બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : શનિવાર, 11 જુલાઈ 2020 (10:50 IST)

સુરત બની રહ્યું છે ગુજરાતનું વુહાન, દર કલાકે થાય છે આટલા મોત

ગુજરાતમાં કોરોનાના કેસમાં દિવસસેને દિવસે ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 24 કલાકમાં નવા 875 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 40,155 છે અને તેમાંથી એક્ટિવ કેસ 9948 છે. ગુજરાતમાં માત્ર જુલાઇ મહિનાની 10 તારીખ સુધીમાં જ 7512 કેસ નોંધાઇ ચૂક્યા છે.
 
સુરત શહેરમાં 202, સુરત જિલ્લામાં 67, નવસારીમાં 27, તાપીમાં 3, વલસાડમાં 5, દાદરા નગર હવેલીમાં 9 અને દમણમાં 5 કેસ સાથે ફરીવાર કોરોનાનો આંકડો 300ને પાર કરી ગયો હતો. જ્યારે સુરત શહેરમાં 11, જિલ્લામાં 03 અને નવસારીમાં 01 દર્દીના મોત સાથે દક્ષિણ ગુજરાતમાં કોરોના કારણે વધુ 15 દર્દીઓ મોતને ભેટ્યા છે. દિવસે ને દિવસે કોરોનાના કારણે સ્થિતિ વણસતી જાય છે. કોરોનાનું સંક્રમણ બેકાબૂ બની ગયું છે. 
 
આ સાથે જ સુરતમાં કોરોનાના કુલ કેસનો આંક 7307 થઇ ગયો છે. આ પૈકી 2595 એક્ટિવ કેસ છે. બીજી તરફ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક 22745 થયો છે. સુરત શહેર જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 310 પર પહોંચી ગયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા 9 દિવસમાં જ 104 મોત નોંધાયા છે.
 
21 માર્ચના રોજ સુરતમાં કોરોનાથી પ્રથમ વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અત્યારથી લઈને અત્યાર સુધીમાં 111 દિવસમાં 310 વ્યક્તિઓના કોરોનાથી મૃત્યુ થયા છે, જેમાં 1 માર્ચથી 13 જૂન સુધી એટલે કે, 84 દિવસમાં 103 લોકોના મૃત્યુ થયા હતાં. જ્યારે 13 માર્ચથી 1 જુલાઈ એટલે કે, માત્ર 17 જ દિવસમાં મૃત્યુ આંક 103 વધીને 206 થયો હતો. ત્યાર બાદ શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો હતો અને રોજ 200થી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા હતાં. 2 જુલાઈથી 10 જુલાઈ એટલે કે માત્ર 9 જ દિવસમાં મૃત્યુ આંક 100 વધીને કુલ મૃત્યુ આંક 310 થયો છે.