ગુજરાતમાં કોરોનાના કુલ 8544 પોઝિટીવ કેસ, મૃત્યુઆંક 500નો આંકડો પાર કરી ગયો
રાજ્યમાં અત્યારસુધીમાં 2780 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના 139 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહીં. આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહીં.
11 મેની સાંજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ દ્વારા આપવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર 10 મેની સાંજથી 11 મેની સાંજ સુધી રાજ્યમાં 347 નવા કેસ નોંધાયા હતા અને 20 દર્દીના મોત થયા હતા. તેમજ 235 દર્દી સાજા થયા હતા. નોંધનીય છેકે કેસમાં ઘટાડો થવાની સાથે સાથે ટેસ્ટિંગ પણ ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા છે. એક સમયે રાજ્યમાં 5000થી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં હતા.