બોલરને ક્રિકેટ પીચ પર આવ્યો હાર્ટ એટેક, છેલ્લો બોલ ફેંક્યા પછી મોત : Video
ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, ફાસ્ટ બોલર અહમર ખાન અંતિમ બોલ ફેંક્યા પછી પીચ પર પડી ગયો. તેને CPR આપવામાં આવ્યું અને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો. બિલારીના સુગર મિલ ગ્રાઉન્ડમાં મુરાદાબાદ અને સંભલ વચ્ચેની મેચ મુરાદાબાદની ટીમે જીતી હતી.
ટીમને જીતાડીને જીવનની જંગ હારી ગયો અહમર
યુપી વેટરન્સ ક્રિકેટ એસોસિએશન દ્વારા મુરાદાબાદના બિલારી બ્લોકમાં સુગર મિલ મેદાનમાં આયોજિત ટુર્નામેન્ટમાં આજે મુરાદાબાદ અને સંભલની ટીમો વચ્ચે મેચ રમાઈ હતી. મુરાદાબાદની ટીમે પહેલા બેટિંગ કરી હતી, બાદમાં સંભલની ટીમ બેટિંગ કરી રહી હતી અને તેમને છેલ્લા ચાર બોલમાં 14 રન બનાવવાના હતા. મુરાદાબાદનો ડાબોડી ફાસ્ટ બોલર અહમર ખાન બોલિંગ કરી રહ્યો હતો. રોમાંચક મેચમાં અહમર ખાને કોઈ રન થવા દીધો નહીં અને 11 રનથી મેચ જીતી લીધી.
છેલ્લો બોલ ફેંક્યા પછી, અહમર ખાન પીચ પર બેસી ગયો અને પછી સૂઈ ગયો. તેના શ્વાસ અટકી જતા જોઈને, ત્યાં હાજર સાથી ખેલાડીઓ અને એક સાથી ડૉક્ટરે તેને સીપીઆર આપ્યો, ત્યારે જ થોડી હિલચાલ થઈ અને તેને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો.
નોર્થ ઝોનનો ખેલાડી અહમર ખાન
અહમર મુરાદાબાદની એકતા વિહાર કોલોનીમાં રહેતો હતો. તે ઉત્તર ઝોનનો ખેલાડી હતો અને તાજેતરમાં જ એક મેચમાંથી પાછો ફર્યો હતો. ૫૦ વર્ષીય અહમર ખાનના પરિવારમાં તેની પત્ની, બે પુત્રો, એક ભાઈ અને એક બહેન છે.