બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 5 જાન્યુઆરી 2024 (23:59 IST)

ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું: મંધાના-શેફાલીની 137 રનની પાર્ટનરશિપ, ટી-20 શ્રેણીમાં ભારત 1-0થી આગળ

cricket
ભારતીય મહિલા ટીમે પ્રથમ T20માં ઓસ્ટ્રેલિયાને 9 વિકેટે હરાવ્યું હતું. મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઓસ્ટ્રેલિયાની ટીમ 19.2 ઓવરમાં 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતે માત્ર 17.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
 
ઈન્ડીયા વિમેન્સ તરફથી સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ હાફ સેન્ચુરી મારી.  બંનેએ 137 રનની ઓપનિંગ પાર્ટનરશીપ કરી ટીમને જીતના ઉંબરે પહોંચાડ્યુ. ભારત તરફથી તિતાસ સાધુએ 17 રનમાં 4 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.
 
ઓસ્ટ્રેલિયાની ખરાબ શરૂઆત
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવ્યા બાદ ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 33 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી હતી. એલિસા હીલી 8 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી અને બેથ મૂની 17 રન બનાવીને આઉટ થઈ હતી. જ્યારે તાહલિયા મેકગ્રા અને એશ્લે ગાર્ડનર ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.
 
લિચફિલ્ડ-પેરીએ રમતમાં કમબેક કરાવ્યું 
4 વિકેટ વહેલી પડી ગયા બાદ એલિસ પેરી અને ફોબી લિચફિલ્ડે ટીમની કમાન સંભાળી હતી. બંનેએ ફિફ્ટી પાર્ટનરશિપ કરી ટીમને 100 રનથી આગળ લઈ ગઈ હતી. લિચફિલ્ડ 49 રન બનાવીને આઉટ થઈ હતી અને બંને વચ્ચે 79 રનની ભાગીદારી તૂટી હતી. અંતે પેરી પણ 37 રન બનાવીને આઉટ થઈ. 
 
તિતાસ સાધુની 4 વિકેટ
ભારત તરફથી 19 વર્ષના ફાસ્ટ બોલર તિતાસ સાધુએ માત્ર 17 રનમાં 4 વિકેટ લીધી હતી. તેમના સિવાય શ્રેયંકા પાટિલ અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે રેણુકા સિંહ અને અમનજોત કૌરને 1-1 સફળતા મળી હતી.
 
મધ્ય ઓવરોમાં લાગેલા આંચકાઓ પછીથી ઑસ્ટ્રેલિયા મેચમાં કમબેક કરી શકયું નહી  અને 19.2 ઓવરમાં 141 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયું હતું. ગ્રેસ હેરિસ એક રન, એનાબેલ સધરલેન્ડ 12, જ્યોર્જિયા વેરહેમ 5 અને મેગન શટ એક રન બનાવીને આઉટ થયા હતા.