ગુરુવાર, 6 માર્ચ 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 3 માર્ચ 2025 (09:12 IST)

રોહિતની સેના સેમિફાઇનલમાં આ ટીમનો સામનો કરશે, દક્ષિણ આફ્રિકાની લાહોરની ટિકિટ રદ

Team India
Champions trophy 2025 - ચૅમ્પિયન્સ ટ્રૉફી 2025માં રવિવારે દુબઈ ખાતે ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે મૅચ રમાઈ હતી, જેમાં ભારતનો 44 રને વિજય થયો છે.
 
મૅચના હીરો મિડલ ઑર્ડર બૅટ્સમૅન શ્રેયસ અય્યર અને સ્ટાર સ્પિનર વરુણ ચક્રવર્તી રહ્યા. પહેલા શ્રેયસે ફિફ્ટી ફટકારી અને પછી વરુણે પાંચ વિકેટ ઝડપી. હવે ભારતીય ટીમે તેની સેમિફાઇનલ 4મી માર્ચે દુબઈમાં રમવાની છે. આ મુકાબલો ગ્રૂપ-બીમાં બીજા નંબરની ટીમ ઑસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે કે ચૅમ્પિયન્સ ટ્રૉફીની બીજી સેમિફાઇનલ 5 માર્ચના રોજ લાહોરમાં થશે. આ મૅચ ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે.
 
રવિવારે 9 માર્ચના રોજ ફાઇનલ રમાશે. જો ભારત સેમિફાઇનલ જીતે તો ફાઇનલ દુબઈમાં અને જો ભારત હારે તો ફાઇનલ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાશે.
 
ઉલ્લેખનીય છે કે ભારતે તેની સેમિફાઇનલ ઑસ્ટ્રેલિયા સામે રમવાની છે જેણે વર્ષ 2003માં અને વર્ષ 2023માં ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતવાનું સપનું તોડ્યું હતું.
 
રવિવારે દુબઈમાં રમાયેલી મૅચમાં ન્યૂઝીલૅન્ડે ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારતની શરૂઆત ધીમી રહી હતી, એ પછી ભારતે નવ વિકેટના ભોગે 249 રન બનાવ્યા હતા.
 
જવાબમાં દાવ લેવા ઉતરેલી ન્યૂઝીલૅન્ડની ટીમની શરૂઆત ધીમી, પરંતુ મક્કમ રહી હતી. પરંતુ એક વખત બૅટિંગ ઑર્ડર આઉટ થતા પાછળના ખેલાડીઓએ ઇનિંગને સંભાળવાની નિષ્ફળ કોશિશ કરી હતી.
 
ન્યૂઝીલૅન્ડની સમગ્ર ટીમ 205 રનનો જુમલો જ ખડકી શકી હતી. વિલિયમ્સને સૌથી વધુ 81 રન બનાવ્યા હતા, જ્યારે 28 રન સાથે રન ખડકવાની બાબતે કપ્તાન સેન્ટનર બીજા ક્રમાંકે રહ્યા હતા. વિલ યંગે 22 રન કર્યા હતા.
 
વરૂણ ચક્રવર્તીએ તેમના સ્પૅલમાં 42 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. કુલદીપ યાદવે બે ખેલાડીઓને આઉટ કર્યા હતા. આ સિવાય હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ તથા રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી.