ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By હેતલ કર્નલ, ગ્રાઉન્ડ રિપોર્ટ:|
Last Updated : શનિવાર, 28 માર્ચ 2020 (15:48 IST)

કોરોના ઇફેક્ટ: પગપાળા માદરે વતન ચાલી પકડી, વાંચો હિજરત કરી રહેલા લોકો વેદના

કોરોના વાઇરસના પ્રતિક્રમણ સામે બચવા માટે સમગ્ર રાજયમાં અને દેશભરમાં લોકડાઉન જાહેર કરેલ છે ત્યારે અનેક ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ખોરાક મળી રહે તે માટે શહેરની અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો આગળ મદદ માટે આગળ આવ્યા છે.
કોરોના વાયરસના સંકટના કારણે આસપાસ નજીકના જિલ્લાઓ તથા પરપ્રાંતમાંથી મજૂરી માટે આવેલા લોકો માદરે વતન તરફ હિજરત શરૂ કરી દીધી છે. લોકડાઉનના કારણે અમદાવાદમાં મજૂરી કામ કરતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. અને હજારોની સંખ્યામાં લોકો અમદાવાદથી રાજસ્થાન નેશનલ હાઇવે નંબર 8 પર ચાલતા નીકળ્યા છે. વાહન વ્યવહાર ખોરવાતા લોકો ચાલતા વતન તરફ રવાના થયા છે. ત્યારે સોલા પોલીસ સ્ટાફ ચાલતા વતન જતા લોકોને ચા-પાણી અને બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તમામને વતન તરફ વાહનમાં બેસાડીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.
હાલમાં ટ્રાંસપોર્ટ સેવા બંધ હોવાથી લાખ્ખો લોકો ના છુટકે ચાલતા જ વતન રવાના થતા તેઓને જોઈને કેટલાક ની આંખો ભીની થઇ ઉઠી છે. કારણ કે આવા હજ્જારો લોકો પોતાના બાળકો અને મહિલાઓ સાથે પહેરેલ કપડે જ રોડ ઉપર ઉતરી પડયા છે અને એકબીજાના સહારે છેક રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ સાબરકાંઠા તરફ હાઇવે ઉપર ચાલતા જ રવાના થઈ ચૂક્યા છે.
વાહન વ્યવહાર બંધ થઈ જતાં અમદાવાદ અને આસપાસ વસતા રાજસ્થાનીઓ અને દાહોદ ગોધરા તથા ઉના પંથકના શ્રમિર વર્ગના લોકો સાથે સામાન લઈને નીકળી પડ્યાં છે. રાજસ્થાન અને ગોધરા દાહોદના શ્રમિકો વાહનની રાહ જોયા વગર જ નીકળી પડ્યાં છે. છેલ્લા ત્રણેક દિવસથી આ રીતે દાહોદ ગોધરા અને રાજસ્થાનના લોકો જઈ રહ્યા છે. 
 
પોતાના પરિવાર સાથે પોતાના વતન ડુંગરપુર (રાજસ્થાન) ચાલતા જઇ રહેલા સવજીભાઇ ડામોરે જણાવ્યું હતું કે અમે અહીં શહેરમાં આવીને છૂટક મજૂરી કરીએ છીએ લોકડાઉનના લીધે કામકાજ બંધ થઇ ગયું છે. ત્યારે બાળકો અને પરિવારને કેવી રીતે જમાડીશું. જો અમે ચાલતા ઘરે પહોંચી જઇશું તો બે ટંક ભોજન મળી રહેશે. ખેતરમાં કામ કરીને કોળિયો રળી લઇશું. 
લક્ષ્મણસિંહે જણાવ્યું હતું કે હુ મૂળ રતલામનો વતની છું. મારા પરિવારના સભ્યો અને હમવતનીઓની સાથે અમદાવાદમાં વર્ષોથી મજૂરી કામ અર્થે આવીએ છે. હાલમાં કોરોના વાઇરસના કારણે અમારૂં કામ પણ બંધ થતાં બેકાર થઈ ગયા છે. મજુરીના થોડા-ઘણા રૂપિયા અમારી પાસે બચેલા છે. રિંગ રોડ પરથી ચાલતા ચાલતા શહેરની બહાર નિકળી જઇશું કોઈ સુવિધા મળે તો ઠીક નહી તો ચાલતા-ચાલતા રતલામ જઈશું. અમદાવાદથી રતલામ 400 કિલોમીટર છે. દરરોજોર 40 કિલોમીટર પણ ચાલે તો 10 દિવસમાં રતલામ પહોંચાશે.
 
અન્ય એક પરિવાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમે 30-40 કિલોમીટરનું અંતર કાપી લીધું છે. ધીમે-ધીમે 2 દિવસમાં હિંમતનગર પહોંચી જઇશું. શરૂઆતમાં અમારા ગામના કેટલાક પરિવારોએ ચાલતા નિકળી ગયા હતા તેમને ખૂબ જ તકલીફ પડી હતી. કારણ  કે રસ્તામાં ક્યાંય કશું ખુલ્લુ નથી. પાણી કે ભોજનની કોઇ સુવિધા ન હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં લોકો તથા પોલીસ સ્ટાફ મદદે આવ્યો છે. જેથી લોકો ચા-પાણી નાસ્તો તેમજ જમવાનું પુરૂ પાડી રહી છે.