બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જુલાઈ 2020 (11:43 IST)

સુરત: કોરાનાની સારવારમાં વપરાતી દવાની કાળાબજારીનો પર્દાફાશ

અત્યારે કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં થઇ રહેલા વધારા સાથે તેની સારવાર માટે ICMR ની માર્ગદર્શીકા મુજબ Moderate Condition માં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. 
 
કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળાબજારી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે. સુરતમાં દવાના વેચાણ બીલ વગર ગેરકાયદેસર રીતે વધુ ભાવ લઈને કરાતા આ નફાખોરીના કૌભાંડનો ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. 
 
ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળી હતી કે સુરત ખાતે મે. સાર્થક ફાર્માના માલીક શ્રીમતી ઉમા સાકેત કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર વગર વેચાણ બિલ તથા છુટક દવાના પરવાના વગર મુળ કિંમત કરતાં વધારે કિંમતથી એટલે કે રૂ.૫૭,૦૦૦ વસુલીને દર્દીને વેચાણ કરી રહ્યા છે. જેને આધારે દરોડો પાડી તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ ૨ નંગ Actemra 400 mg નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે કે જે દવાની મહત્તમ વેચાણ કિંમત ૪૦,૫૪૫/- પ્રતિ નંગ છે.
 
મે. સાર્થક ફાર્માના માલીક ઉમાબેનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આ દવાની ખરીદી તેમણે મે. ન્યુ શાંતી મેડીસીન્સ, અડાજણ, સુરતના માલીક મિતુલ મહેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ.૫૦,૦૦૦/- પ્રતિ નંગ ચુકવીને વગર બિલે કરી હતી. મિતુલ મહેન્દ્રભાઇ શાહે આ દવા અમદાવાદના અમિત મંછારામાની પાસેથી ખરીદી કરી હતી અને તેના રૂ. ૪૫,૦૦૦/- પ્રતિ નંગ લેખે ઘનશ્યામભાઇ વ્યાસ કે જેઓ અમદાવાદ સીવીલ હોસ્પીટલ ખાતે ફરજ બજાવે છે અને તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.
 
અમિત મંછારામાની કે જેઓ મે. કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના જવાબદાર વ્યકિત છે તથા તેઓ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે આ અગાઉ નોકરી કરતાં હતા. અમિતભાઈ ધ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવી તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. ’
 
આવા ઉપજાવી કાઢેલા પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર એક જ દવા માટે દુરૂપયોગ કરી અગાઉ કેટલી ગેરરીતી કરવામાં આવી છે તે સહિતની તપાસ માટે આ દવાના મુળ સપ્લાયરની ઉંડાણપુર્વક તપાસ ચાલી રહી છે. આવી દવાના કાળા બજાર કરતાં તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી તેમને પકડી પાડવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી આવા કાળા બજાર કરનાર તત્વોમાં ખોફ પ્રવર્તી ગયો છે. 
 
Actemra 400 mg દવાની મુળ કિંમત કરતાં વધારે ભાવ લઈ ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા જવાબદાર ઇસમો સામે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-૧૯૫૫ અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-૨૦૧૩ તથા સને ૧૯૪૦નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્‍વયેના નિયમોના ભંગ બદલ સધન તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં કસુરવાર વેપારીઓ  સામે આકરા પગલા લેવાશે.