શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 7 ડિસેમ્બર 2021 (08:39 IST)

ઓમિક્રૉન વૅરિયન્ટ : આફ્રિકામાં કેવી સ્થિતિ છે

નવેમ્બર મહિનાના અંતમાં દક્ષિણ આફ્રિકાના બોત્સવાનામાંથી વૈજ્ઞાનિકોને ઓમિક્રૉન વૅરિયન્ટ મળ્યો હતો. જે અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વને જાણકારી આપી હતી.
 
ઝડપથી પ્રસરવાની ક્ષમતા ધરાવતા આ વૅરિયન્ટને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા 'ચિંતાજનક વૅરિયન્ટ'ની યાદીમાં મૂકવામાં આવ્યો છે.
 
એ બાદ વિશ્વના ઘણા દેશોએ આફ્રિકન દેશોમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધો લાદવાના શરૂ કરી દીધા હતા.
 
આ સાથે આફ્રિકન દેશોને કોરોના વૅક્સિનના મળી રહેલા જથ્થા અંગે પણ સવાલો ઊભા થયા હતા.
 
જેને લઈને આફ્રિકાના વિવિધ રાજનેતાઓ દ્વારા પશ્ચિમિ દેશોના નિર્ણયને વખોડ્યો હતો.
 
જ્યારે દુનિયાભરમાં કોરોના વાઇરસના આ નવા વૅરિયન્ટનો ભય છે, ત્યારે આફ્રિકાના મીડિયામાં આ વૅરિયન્ટ અંગે શું ચર્ચા થઈ રહી છે?
 
દક્ષિણ આફ્રિકામાં હાલ શું પરિસ્થિતિ છે?
3 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં એક દિવસમાં 16,366 કેસ નોંધાયા હતા, જે આ વર્ષ દરમિયાન એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ હતા. જ્યારે માત્ર 21 દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં.
 
5 ડિસેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકામાં નવા 11,125 કેસ નોંધાયા હતા. જ્યારે સમગ્ર દેશમાં માત્ર એક દર્દીનું મોત નીપજ્યું હતું. દક્ષિણ આફ્રિકાનો 5 ડિસેમ્બરની દૃષ્ટિએ રિકવરીરેટ 94.5 ટકા છે.
 
જોકે, ઍક્ટિવ કેસનો આંકડો 83, 584 છે. જેના પરથી સ્પષ્ટ થાય છે કે વાઇરસના નવા વૅરિયન્ટના કારણે હૉસ્પિટલાઇઝેશનનો દર વધ્યો છે.
 
દક્ષિણ આફ્રિકામાં સૌથી વધુ અસરગ્રસ્ત પ્રાંત ગૌટેંગ છે અને આ જ પ્રાંતમાં હાલ 5 વર્ષથી ઓછી વયનાં બાળકોમાં કોરોનાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.