1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 28 જાન્યુઆરી 2021 (21:00 IST)

ભારતે શ્રીલંકાને મોકલી કોવિશિલ્ડ વેક્સિનના 5 લાખ યુનિટ્સ

કોરોના વાયરસ સામે આખી દુનિયા જંગ લડી રહી છે ત્યારે સૌથી મોટું રસીકરણ અભિયાન અત્યારે ભારતમાં ચાલી રહ્યું છે. આ અભિયાનની સાથે જ ભારત પોતાના પાડોશી દેશો ઉપરાંત અન્ય મિત્ર રાષ્ટ્રોને પણ વેક્સિન પહોંચાડીને તેમની મદદ કરી રહ્યું છે. આ શ્રેણીમાં ભારત સરકારે એર ઇન્ડિયાના વિશેષ વિમાનથી ભેટ સ્વરૂપે કોવિશીલ્ડ વેક્સિનની એક ખેપ શ્રીલંકાને મોકલી, જેને આજે સવારે ઇન્ડિયન હાઈ કમિશ્નર ગોપાલ બાગલેએ કોલંબોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આયોજિત એક સમારોહમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષેને સોંપી. 
 
વેક્સિન અભિયાન હેઠળ ભારતે શ્રીલંકાને કોવિશીલ્ડ વેક્સિનનો પાંચ લાખનો જથ્થો ઉપલબ્ધ કરાવ્યો છે. ભારતનું આ પગલું ‘નેબરહુડ ફર્સ્ટ’ એટલે કે પહેલો સગો તે પાડોશી અને ‘સાગર’ સિદ્ધાંત પ્રત્યે તેની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે, જેમાં શ્રીલંકાનું પ્રમુખ સ્થાન છે. આ એક યોગાનુયોગ છે કે વેક્સિન શ્રીલંકાના શુભ દિવસ ‘ડુરૂથુ પોયા’ના દિવસે પહોંચી છે. શ્રીલંકાની પરંપરા પ્રમાણે, આ દિવસે ભગવાન બુદ્ધ પહેલીવાર શ્રીલંકા પહોંચ્યા હતા. વેક્સિન સોંપ્યા પછી ઇન્ડિયન હાઈ કમિશ્નર બાગલે ગંગારામયા મંદિર પહોંચ્યા, જ્યાં તેમણે ભારત અને શ્રીલંકાના લોકોના સ્વાસ્થ્ય અને કલ્યાણની કામના કરી. 
 
સપ્ટેમ્બર 2020માં શ્રીલંકાના વડાપ્રધાન મહિંદા રાજપક્ષે અને ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ દ્વિપક્ષીય શિખ સંમેલનનું આયોજન થયું હતું, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીલંકામાં મહામારીના કારણે પેદા થયેલી સ્વાસ્થ્ય સંબંધી અને આર્થિક સમસ્યાઓને ઓછી કરવા માટે આશ્વાસન આપ્યું હતું. ભારત તરફથી શ્રીલંકાને કોવિડ-19 ની રસીનું વિતરણ વડાપ્રધાન મોદીની તે જ પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે. 
 
ઉલ્લેખનીય છે કે ભારતે આ પહેલા બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, માલદીવ, સેશેલ્સ, મોરિશિયસ, મ્યાનમાર અને શ્રીલંકાન 54 લાખ વેક્સિનનો જથ્થો પૂરો પાડ્યો છે. સાથે જ અફઘાનિસ્તાનને પણ 5 લાખ વેક્સિનનો જથ્થો પહોંચાડવાની તૈયારી છે. જ્યારે મોરક્કો અને બ્રાઝિલને ક્રમશઃ 20 લાખ અને બે લાખ જથ્થો વ્યવસાયિક અનુબંધ હેઠળ પૂરો પાડવામાં આવ્યો છે.