1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ

અમિતાભનું ઓપરેશન સફળ

અમિતાભ
P.R
મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના પેટની સર્જરી થઇ ચૂકી છે. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર તેમનું ઓપરેશન સફળ રહ્યું છે જે અઢી કલાક સુધી ચાલ્યું હતું તેમજ હાલ બિગ બીની તબિયત સ્થિર છે. હોસ્પિટલ તરફથી સાંજે મેડિકલ બુલેટિન જાહેર કરવામાં આવશે. ઓપરેશન દરમિયાન સમગ્ર બચ્ચન પરિવાર બિગ બીની સાથે હતો.

હોસ્પિટલના પાંચમા માળે અમિતાભ માટે રૂમ બુક કરાવવામાં આવ્યો હતો. સવારે સાડા નવ વાગે તેમને ઓપરેશન થિએટરમાં લઇ જવામાં આવ્યા હતા. તેમના ફેમિલી ડૉક્ટર અને જાણીતા ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડૉક્ટર જયંત બર્વેની દેખરેખ હેઠળ આ સર્જરી કરવામાં આવી. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવવામાં આવ્યું છે. અલબત તેમના પર કયા પ્રકારની સર્જરી કરવામાં આવી તે અંગે કોઇ ખુલાસો કરવામાં આવ્યો નથી.

આ પહેલા હોસ્પિટલમાં દાખલ થતાં પહેલા બિગ બીએ પોતાની ઓપરેશનની માહિતી ટ્વિટ કરીને આપી હતી. બિગ બીએ લખ્યું હતું કે તેઓ હોસ્પિટલ જવા માટે તૈયાર છે અને આ એક એવું સ્થળ છે જ્યાં તેમણે જરૂરિયાત કરતા વધુ જવું પડે છે. વધુ એક ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે ઓપરેશન માટે તેમને લોકોની દુઆની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે બિગ બીને પહેલીવાર પેટમાં ગંભીર ઇજા 1982માં ફિલ્મ 'કૂલી'ના શૂટિંગ દરમિયાન થઇ હતી. તે સમયે ઘણાં દિવસો સુધી તેમનો ઇલાજ ચાલ્યો હતો અને તેના માટે તેમણે હોસ્પિટલમાં જ રહેવું પડ્યું હતું, કારણ કે ઇજા ઘણી ગંભીર હતી. બાદમાં 2005માં તેમની સર્જરી થઇ હતી.
About Writer
વેબ દુનિયા