શનિવાર, 23 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 11 માર્ચ 2020 (17:52 IST)

મિલિંદ સોમણ : RSS વિશે એવું તે શું બોલ્યા કે સોશિયલ મીડિયા પર છવાઈ ગયા.

એક તરફ જ્યારે મંગળવારના રોજ મધ્ય પ્રદેશ પર તોળાઈ રહેલા રાજકીય સંકટની ચર્ચા મીડિયામાં છવાયેલી રહી, ત્યારે જ જાણીતા મૉડેલ અને અભિનેતા મિલિંદ સોમણ પણ ટ્રૅન્ડ કરવા લાગ્યા હતા.
હાલ જ તેમના પુસ્તક 'મેડ ઇન ઇન્ડિયા - અ મૅમોયર' રિલીઝ થયું છે. લેખિકા રૂપા પાઈ સાથે મળીને લખવામાં આવેલા આ પુસ્તકમાં મિલિંદે પોતાના જીવનના અનુભવ શૅર કર્યા છે.
 
આ પુસ્તક વિશે વરિષ્ઠ પત્રકાર બરખા દત્ત સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું કે જ્યારે તેઓ નાના હતા, ત્યારે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવકની શાખામાં જતા હતા.
 
સોમણે કહ્યું, "હું મુંબઈના શિવાજી પાર્કમાં મોટો થયો. ત્યાં ઘણાં બાળકો RSSની શાખામાં સામેલ હતા. મારા પિતા પણ શાખામાં જતા હતા, પરંતુ હું કે મારા પિતા રાજકારણમાં સામેલ ન હતા."
 
"હું તે સમયે આશરે 9 વર્ષનો હતો અને અમે ત્યાં જ રમત-ગમતમાં ભાગ લેતા અને અનુશાસનમાં રહેવાનું શીખતા હતા. હું 2-3 કૅમ્પમાં ગયો, જ્યાં મારી જેમ હજારો બાળકો આવતા હતા."
 
"ત્યાં અમને શીખવવામાં આવતું કે સારા નાગરિક કેવી રીતે બનવું, આત્મનિર્ભર કેવી રીતે બનવું. એ વાતો સાથે આજે પણ હું સહમત છું."
 
"એવું બની શકે છે કે RSS ને તે સમયે રાજકારણ સાથે કોઈ લેવાદેવા ન હતા. પરંતુ હું જે સમયે શાખામાં ગયો અને લોકોને મળ્યો, તો મને તે લોકોની અંદર રાજકારણ જોવા ન મળ્યું."
 
"એવું બની શકે છે કે સમયની સાથે હવે તે પણ રાજકારણ સાથે સંબંધ ધરાવવા લાગ્યું હોય."
 
પોતાનાં પુસ્તક અને તેમાં RSS વિશે લખવાના કારણે મિલિંદ સોમણ સોશિયલ મીડિયા ઉપર ચર્ચામાં રહ્યા.
 
દીપ હલદરે લખ્યું, "જ્યોતિરાદિત્ય સિંધિયા અને મિલિંદ સોમણે ઘણા લોકોની હોળી ખરાબ કરી નાખી."
 
હોળીના દિવસે જ કૉંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
 
શિવકૃષ્ણ નિદુવાજેએ લખ્યું, "હવે જ્યારે તેમણે RSS સાથે પોતાના સંબંધ વિશે સ્પષ્ટતા કરી છે એટલે લિબરલ તેમને સંઘી કહેશે."
 
ધ્રુવેશ તિવારીએ લખ્યું, "આ વાત હજમ કરવી અઘરી છે. લિબરલ હવે ઈર્ષ્યા કરશે."
 
અંકિત સૂદે લખ્યું, "કોણ કહે છે કે સંઘી કૂલ નથી હોતા, મિલિંદને જોઈ લો."
 
એ કારણો જેના લીધે સિંધિયાએ 'હાથ'નો સાથ છોડ્યો
8
મોમોગૈંબો નામના એક ટ્વિટર હેન્ડલે લખ્યું, "મને ખુશી છે કે તેમણે આ વાત છૂપાવવાની બદલે દુનિયાને જણાવવી યોગ્ય સમજી."
 
સંજની ચોપરાએ ટ્વિટર પર લખ્યું, "મિલિંદ જ નહીં, હું ઓછામાં ઓછા એક હજાર જેટલા સફળ લોકોને ઓળખું છું, જેઓ RSSની શાખામાં ગયા હતા કે પછી સરસ્વતી શિશુ મંદિરમાં ભણ્યા છે."
 
"કેટલાક લોકો તેમને વૈચારિક દૃષ્ટિ સાથે જોઈ શકતા નથી, તેઓ તેમના વિશે ખરાબ વાતો કરે છે. પરંતુ આપણે તેમની ચિંતા કરવી જોઈએ નહીં."
 
રુચિકા તલવાર લખે છે, "મને મિલિંદ સોમણના RSSની શાખામાં જવા વિશે આશ્ચર્ય નથી થયું, કેમ કે મારા પિતા, કાકા અને દાદા પણ પોતાના સ્કૂલના દિવસો દરમિયાન શાખા વિશે કંઈક આવું જ કહેતા હતા."
 
"તેમનું ધ્યાન રમતગમત, કસરત, દેશભક્તિના ગીતો અને સમાજ સેવા પર રહેતું."
 
તેઓ લખે છે, "મારાં દાદી જણાવે છે કે તે સમયે શાખામાં એકબીજાની મદદ કરવી અને જરૂરિયામંદ લોકોની સેવા કરવાનું શીખવવામાં આવતું. આજનું RSS એ નથી, જે પહેલાં હતું."
 
 
મિલિંદ સોમણનું કહેવું છે કે નાની ઉંમરે RSS શાખામાં જે ડિસિપ્લીન તેમણે શીખી છે, તેનાથી આજે ફાયદો થઈ રહ્યો છે.
 
સોશિયલ મીડિયામાં મિલિંદ સોમણ પર થઈ રહેલી ચર્ચા બાદ તેમણે કહ્યું કે 54 વર્ષની ઉંમરે 10 વર્ષની ઉંમરે થયેલા એક અનુભવનું ટ્રૅન્ડ થવું સારી બાબત છે.
 
તેમણે ટ્વીટ કર્યું, "કાશ હું સ્વિમિંગના કારણે ચર્ચામાં હોત, હું તે સમયે સ્વિમિંગ પણ કરતો હતો."