ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 19 જુલાઈ 2024 (08:20 IST)

હાર્દિક પંડ્યા -નતાશા સ્ટેન્કૉવિકે છૂટાછેડાની જાહેરાત, ચાર વર્ષ સુધી સાથે રહ્યાં

ગુજરાતના ક્રિકેટ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા નતાશા સ્ટૅન્કોવિકે પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.
 
બંનેએ બહાર પાડેલા સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે બંનેએ સંબંધને ટકાવી રાખવા 'પૂરતા અને શક્ય' પ્રયાસ કર્યા હતા, પરંતુ સાથે રહેવું શક્ય બન્યું ન હતું.
 
આ પહેલાં એવી ચર્ચા હતી કે નતાશાની સોશિયલ મીડિયા પોસ્ટ્સથી બંને વચ્ચે સુમેળભર્યા સંબંધ ન હોવાના અણસાર ફૉલૉઅર્સને મળ્યા હતા.
 
હાર્દિક અને નતાશાએ ડાયવૉર્સની જાહેરાત કરી તેના અમુક કલાકો પહેલાં નતાશા મુંબઈના ઍરપૉર્ટ પર દીકરા અગસ્ત્ય અને સામાનની સાથે જોવા મળ્યાં હતાં, જેના કારણે આ અટકળોને વેગ મળ્યો હતો.
 
એ પછી નતાશા સર્બિયા પહોંચ્યાં હતાં અને પોતાના ઘરની બાલ્કનીમાંથી દેખાતા દૃશ્યની તસવીર પોસ્ટ કરી હતી, જેના કારણે સોશિયલ મીડિયા ઉપર છૂટાછેડાની ચર્ચાને વેગ મળ્યો હતો.

હાર્દિક-નતાશાએ શું કહ્યું?
 
ચાર વર્ષ સુધી સાથે રહ્યાં બાદ મેં અને હાર્દિકે પરસ્પર સહમતિથી અલગ-અલગ રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે. આ સંબંધને ટકાવી રાખવા માટે અમે બંનેએ શક્ય એટલા તમામ પ્રયાસ કર્યા હતા અને અમને લાગે છે કે અમારા બંને માટે છૂટા થઈ જવું જ યોગ્ય હશે.'
 
'અમને એકબીજાં સાથે ગમતું, આનંદ અને પરસ્પર સન્માન હતા, સાથે જ અમે પરિવાર બન્યા હતા એટલે આ અમારા માટે કપરો નિર્ણય હતો.
 
અમારો દીકરો અગસ્ત્ય અમારાં બંનેના જીવનનું કેન્દ્ર રહેશે અને તેને બધી ખુશીઓ મળે તે માટે વાલી તરીકેની જવાબદારીઓ અમે બંને સાથે મળીને નિભાવીશું.'
 
'અમે આ કપરા અને સંવેદનશીલ સમય દરમિયાન તમારા સહકારની અપેક્ષા રાખીએ છીએ અને નિજતા આપશો એવી આશા રાખીએ છીએ.'
 
ઉલ્લેખનીય છે કે બોલીવૂડના પૂર્વ અભિનેત્રી તથા સર્બિયાના મૉડલ નતાશા અને હાર્દિક વચ્ચે વર્ષ 2018 આસપાસ પ્રેમ પાંગર્યો હતો અને બંને સાથે દેખાતાં.