહેરાત કરવામાં કેન્દ્ર સરકાર કરતાં રાજ્યોની સરકારો ઘણી આગળ છે. સત્તામાં આવવા માટે રાજકીય પક્ષો મોટી-મોટી જાહેરાતો કરે છે અને આ જાહેરાતોની અસર સરકારી ખજાના અને બીજી યોજનઓ પર દેખાય છે.
 
પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચે ઑક્ટોબર 2023માં એક રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં 11 રાજ્યનું રાજસ્વ દેણું વધારે હતું.
 
પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને હરિયાણાનું રાજસ્વ દેણું ખૂબ વધારે છે. જ્યારે તેનાથી ઊલટું ખનનને કારણે સારી કમાણી કરનાર રાજ્ય ઝારખંડ અને ઓડિશાની આર્થિક હાલત આ રાજ્યો કરતાં સારી હતી.
 
સબસિડીનું ભારણ એટલું વધારે છે કે રાજ્યની કમાણીનો એક મોટો ભાગ સબસિડી પર ખર્ચ થાય છે. રિપોર્ટ પ્રમાણે વર્ષ 2022-23માં રાજ્યોએ પોતાનાં રાજસ્વના લગભગ નવ ટકા સબસિડી પર ખર્ચ કર્યો.
 
કેટલાંક રાજ્યોમાં સબસિડીનો એક મોટો ભાગ વીજળી સબસિડી પર ખર્ચ થાય છે. જેમ કે રાજસ્થાને સબસિડીના કુલ 97 ટકા અને પંજાબે લગભગ 80 ટકા વીજળી સબસિડી પર ખર્ચ કર્યો.
 
અમિત શાહે ગાંધીનગર બેઠક પરથી લડવાનું કેમ પસંદ કર્યું અને આ બેઠક જીતવી કેટલી આસાન છે?
મફતની રેવડી કહેવું યોગ્ય છે?
 
સવાલ એ છે કે સરકારની કઈ યોજનાઓને જરૂરી જનકલ્યાણકારી યોજના કહીં શકાય અને કઈ યોજનાને “ફ્રીબીઝ” એટલે કે મફતની રેવડી? તે કહેવું કઠીન છે.
 
'મની નાઇન'ના તંત્રી અને આર્થિક વિષયોના જાણકાર અંશુમન તિવારીએ જણાવ્યું, “આપણી પાસે એવી કોઈ વ્યવસ્થા નથી જેના થકી એ જણાવી શકાય કે કઈ વસ્તુ ફ્રીબીઝ છે અને કઈ વસ્તુ નહીં, શું તમે મફતમાં મળતા અનાજને ફ્રીબીઝ કહેશો? કેટલાંક રાજ્યોમાં પર્વતો પર પાણી નથી પહોંચતુ ત્યાં સરકાર મફતમાં પાણી ઉપલબ્ધ કરાવે છે તો શું તમે તેને ફ્રીબીઝ કહેશો કે નહીં? આ ચર્ચામાં તથ્યોનો અભાવ છે.”
 
તેમણે ઉમેર્યું, “આ વાતને સમજવા માટે આપણી પાસે એક જ રસ્તો છે. આજથી દસ વર્ષ પહેલાં ભારતમાં તથ્યોના આધારે ચર્ચા થતી જેમાં મેરિટ અને ડિમેરિટ સબસિડીની વ્યાખ્યા કરવામાં આવતી. આપણી પાસે આ વાતને જોવાનો એક જ રસ્તો છે જે ભારતીય નાણાકીય વ્યવસ્થાને અનુરૂપ છે.”
 
આ આધારે મફત રૅશન અને મફત શિક્ષણ મેરિટ સબસિડી છે. જોકે, કોઈ વિદ્યાર્થીને મફત શિક્ષણ આપવું મેરિટ સબસિડી છે તો શું તેમને લેપટૉપ આપવું ડિમેરીટ સબસિડી છે? તે કહેવું મુશ્કેલ છે.
 
જોકે સબસિડી મેરિટ હોય કે ડિમેરિટ, બન્ને સંજોગોમાં ટેક્સ આપનાર લોકોના પૈસા ખર્ચ થાય છે.
 
લોકસભા ચૂંટણી 2024 : મોહન કુંડારિયાની ટિકિટ કાપીને ભાજપે પરશોત્તમ રૂપાલાને કેમ રાજકોટની ચૂંટણી લડવા મોકલ્યા?
લોકો ગરીબીમાંથી બહાર આવ્યા કે ગરીબી વધી?
 
ચર્ચા એ વિશે પણ છે કે ગરીબોને ધ્યાનમાં રાખીને મફત યોજનાઓ કે નિ:શુલ્ક મદદની જાહેરાત કરવામાં આવે છે. આ સાથે જ સરકાર એ પણ દાવો કરે છે તેમના કાર્યકાળ દરમિયાન દેશમાં ખૂબ જ વિકાસ થયો છે અને કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
 
મોદી સરકારે દાવો કર્યો કે 25 કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે. કેટલાંક રાજકીય દળો અને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો સવાલ પૂછવા લાગ્યા કે 25 કરોડ લોકો ગરીબીરેખાથી બહાર આવ્યા છે તો 80 કરોડ લોકોને મફત ભોજન કેમ આપવામા આવે છે?
 
લોકસભા ચૂંટણી 2024
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે રાજ્યસભામાં આ સવાલને કુતર્ક ગણાવ્યો અને જવાબ આપતાં કહ્યું, “આપણે જાણીએ છીએ કે કોઈ બીમાર વ્યક્તિ હૉસ્પિટલથી બહાર આવે ત્યારે પણ ડૉક્ટર કહે છે કે થોડાક દિવસ ધ્યાન રાખવું અને ભોજનમાં કેવી કાળજી રાખવી જેથી ફરીથી આ સમસ્યા ન થાય.”
 
“જે લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે તેમને વધારે સાવચેતી રાખવી જોઈએ જેથી કરીને એવું સંકટ ન આવે કે ફરીથી ગરીબી તરફ જાય. એટલે તેમને મજબૂત કરવા માટે સમય આપવો જોઈએ અને તેઓ ફરીથી ગરીબીના નર્કમાં ન ડૂબે.”