PAK vs NED: જીતેલી મેચ હારી ગયુ નીધરલેંડ, આ 6 બોલે છીનવી લીધી જીત, અંતિમ સમયે આ રીતે પલટાઈ ગઈ મેચ
Pakistan in T20 World Cup 2026: પાકિસ્તાને નેધરલેન્ડ્સ (PAK vs NED) ને ત્રણ વિકેટથી હરાવીને T20 વર્લ્ડ કપની પોતાની પહેલી મેચ જીતી લીધી. જોકે, પાકિસ્તાને જે રીતે પોતાનું ક્રિકેટ રમ્યું તેનાથી પાકિસ્તાની ફેંસના શ્વાસ અધ્ધર થઈ ગયા હશે. એક સમયે, પાકિસ્તાન હારની આરે હતું, સાત વિકેટે 114 રનમાં જ પડી ગઈ હતી. એવું લાગતું હતું કે નેધરલેન્ડ્સ અપસેટ સર્જશે, પરંતુ નસીબે પાકિસ્તાનને સાથ આપ્યો, જેણે આખરે ત્રણ વિકેટથી વિજય મેળવ્યો.
આ 6 બોલમાં છીનવી લીધી જીત, પલટાઈ ગઈ આખી મેચ
ક્રિકેટના મેદાન પર ક્યારેક માત્ર એક ઓવર આખી કહાની બદલી નાખે છે — અને પાકિસ્તાન સામે નેધરલેન્ડ્સની મેચમાં એવું જ કંઈક જોવા મળ્યું.
18 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 7 વિકેટે 119 રન હતો. ક્રીઝ પર શાહીન આફ્રિદી અને ફહીમ અશરફ હતા. મેચ સંપૂર્ણ રીતે નેધરલેન્ડ્સના કાબૂમાં લાગી રહી હતી. ઇતિહાસ રચવાની નજીક પહોંચેલી નેધરલેન્ડ્સની ટીમ અને શ્વાસ રોકી બેઠેલા પાકિસ્તાની ચાહકો — ઉત્સાહ ચરમસીમાએ હતો.
એવી ગંભીર સ્થિતિમાં નેધરલેન્ડ્સ તરફથી 19મો ઓવર લોગન વાન બીકે ફેંક્યો. પહેલા જ બોલ પર ફહીમ અશરફે જોરદાર સિક્સર ફટકારીને પાકિસ્તાનની આશાઓ જીવંત કરી દીધી.
બીજા બોલ પર ફહીમે બે રન લીધા, પરંતુ અહીં મેચનું સૌથી મોટું ટર્નિંગ પોઇન્ટ આવ્યું. મેક્સ ઓડાઉડે ફહીમનો સરળ કેચ છોડી દીધો. જો આ કેચ પકડાયો હોત, તો પાકિસ્તાન માટે જીત લગભગ અશક્ય બની જાત. કહેવાય છે ને — કેચ છોડવો એટલે મેચ છોડવી, અને અહીં એ વાત સાબિત થઈ.
કેચ છૂટ્યા બાદ ફહીમે ત્રીજા બોલ પર ફરી એક શાનદાર સિક્સર ફટકારી અને નેધરલેન્ડ્સની આશાઓને મોટો ફટકો આપ્યો. ચોથા બોલ પર કોઈ રન ન બન્યા, પરંતુ પાંચમા બોલ પર ફહીમે ત્રીજી સિક્સર ફટકારીને મેચ લગભગ પાકિસ્તાનના ખિસ્સામાં નાખી દીધી. છઠ્ઠા બોલ પર ચોગ્ગો ફટકારતાં જ નેધરલેન્ડ્સની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું.
છેલ્લા ઓવરમાં પાકિસ્તાનને જીત માટે માત્ર 5 રનની જરૂર હતી. ફહીમ અશરફે માત્ર ત્રણ બોલમાં જ મેચ પૂરી કરી દીધી અને પાકિસ્તાને રોમાંચક જીત સાથે પોતાનું સન્માન બચાવ્યું.
ફહીમ અશરફે 10 બોલમાં 25 રનની આક્રમક ઇનિંગ રમી, જેમાં એક ચોગ્ગો અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. શાહીન આફ્રિદી બીજા છેડે અણનમ રહ્યો અને તેણે 9 બોલમાં 5 રન બનાવ્યા.
આ મેચ ફરી એકવાર સાબિત કરી ગઈ કે ક્રિકેટમાં છેલ્લો બોલ પડે ત્યાં સુધી કંઈ પણ નક્કી હોતું નથી