રવિવાર, 29 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified મંગળવાર, 18 જૂન 2019 (08:28 IST)

વેસ્ટ ઇન્ડિઝને હરાવી બાંગ્લાદેશે મેજર અપસેટ સર્જ્યો

ડાબોડી ઑલરાઉન્ડર સાકીબ હસનની સદી અને લિટ્ટન દાસ સાથેની તેની મહત્ત્વની ભાગીદારીએ આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં સોમવારે અપસેટ સર્જ્યો હતો. જ્યારે બાંગ્લાદેશની પ્રમાણમાં નબળી મનાતી ટીમે જાયન્ટ વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટે હરાવ્યું હતું.
 
321 રનનો સ્કોર નોંધાવવા છતાં વેસ્ટ ઇન્ડિઝને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝ માટે ક્રિસ ગેઇલ અને આન્દ્રે રસેલ નિષ્ફળ રહ્યા હતા તો શાઈ હોપના 96 રન એળે ગયા હતા. સાકીબ હસને સળંગ બીજી મૅચમાં સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝ સામે બાંગ્લાદેશનો આ પ્રથમ વિજય હતો.
 
બાંગ્લાદેશે ટોસ જીતીને વેસ્ટ ઇન્ડિઝને પ્રથમ બૅટિંગ આપવાનો જોખમી નિર્ણય લીધો હતો. શાઈ હોપના 96 રનની મદદથી વેસ્ટ ઇન્ડિઝે 50 ઓવરમાં આઠ વિકેટે 321 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બાંગ્લાદેશે 41.3 ઓવરમાં માત્ર ત્રણ વિકેટે 322 રન કરીને મૅચ જીતી લીધી હતી.
તમિમ ઇકબાલ અને સાકીબ હસને બાંગ્લાદેશના વિજયનો પાયો નાખ્યો હતો. સાકીબે વધુ એક યાદગાર ઇનિંગ્સ રમી હતી. વન-ડે કારકિર્દીમાં પોતાના 6,000 રન પૂરા કરવા ઉપરાંત આ ડાબૉડી ઓલરાઉન્ડરે સળંગ પાંચમી મૅચમાં 50થી વધુનો સ્કોર નોંધાવ્યો હતો. સૌમ્ય સરકાર આઉટ થયા બાદ તમિમ અને સાકીબે મળીને ટીમના ચેઝનો પ્રારંભ કર્યો હતો. તમિમ ઇકબાલે 48 રન ફટકાર્યા હતા.
 
ઝડપી બૉલર શેલ્ડન કોટ્રેલના એક ચમત્કારિક થ્રોમાં તે રનઆઉટ થયો હતો. તમિમ બૉલ રમીને હજી ક્રિઝની બહાર નીકળે તે પહેલાં તો કોટ્રેલે વળતો થ્રો કરીને તેને રનઆઉટ કરી દીધો હતો. જોકે, તમિમની વિકેટની સાકીબ પર કોઈ અસર પડી ન હતી અને તેણે રન ફટકારવાનું જારી રાખ્યું હતું.
 
સાકીબ હસને પોતાની નવમી સદી અને આ ટુર્નામેન્ટમાં સતત બીજી સદી નોંધાવતાં 99 બૉલમાં 124 રન ફટકાર્યા હતા. લિટ્ટન દાસ સાથે મળીને તેણે વિશાળ ભાગીદારી નોંધાવી હતી. દાસે પણ ટીમની સફળતામાં ભરપુર યોગદાન આપતાં 94 રન ફટકાર્યા હતા. આમ તે છ રન માટે સદીથી વંચિત રહ્યો હતો. બંનેએ 189 રન ઉમેર્યા હતા.
 
અગાઉ વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ્સનું આકર્ષણ શાઈ હોપ રહ્યો હતો. ક્રિસ ગેઇલ 13 બૉલ રમ્યા પછી પણ ખાતું ખોલાવી શક્યો ન હતો અને સૈફુદ્દીનની બૉલિંગમાં આઉટ થઈ ગયો હતો.
 
ટીમનો બીજો સ્ટાર બૅટ્સમૅન આન્દ્રે રસેલ પણ શૂન્ય પર આઉટ થયો હતો પરંતુ બાકીના બૅટ્સમૅને જવાબદારીપૂર્વક બૅટિંગ કરીને કેરેબિયન ટીમનો સ્કોર 300 ઉપર પહોંચાડવામાં મદદ કરી હતી.
 
શાઈ હોપ કમનસીબ રહ્યો હતો અને ચાર રન માટે સદી ચૂકી ગયો હતો. કારકિર્દીની સાતમી સદીથી નજીક પહોંચ્યા બાદ તે મુસ્તાફિઝુર રહેમાનની બૉલિંગમાં આઉટ થઈ ગયો હતો. તેણે 121 બૉલની ઇનિંગ્સમાં સંયમપૂર્વક બૅટિંગ કરીને એક સિક્સર અને ચાર બાઉન્ડ્રી ફટકારી હતી.
 
ઓપનર એવિન લેવિસ સાથે હોપે બીજી વિકેટ માટે સદીની ભાગીદારી નોંધાવી હતી. લેવિસે પણ વર્તમાન ટુર્નામેન્ટમાં પહેલી વાર ફોર્મ દાખવીને આક્રમક 70 રન ફટકાર્યા હતા, જેમાં બૅ સિક્સરનો સમાવેશ થતો હતો.
 
અગાઉની મૅચમાં શાનદાર બૅટિંગ કરનારો નિકોલસ પૂરન માત્ર 25 રન કરી શક્યો હતો પરંતુ શિમરોન હેતમેયર સૌથી ઝંઝાવાતી બૅટિંગ કરી ગયો હતો.
 
તેણે ફક્ત 26 બૉલનો સામનો કર્યો હતો અને 50 રનમાં ત્રણ સિક્સર અને ચાર બાઉન્ડ્રી ફટકારી દીધી હતી.
 
હકીકતમાં હોપ અને હેતમેયરને કારણે જ કેરેબિયન ટીમ 300નો આંક વટાવી શકી હતી. મુસ્તાફિઝુર રહેમાન અને સૈફુદ્દીને બાંગ્લાદેશ માટે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.