જસપ્રિત બુમરાહ અને ઈરફાન પઠાણને પાછળ છોડી હર્ષિત રાણાનું મોટું કારનામું
Harshit Rana: વડોદરામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચ દરમિયાન, ટીમ ઈન્ડિયાના યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાએ બેટ અને બોલ બંનેથી મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. હર્ષિત રાણાએ બે મહત્વપૂર્ણ વિકેટ લીધી. તેણે ન્યુઝીલેન્ડની ઓપનિંગ જોડીને પેવેલિયન મોકલી. હર્ષિત રાણાએ પહેલા હેનરી નિકોલ્સને આઉટ કર્યો. ત્યારબાદ તેણે ડેવોન કોનવેને પેવેલિયન મોકલ્યો. આ સાથે તેણે એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. હર્ષિત રાણાએ પોતાની ટૂંકી વનડે કારકિર્દીમાં એવી સિદ્ધિ મેળવી છે કે તેણે ફક્ત જસપ્રીત બુમરાહ જ નહીં, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને પણ ખાસ યાદીમાં પાછળ છોડી દીધો છે.
હર્ષિત રાણાએ બુમરાહથી નીકળ્યા આગળ
ઉલ્લેખનિય છે કે હર્ષિત રાણા હવે ભારત માટે ODI ક્રિકેટમાં પ્રથમ 12 ઇનિંગ્સ પછી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. હર્ષિતે 12 ODI ઇનિંગ્સમાં કુલ 23 વિકેટ લીધી છે. ત્યારબાદ ફક્ત અજિત અગરકર છે, જેમણે તેની પ્રથમ 12 ODI મેચમાં 29 વિકેટ લીધી હતી. આ યાદીમાં જસપ્રીત બુમરાહ ત્રીજા ક્રમે છે. બુમરાહએ ભારત માટે તેની ODI કરિયરની પ્રથમ 12 ઇનિંગ્સમાં 22 વિકેટ લીધી હતી, જ્યારે ઇરફાન પઠાણે એટલી જ મેચોમાં 21 વિકેટ લીધી હતી. હર્ષિત રાણાએ આ બંને દિગ્ગજ બોલરોને પાછળ છોડીને પોતાની પ્રતિભા દર્શાવી છે.
12 ODI ઇનિંગ્સ પછી સૌથી વધુ વિકેટ લેનારા બોલરો
29 - અજિત અગરકર
23 - હર્ષિત રાણા
22 - જસપ્રીત બુમરાહ
21 - ઇરફાન પઠાણ
જીત સાથે થઈ ટીમ ઇન્ડિયાની શરૂઆત
વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ODIમાં, હર્ષિત રાણાએ માત્ર તેની બોલિંગથી જ નહીં પરંતુ તેની બેટિંગથી પણ પ્રભાવિત કર્યા. ટીમ ઈન્ડિયાની બેટિંગ નબળી પડી રહી હતી ત્યારે તેણે કેએલ રાહુલ સાથે મળીને ઇનિંગ્સને સ્થિર કરી, ઝડપથી રન બનાવીને કિવી બોલરોને પાછળ છોડી દીધા. તેણે 23 બોલમાં 29 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને એક છગ્ગાનો સમાવેશ થાય છે. પ્રથમ વનડેમાં, ન્યુઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં આઠ વિકેટ ગુમાવીને 300 રન બનાવ્યા. જવાબમાં, ટીમ ઈન્ડિયાએ 49 ઓવરમાં માત્ર છ વિકેટ ગુમાવીને 301 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.
